આવનારા 7 દિવસ ગુજરાતમાં કેવી ઠંડી રહેશે? જાણો હવામાન વિભાગની તાજી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર અપેક્ષિત નથી, જેના કારણે ઠંડીની અસર જળવાઈ રહેશે.

હાલ રાજ્યમાં દિવસભર ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફથી ૧૫ થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે નાગરિકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ પવનો શીતલહેરની અસરને વધુ તીવ્ર બનાવી રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના નલિયામાં સૌથી નીચું ૧૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં હવામાન સૂકું રહ્યું, જ્યારે બાકીના પ્રદેશોમાં લઘુતમ તાપમાન સામાન્ય રહ્યું.
અન્ય મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાનની વિગતવાર માહિતી મુજબ, વડોદરામાં ૧૨.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૮ ડિગ્રી, અમદાવાદમાં ૧૪.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૮ ડિગ્રી અને સુરતમાં ૧૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
જોકે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે ગયું હતું, જ્યારે બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી.












Click it and Unblock the Notifications
