છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન જેલમાં ૩ ગુજરાતી માછીમારોના મોત, હજુ 128 માછીમારો કેદ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા માછીમારોની સુરક્ષા અંગે મહત્વની માહિતી આપવામાં આવી છે. તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, હાલમાં ગુજરાતના કુલ 128 માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે.
સરકારે ગૃહમાં જણાવ્યું કે 20 જાન્યુઆરી, 2026 સુધીમાં આટલી મોટી સંખ્યામાં માછીમારો સીમા પાર જેલવાસ ભોગવી રહ્યા છે. માછીમારી વિભાગના મંત્રીએ પ્રશ્નનો જવાબ આપતા આ ગંભીર સ્થિતિ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.

ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા બે વર્ષના સમયગાળામાં પાકિસ્તાનની કસ્ટડીમાં ગુજરાતના 3 માછીમારોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડાઓ દરિયાકાંઠાના પરિવારોમાં ભારે ચિંતા અને દુખનો માહોલ ઉભો કરી રહ્યા છે.
વર્ષ 2024 થી 2025 ના ગાળામાં બે માછીમારોના મોત થયા હતા, જ્યારે 2025 થી 2026 ના એક વર્ષમાં વધુ એક માછીમારનું મૃત્યુ થયું હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ ઘટનાઓ માછીમારોની સુરક્ષા પર મોટા પ્રશ્નો ઉભા કરે છે.
રાજ્ય સરકાર આ માછીમારોને છોડાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ કર્યા છે. નિર્દોષ માછીમારો જલ્દી સ્વદેશ પરત ફરે તે માટે જરૂરી પત્રવ્યવહાર અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
