Gujarat Weather: 24 કલાકમાં 111 તાલુકામાં મેઘ મહેર, આજે મધ્ય-દ. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનુ રેડ એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યુ છે. તેમાંય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. જ્યારે ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવાર સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 8 ઇંચ, ડાંગના સુબિરમાં પોણા સાત ઈંચ, નવસારીમાં સાડા 6.5 ઇંચ નોંધાયો હતો. જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ, વ્યારા, વાંસદા, ડાંગ, આહવામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારોમાં પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ જગ્યાએ આઈએમડી દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
તાપીના વાલોડની વાલ્મિકી અને વડોદરાની વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની ઉપર પહોંચી હતી. આવામાં નીચાણવાળા વિસ્તારોમાં ભયની સ્થિતિ સર્જાઈ છે. મહિસાગર, દાહોદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નર્મદા તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
વળી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 31મી જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં અમદાવાદ સહિત મધ્ય, દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
