આ વર્ષે ઉનાળો કેવો રહેશે? આવી ગઈ ગરમીને લઈને આગાહી
ગુજરાતમાં હવે શિયાળો ધીમે-ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ શરૂ થઈ છે. ફેબ્રુઆરીની શરૂઆતથી જ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 15 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થશે. જેમાં લોકોને દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો સામનો કરવો પડશે.

5 ફેબ્રુઆરી પછી તાપમાનમાં સતત વધારો નોંધાયો છે, જે આગામી દિવસોમાં વધુ આકરો બની શકે છે. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગને કારણે ઉનાળો ખૂબ જ ભયાનક રહેવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.
ખાસ કરીને માર્ચથી મે મહિના દરમિયાન રાજ્યમાં આકરી લૂ અને અસહ્ય ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય અને ખેતીના રવિ પાકો પર જોવા મળી શકે છે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 11 ફેબ્રુઆરી સુધી હળવી ઝાકળ પડવાની સંભાવના રહેલી છે. આ ઝાકળને કારણે જીરું અને ધાણા જેવા સંવેદનશીલ પાકોમાં રોગચાળો વધવાની ભીતિ છે.
પવનની ગતિમાં પણ હવે મોટો ફેરફાર જોવા મળશે અને 11 ફેબ્રુઆરીથી પવન તેજ ફૂંકાવાનું શરૂ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 21 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેમ જણાય છે.
ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે જેમનું પિયત બાકી હોય તેઓ આગામી 3-4 દિવસમાં કામ પૂર્ણ કરી લે. પવન તેજ થાય ત્યારે પિયત આપવાથી ઘઉં અને રાયડો જેવા પાક ઢળી શકે છે.
આગામી સપ્તાહ ગુજરાત માટે બદલાતા હવામાનનો ગાળો હોવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી શકે છે. નાગરિકોએ સ્વાસ્થ્ય બાબતે અને ખેડૂતોએ ખેતી બાબતે અત્યારથી જ વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે.












Click it and Unblock the Notifications
