ખેડૂતો માટે માવઠું આફત નોતરશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં મોટા પલટાની શક્યતા છે, જેમાં કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીનો બેવડો માર પડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા સહિત શીત લહેરની ગંભીર ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે. હવામાન વિભાગે પણ મિશ્ર આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે.

અંબાલાલ પટેલના મતે, 22 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદની શક્યતા છે. તેમણે 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરીએ પણ વાતાવરણ બદલાવાની આગાહી કરી છે.
આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ ખેતીની સિઝન ચાલી રહી છે, જ્યાં ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળી જેવા મહત્વના રવિ પાકો તૈયાર અવસ્થામાં છે. જો આ સમયે કમોસમી વરસાદ ત્રાટકે, તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાનો ભય સતાવી રહ્યો છે.
ગુજરાત પર ફરી એકવાર માવઠાની મુસીબત ત્રાટકવાનું મુખ્ય કારણ સક્રિય થયેલું પશ્ચિમી વિક્ષેપ છે. આ વિક્ષેપને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર ગુજરાત પર પ્રભાવી બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, "પશ્ચિમી વિક્ષેપથી કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનમાં મોટો પલટો આવશે. આ સાથે જ અમદાવાદ ને ગાંધીનગરનું વાતાવરણ પણ પલટાશે."
જાન્યુઆરીના અંત સુધીમાં રાજ્યમાં ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિનો અનુભવ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 20 જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ ઊંચું રહેશે. આ બદલાવ ખેડૂતો માટે પડકારજનક બની રહેશે.
22 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ હટી જશે, જેના બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરોનું તાપમાન ગગડશે, અને શીત લહેરનો અનુભવ થશે.
હવામાન વિભાગની આગાહી છે કે, આગામી બે થી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન વધતાં ઠંડી ઘટશે. રાજ્યમાં ઉત્તર-દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે, અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, માવઠાની શક્યતા નહીંવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
