ગુજરાતમાં વિધાનસભાની 9 અને લોકસભાની એક બેઠક માટેની પેટા ચૂંટણીની તૈયારી શરૂ
ગાંધીનગર, 6 ઓગસ્ટ : ગુજરાતમાં હજી પણ ચૂંટણીનો માહોલ ગરમાયેલો છે. ગુજરાત વિધાનસભાની નવ બેઠકોની પેટા ચૂંટણી તેમ જ વડોદરાની લોકસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત આગામી એક મહિનામાં થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે આ બેઠકો પર નવેમ્બર, 2014 પહેલા ચૂંટણી યોજવી આવશ્યક છે.
આ વર્ષે દેશમાં મહારાષ્ટ્ર, કાશ્મીર, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સાથે ગુજરાતમાં પેટા ચૂંટણીઓ પણ યોજાશે. અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની જાહેરાતની સાથે ગુજરાતની પેટા ચૂંટણીઓની જાહેરાત કરી શકે છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014 સમયે રાજ્યના 9 ધારાસભ્યોએ લોકસભા ચૂંટણી લડી હતી. આ તમામ ધારાસભ્યો ચૂંટણી જીત્યા બાદ તેમણે વિધાનસભા બેઠક ખાલી કરી હતી. આ તમામ બેઠકો ભાજપ પાસે છે. હવે રાજ્યમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં પેટા ચૂંટણીઓનો જંગ જીતવા માટે રાજ્યના મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ કારણે વિધાનસભાની નવ બેઠકો અને નરેન્દ્ર મોદી લોકસભાની જે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા તે વડોદરા બેઠક પરથી તેમણે રાજીનામુ આપ્યું હોવાથી ત્યાં પણ ચૂંટણી યોજાશે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પેટા ચૂંટણીઓની વિધિવત જાહેરાત ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે.
જે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં પડઘર - ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, માતર, લીમખેડા, આણંદ, મણિનગર અને ડીસાનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો ભાજપ પાસે હતી. હવે કોંગ્રેસ આ બેઠક પર કબ્જો જમાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
બીજી તરફ ભાજપ આ બેઠકો પર ફરી વિજય પ્રાપ્ત થાય તે માટે અત્યારથી જ પદાધિકારીઓએ સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત યોજવાનું શરૂ કર્યું છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 20 નવેમ્બર, 2014ના રોજ વિધાનસભાની 9 બેઠકો અને લોકસભાની એક બેઠક માટેના 6 મહિના પૂર્ણ થાય છે. આ કારણે 20 નવેમ્બર પહેલા ચૂંટણી યોજવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
