મોરબી પાસે ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક બનાવવામાં આવશે
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા જાંબુડિયા-પાનેલી ખાતે એક ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક વિકસાવવામાં આવશે.
મોરબી–રાજકોટ ઔદ્યોગિક પટ્ટામાં ૧૦૫૦ એકર વિસ્તારમાં ફેલાયેલો આ GIDC સિરામિક પાર્ક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તે વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ક્લસ્ટરની નિકટતાનો સંપૂર્ણ લાભ મેળવશે, જેથી એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો આધાર મળશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સિરામિક ઉદ્યોગની સમગ્ર મૂલ્ય શૃંખલામાં વિસ્તરણ કરશે. પાર્ક ટાઇલ્સ અને સેનિટરીવેર ઉત્પાદન ઉપરાંત ઔદ્યોગિક અને એડવાન્સ્ડ સિરામિક્સ જેવા ઉચ્ચ મૂલ્યવાળા સેગમેન્ટ્સમાં પણ રોકાણને પ્રોત્સાહન આપશે. આ ગુજરાતને વૈશ્વિક સિરામિક ઉત્પાદનમાં મજબૂત સ્થાન અપાવશે.
જાંબુડિયા–પાનેલી સિરામિક પાર્કને ઉત્તમ લોજિસ્ટિક્સનો લાભ મળશે. તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-27 થી ૧.૫ કિમી, મોરબી રેલવે સ્ટેશનથી ૧૨ કિમી, રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ૭૦ કિમી અને મકનસરના ઇનલેન્ડ કન્ટેનર ડેપોથી ૫ કિમી દૂર છે.
વૈશ્વિક નિકાસ માટે નવલખી (૪૮ કિમી), કંડલા (૧૩૯ કિમી) અને મુન્દ્રા (૧૯૫ કિમી) જેવા મુખ્ય બંદરોની નિકટતા મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કનેક્ટિવિટી પૂરી પાડે છે. આનાથી ઉત્પાદિત માલસામાનનું સરળતાથી આંતરરાષ્ટ્રીય બજારો સુધી પરિવહન શક્ય બનશે.
પાર્કની મુખ્ય વિશેષતા એ છે કે, અહીં ઉદ્યોગો માટે વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સુવિધાઓ રહેશે. તેમાં કોમન ડિસ્પ્લે સેન્ટર, NABL-પ્રમાણિત સેન્ટર ઑફ એક્સેલન્સ અને કૌશલ્ય વિકાસ કેન્દ્રનો સમાવેશ થાય છે.
ઉદ્યોગોની વધતી માંગ સંતોષવા પાર્કમાં ૩૦ MLD ક્ષમતાની સમર્પિત પાણી પુરવઠા વ્યવસ્થા ગોઠવાશે. વીજળી માટે એસ્ટેટમાં બે ૬૬ KV અને એક ૨૨૦ KV સબસ્ટેશન સહિત ત્રણ સબસ્ટેશન માટે જમીન ફાળવાઈ છે. પર્યાવરણીય ધોરણો જાળવવા ઘન કચરા વ્યવસ્થાપન અને સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
૧૧ અને ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્ર, પ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ રહેશે. સિરામિક્સ, બંદરો, લોજિસ્ટિક્સ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોના પ્રતિનિધિઓ તેમાં જોડાશે, સહયોગ અને વૃદ્ધિના નવા અવસરો સર્જશે.
જાંબુડિયા–પાનેલી સિરામિક પાર્કને ઔદ્યોગિક વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને કૌશલ્ય વૃદ્ધિનું મોડેલ મનાય છે. રાજ્ય સરકાર મોરબી પ્રદેશમાં કુશળ માનવ સંસાધન તેમજ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે, જે પાર્કને સિરામિક ક્ષેત્રમાં ગુણવત્તા અને ટેક્નોલોજીકલ પ્રગતિનું અગ્રણી કેન્દ્ર બનાવશે.












Click it and Unblock the Notifications
