બેવડી ઋતુના અનુભવ વચ્ચે ગુજરાતમાં માવઠાનો ખતરો, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતના વાતાવરણમાં હાલમાં વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે, જેમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરી ગરમીના કારણે મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આશંકા વ્યક્ત કરતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. હાલમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું હોવાના અહેવાલો છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. દક્ષિણ ભારતમાં સક્રિય થયેલા લો પ્રેશરના કારણે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે.
પહાડી વિસ્તારોમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ફેરફારને લીધે ઉત્તર ભારતના ઠંડા પવનો આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણ પર પણ મોટી અસર કરશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, શુક્રવારથી ગુજરાતમાં વાતાવરણ પલટાશે અને અરબી સમુદ્રના ભેજવાળા પવનોને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાઓમાં માવઠાની અસર વધુ જોવા મળી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
