
Gujarat Weather: રાજ્યમાં કાતિલ ઠંડી, આબુમાં -2 ડિગ્રી તાપમાન, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: રાજ્યમાં કાતિલ ઠંડી યથાવત છે. રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. જો કે, શુક્રવારથી તાપમાનમાં ચાર ડિગ્રી વધતા આંશિક રાહત મળશે. કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. નલિયામાં સૌથી ઓછુ 6.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

અમદાવાદમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધૂમ્મસ
અમદાવાદમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધૂમ્મસ છવાયેલુ છે. અહીં તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યમાં ઠંડીના પ્રકોપના કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, રાજકોટમાં 10 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, ભુજમાં 10.4 ડિગ્રી, કેશોદમાં 8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી, મહુવામાં 11.9 ડિગ્રી, દ્વારકામાં 14.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

હજુ ત્રણ દિવસ પડશે સુધી કાતિલ ઠંડી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ હાડ ધ્રૂજાવતી ઠંડી ચાલુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યમાં અનેક જગ્યાએ ધૂમ્મસભર્યુ વાતાવરણ રહેશે. વિભાગની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ સુધી કાતિલ ઠંડી પડશે. ત્યારબાદ થોડી રાહત મળશે. વળી, આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુસવાટાભર્યા પવનો ફૂંકાશે. નલિયામાં આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી છે.

માઉન્ટ આબુમાં -2 ડિગ્રીએ પહોંચ્યુ તાપમાન
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાલમાં કાતિલ ઠંડીનો દોર યથાવત છે. અહીં તાપમાનનો પારો -2 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કોલ્ડવેવના કારણે પ્રવાસીઓ પણ હાડ ધ્રૂજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. તીવ્ર ઠંડી અને કોલ્ડવેવના કારણે પરોઢિયે ઝાકળ થીજી જવાથી ઘાસના મેદાનોમાં બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે. ઠંડીથી બચવા લોકો ઘરમાંથી બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે અને તાપણા કરીને ઠંડી ઉડાડી રહ્યા છે.