
Gujarat Election: વોટર આઈડી ના હોય તો પણ આપી શકશો મત, જાણો કેવી રીતે?
Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનુ મતદાન આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર ચાલી રહ્યુ છે. મતદાન સવારે 8 વાગે શરુ થયુ અને 5 વાગે પૂર્ણ થશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં આજે કેદ થઈ જશે. 25,430થી વધુ મતદાન મથકો પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી વિશેની કોઈ પણ પૂછપરછ માટે હેલ્પલાઈન નંબર 1950 પર કૉલ કરીને માહિતી મેળવી શકાશે. મતદાનના દિવસે મત આપવા માટે સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. વળી, મતદાર વોટર પોર્ટલ પરથી મતદાન મથક શોધી શકાશે. મતદાર માર્ગદર્શિકાનુ પણ વિતરણ કરવામાં આવ્યુ છે. મતદાર માહિતીની કાપલી ઓનલાઈન વોટર હેલ્પલાઈન એપથી પણ તમે મેળવી શકો છો.
જો તમારી પાસે વોટર આઈડી એટલે ચૂંટણી ઓળખકાર્ડ ન હોય તો એ સિવાય પણ તમે મત આપી શકશે. તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો 12 પ્રકારના ડોક્યુમેન્ટ મત આપવા માટે માન્ય ગણાશે. જેમાં મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ બેંક, પોસ્ટ ઑફિસની પાસબુક(ફોટા સાથે), શ્રમ મંત્રાલયે આપેલા હેલ્થ ઈંસ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/પબ્લીક લિમિટેડ કંપનીઓએ આપેલ ઓળખપત્ર(ફોટોગ્રાફ સાથે), નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલા સ્માર્ટ કાર્ડ, પેન્શન દસ્તાવેજ(ફોટોગ્રાફ સાથે), સંસદસભ્ય/ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખપત્ર સાથે રાખી મતદાન કરી શકાશે.