આગામી પાંચ વર્ષ માટે ગુજરાતની શહેરી આવાસ નીતિ જાહેર

આવનારા પાંચ વર્ષ માટેની શહેરી આવાસ નીતિમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના , નવોદિત મધ્યમવર્ગ તથા ઓછી આવક ધરાવતા વર્ગો , આર્થિક રીતે નબળા વર્ગને પરવડે તેવી કિંમતના આવાસોની સહાય યોજના અને જાહેર જમીનો પર ઝૂંપડપટ્ટીઓના સ્થાને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આવાસ યોજના એમ કુલ ચાર યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં શહેરી વિસ્તારોમાં 22 લાખ મકાનો બાંધવાની રાજયની ભાજપ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું કે "નવોદિત મધ્યમ વર્ગને આકર્ષતી ઘરના ઘરની યોજના પણ જાહેર કરાઈ છે . હાઉસિંગ બોર્ડ અને પીપીપી મોડલ ને આધારે મકાનો બાંધવામાં આવશે." ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2012માં યોજાઇ ગયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે 'ઘરનું ઘર' સ્કીમ જાહેર કરતાં જ તેને ભારે પ્રતિસાદ મળ્યો હતો .ભાજપે પણ તેના ચૂંટણીઢંઢેરામાં સસ્તાં અને પોસાય તેવાં મકાનો પૂરાં પાડવાનું વચન આપ્યું હતું.
નીતિન પટેલે જણાવ્યું હતું કે ઝૂંપડપટ્ટી પુનઃવસન અને આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે મકાનોનો લઘુતમ કાર્પેટ એરિયા 25 ચો.મી. તેમજ મહત્તમ 30 ચો.મી. રહેશે, જેમાં બે રૂમ, રસોડું, બાથરૂમ અને ટોયલેટની સુવિધા સામેલ હશે.
આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે મકાન બનાવવા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો વગેરેની આ હેતુ માટે પ્રાપ્ય થયેલી જમીનોનો ઉપયોગ કરશે. યોજના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તકની જમીનનો ઉપયોગ પણ કરવામાં આવશે. અગાઉ વાર્ષિક રૂપિયા 30 હજાર કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આર્થિક રીતે નબળા વર્ગની કક્ષામાં મૂકવામાં આવતા હતા, હવે વાર્ષિક રૂપિયા એક લાખ સુધીની આવક ધરાવતા વર્ગને પણ આવાસ યોજનાનો લાભ મળશે.
ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને આવાસ પૂરા પાડવા માટે રાજ્ય સરકાર મહાનગરપાલિકા, નગરપાલિકા, શહેરી વિકાસ સત્તામંડળને મકાન દીઠ રૂપિયા એક લાખની સહાય આપશે. તેમાં સરકારી વહીવટી સંસ્થાઓ લાભાર્થી પાસેથી સહાય ઉપરાંત બાકી રહેતી કિંમત અથવા રૂપિયા ત્રણ લાખમાંથી જે રકમ ઓછી હોય તે લઈ શકશે.
આવાસ નીતિ પ્રમાણે અમદાવાદ શહેર મહાપાલિકા અને ઔડાની હદના ઔડાના નવા ડેવલપમેન્ટ પ્લાન 2021 જીડીસીઆરમાં એફેર્ડેબલ હાઉસિંગ ચેપ્ટરની જોગવાઈઓ મુજબ આવાસ બનાવવાના રહેશે. આ યોજના માટેની જમીન પર 3.0 સુધીની એફએસઆઇ આપવામાં આવશે. તમામ લાભાર્થીઓએ યુઆઇડીમાં નોંધણી કરાવવાની રહેશે.
ઓછી આવક ધરાવતા વર્ગના લોકોના મકાન માટે લઘુતમ કાર્પેટ એરિયા 31 ચો.મી. અને મહત્તમ 50 ચો.મી. સુધી રહેશે. તેમાં એક બેડરૂમ, હોલ, રસોડું, બાથરૂમ અને ટોઇલેટની સુવિધા સામેલ હશે. તેનો લાભ વાર્ષિક રૂપિયા 1 લાખથી રૂપિયા અઢી લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને મળશે.












Click it and Unblock the Notifications
