ગુજરાતમાં ઠંડીનો ચમકારો, રાજ્યમાં માવઠાનું તોળાતુ સંકટ
ગુજરાતમાં હાલ ઠંડીનો પ્રભાવ યથાવત છે, જેના પર ઉત્તર ભારતના ગાઢ ધુમ્મસ અને સક્રિય પવનોની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, જેમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડી, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. આજે અમદાવાદમાં 14.1 ડિગ્રી સેલ્સિયસ અને રાજ્યમાં સરેરાશ 10.03 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે.

હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ, આગામી અઠવાડિયામાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. આગાહી છે કે 23મી જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે, જેમાં અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની અપેક્ષા છે.
આ ઉપરાંત, રાજ્ય પર ફરીથી માવઠાનું સંકટ ઘેરાયું છે. ભારત પર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના વાતાવરણમાં પલટો આવી શકે છે. આ મજબૂત સિસ્ટમની અસર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં પણ કમોસમી વરસાદના રૂપે જોવા મળશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, ગુજરાતમાં 23 થી 25 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. આ સમયગાળામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. માવઠાની શરૂઆત સૌરાષ્ટ્ર અને કચ્છથી થશે, ત્યારબાદ ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ હળવો વરસાદ આવશે.
આ કમોસમી વરસાદ દરમિયાન ઠંડીમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, 25 જાન્યુઆરી બાદ ફરી તાપમાનનો પારો ગગડતાં કાતિલ ઠંડીનો નવો દોર શરૂ થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ ઠંડીના રાઉન્ડમાં કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાથી કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
તેમ છતાં, હવામાન વિભાગના અન્ય એક અનુમાન મુજબ, તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઊંચે જતાં ઠંડીમાં કામચલાઉ ઘટાડો થશે, જેથી લોકોને થોડી રાહત મળશે. દિવસનું તાપમાન વધશે અને ઠંડા પવનો ઘટશે, જેથી ફરી એકવાર દિવસે ગરમી અને રાત્રિના સમયે સામાન્ય ઠંડીની 'બેવડી ઋતુ'નો અનુભવ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
