ગુજરાતમાં ફરીથી ઠંડી વધશે? જાણો હવામાન વિભાગની તાજી આગાહી
ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરો તાપ જોવા મળે છે. રાજ્ય હવે ધીમે ધીમે શિયાળાને વિદાય આપી ઉનાળાના પગરવ તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાય છે.
છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાતા બપોરના સમયે લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી. જોકે, મહત્તમ તાપમાનમાં વધારો થતા બપોરના સમયે ગરમીનો પારો સતત ઊંચો જઈ શકે છે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં ગુજરાતમાં તેની સીધી અસર કે વરસાદની કોઈ જ શક્યતા નથી. આગામી દિવસોમાં રાજ્યનું સમગ્ર વાતાવરણ મુખ્યત્વે સૂકું અને આકાશ ચોખ્ખું રહેવાનું અનુમાન છે.
ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભને કારણે ભારે હિમવર્ષા અને વરસાદની ગતિવિધિઓ તેજ બની રહી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ છે, પણ ગુજરાત તેનાથી સુરક્ષિત રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં હળવા પશ્ચિમી વિક્ષેપો આવશે. આ અસરને કારણે 12 ફેબ્રુઆરી આસપાસ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ ફેરફારને જોતા ખેડૂતોને પાકની સુરક્ષા માટે અત્યારથી જ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે શરદી-ઉધરસ જેવા મોસમી રોગો વધવાની શક્યતા રહેલી છે. આ સંજોગોમાં નાગરિકોને પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા અને જરૂરી તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
