Gujarat Weather: આગામી બે દિવસ રાજ્યમાં રહેશે છૂટાછવાયા ઝાપટા, સારા વરસાદની રાહમાં ખેડૂતો ચિંતાતુર
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેશે. પરંતુ વધુ વરસાદની સંભાવના નથી. આ આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધુ વરસાદ નહિ થાય.

વળી, આઈએમડી મુજબ અમદાવાદ શહેરમાં પણ સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 24 ઓગસ્ટે પણ આ જ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે 24થી 26 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે હળવા ઝાપટા પડવાની સંભાવના છે. 29થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધશે. વળી, 29 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન ઝાપટા રહેશે.
તમને જણાવી દઈએ કે ખેતરોમાં પાકના વાવેતર થઈ ચૂક્યા છે અને હવે તેને વરસાદની જરુર છે. આ સ્થિતિમાં જો પાકને વરસાદનુ પાણી મળે તો સારો પાક થઈ શકે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર 17 મીમી વરસાદ થયો છે. 21 ઓગસ્ટ સુધીમાં 89 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
