
Gujarat Election Result 2022: દ્વારાકામાં ભાજપ અને ખંભાળિયામાં આપ આગળ, જાણો 2017માં કોને મળી હતી જીત
Gujarat Election Result 2022: આજે એટલે કે, 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના આંકડા પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટી મોટાભાગની બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સાથે આપ અને કોંગ્રેસની લીડ હોય તેવી બેઠક ઓછી છે.
આ સાથે જો ખંભાળિયા બેઠકની વાત કરીએ તો આમ આદમી પાર્ટી 2253 મતથી આગળ છે. આ બેઠક પર મુખ્યમંત્રી પદના દાવેદાર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે, ઇસુદાન ગઢવી 14 જૂન, 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી, જે બાદ તેમને આ વખતે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 2017માં ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમનો વિજય થયો હતો. જેમણે ભાજપના ઉમેદવાર કાળુભાઈ નારણભાઈ ચાવડાને હરાવ્યા હતા.
દ્વારકા બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માણેક 867 મતથી આગળ ચાલી રહ્યા છે. દ્વારકા મતવિસ્તારમાં ભાજપના પબુભા માણેક, કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયા અને આમ આદમી પાર્ટીના નકુમ લખમણભાઈ બાગભાઈ વચ્ચે જંગ છે. ઉલ્લેખનીય છે કે, 2017માં દ્વારકા બેઠક પર ભાજપના પબુભા માણેક જીત્યા હતા. જેમણે કોંગ્રેસના ઉમેદવાર આહીર મેરામણને હરાવ્યા હતા.