Gujarat Rain : ગુજરાતમાં મેઘમહેર યથાવત, સિઝનનો કુલ વરસાદ 120 ટકાને પાર પહોંચ્યો
Gujarat Rain : ગુજરાતમાં આ ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો છે. ચોમાસાની શરૂઆતથી જ શરૂ થયેલી વરસાદી ઈનિંગ હજુ પણ યથાવત છે.
ગુજરાતમાં ચોમાસાના અંતિમ મહિનામાં પણ જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 207 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે.

હાલની સ્થિતીની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આજે જોર ઘટ્યું છે. કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે આંશિક વિરામ લીધો છે.
જો કે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના આંકડા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં 1 ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 1 ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે.
આ સિવાય બનાસકાંઠાના પાલનપુર અને ડિસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, રાજ્યની આશરે 14 તાલુકામાં 2 ઇંચથી વધુ, 46 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 139 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 207 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ જોવા મળ્યો છે.
રાજ્યમાં કુલ વરસાદની ટકાવારી વિશે વાત કરીએ તો 6 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીના આંકડા અનુસાર, રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 120 નોંધાયો છે.
કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 183 ટકા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 128 ટકાથી વધુ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 122 ટકા વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 116 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 104 ટકાથી વધુ વરસાદ જોવા મળ્યો છે. બીજી તરફ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતી હોવાથી આ આંકડા વધી શકે છે.












Click it and Unblock the Notifications
