For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટીદાર અનામત આંદોલન વખતના કેસો પાછા ખેંચવાનું વચન સરકાર માટે રાજકીય હથિયાર બની ગયું છે?

પાટીદાર અનામત આંદોલન વખતના કેસો પાછા ખેંચવાનું વચન સરકાર માટે રાજકીય હથિયાર બની ગયું છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવી લઈ તેમને અનામતનો લાભ અપાવવા માટે આંદોલન થયું હતું.

જે માટે ગુજરાતમાં મોટા પાયે સભાઓ થઈ હતી. આંદોલનની જવાબદારી હાર્દિક પટેલ જેવા યુવાનોએ માથે ઉપાડી હતી.

પાટીદાર અનામત આંદોલન 2015માં થયું હતું
Click here to see the BBC interactive

પરંતુ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સભા પહેલાં હાર્દિક પટેલની ધરપકડ કરાતાં રાજ્યવ્પાયી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

તે સમયે આનંદીબહેન પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે આંદોલનકારીઓ પર વિવિધ કાયદાકીય કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત હાર્દિક પટેલ સહિત પટેલ સમાજના અસંખ્ય યુવાનો પર જુદા-જુદા ગુનાને લગતા કેસો દાખલ કરાયા હતા.

જુદા-જુદા સમયે ગુજરાતમાં ભાજપની સરકારે આ કેસો પાછા ખેંચવાનાં વચન આપ્યાં હતાં, પરંતુ પટેલ સમાજના આગેવાનોનું કહેવું છે કે બધા યુવાનો સામેના કેસો પાછા ખેંચાયા નથી.

આ વાતને મુદ્દો બનાવી ગુજરાત કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે ફરી વાર ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો છે.

તેમણે ગુજરાત સરકાર પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પાછા નહીં ખેંચે તો આગામી 23 માર્ચથી સમાજને એકત્રિત કરી ફરી આંદોલન ઊભું કરવાનો હુંકાર કર્યો છે.

ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે આખરે પાટીદાર સમાજના યુવાનો પર સરકારના વારંવાર વાયદાઓ છતાં અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા કેમ ખેંચાતા નથી?

શું આ વાયદો ભાજપ માટે એક રાજકીય હથિયાર બની ગયું છે?

આ પ્રશ્ન અંગે વધુ સ્પષ્ટતા મેળવવા બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલાના કેટલાક જાણકારો સાથે વાત કરી હતી.


હાર્દિક પટેલનો શું છે તર્ક?

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેઓ સરકાર સામે સમાજને એકઠો કરવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના જૂના સાથીઓ, જેઓ હાલ જુદી જુદી રાજકીય પાર્ટીઓમાં જોડાયેલા છે, તેમને પણ આવકારશે

હાર્દિક પટેલે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "એ સમયે થયેલા કેસોમાં મારી સાથે સાત હજાર યુવાનો પર કેસ થયા હતા. જે પૈકી ત્રણ હજાર કેસ પાછા ખેંચાયા. પરંતુ ચાર હજાર પર હજુ કેસ છે. તેમને ભણવું છે, વિદેશ જવું છે, પરંતુ આ કેસોના કારણે તેવું થઈ શકતું નથી."

તેમણે પોતાની માગણી આગળ મૂકતાં કહ્યું કે, "અમારી માગણી છે કે સરકાર આ તમામ કેસો પાછા ખેંચે, કારણ કે અમારી લડાઈને કારણે બધા સમાજોને લાભ થયો છે, પરંતુ પરેશાની અમે ભોગવી રહ્યા છીએ. જે વાજબી નથી. સરકારે રાજકીય દ્વેષ છોડી અને આ કેસ પાછા ખેંચવા જોઈએ."

https://youtu.be/fDtDALEkejE

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેઓ સરકાર સામે સમાજને એકઠો કરવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના જૂના સાથીઓ, જેઓ હાલ જુદી-જુદી રાજકીય પાર્ટીઓમાં જોડાયેલા છે, તેમને પણ આવકારશે.


રાજકીય મુદ્દા તરીકે આ વાયદાનો ઉપયોગ કરાઈ રહ્યો છે?

હાર્દિક પટેલ ફરી ઊભું કરી શકશે આંદોલન?

હાર્દિક પટેલ દ્વારા ઉઠાવાયેલી માગને પાટીદાર અનામત આંદોલનના તેમના જૂના સાથીઓ અલ્પેશ કથિરીયા અને ગોપાલ ઇટાલિયાનો પણ સાથ મળ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયાએ હાર્દિક પટેલની જાહેરાતને ટેકો વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સમાચારો અનુસાર અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, "હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા માટે આંદોલનની જાહેરાત કરી છે, તેને અમારું સમર્થન છે. જોકે, અમે પાટીદાર અનામત આંદોલન સમિતિને રાજકીય હાથો નહીં બનવા દઈએ. છતાં સરકાર પાસે પાટીદાર યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચવા માટે માગણી મૂકવા પ્રતિબદ્ધ છીએ."

આ સિવાય બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ હાર્દિક પટેલની માગણીમાં સૂર પુરાવ્યો હતો.

તેમણે સરકારની ઇચ્છા સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, "ગુજરાત સરકારના ઘણા નેતાઓ અવારનવાર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા માટે રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ વર્ષોથી તે પાછા ખેંચાયા નથી. તેનો અર્થ એ છે કે સરકારની ઇચ્છા આ કેસો પાછા ખેંચવાની નથી."

ઇટાલિયાએ ભાજપ દ્વારા ચૂંટણી સમયે આ મુદ્દાને મત મેળવવા માટેના હાથા તરીકે ઉપયોગ કરાતો હોવાનો આરોપ મૂક્યો છે.

તેમણે કહ્યું કે, "ગુજરાત ભાજપના નેતાઓ માત્ર ચૂંટણીલક્ષી લાભ લેવા માટે આ મુદ્દો ઉઠાવે છે. જો તેમને કેસો પાછા ખેંચવા હોત તો ક્યારના ય ખેંચાઈ ચૂક્યા હોત."

https://www.youtube.com/watch?v=vWmSvjvKbnc

આ સિવાય ગુજરાતમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં નેતા અને પાટીદાર અનામત આંદોલનનાં ભૂતપૂર્વ આંદોલનકારી રેશમા પટેલે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં આ માંગણીઓ વાજબી હોવાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "સરકારે સમાજના અગ્રણીઓ અને આંદોલનકારીઓને કરાયેલ વાયદો પૂરો કર્યો નથી. તેઓ મતનું રાજકારણ રમવા માટે આ મુદ્દાનો ઉપયોગ કરે છે. જો તેમને ખરેખર આ મુદ્દો આંદોલનકારીઓ ન ઉપાડે તેવી સરકારની ઇચ્છા હોય તો તેઓ શહીદોના પરિવારના સભ્યોને નોકરીઓ આપવાનો અને કેસો પાછા ખેંચવાનો વાયદો પૂર્ણ કરો."


સમાચારોમાં જળવાઈ રહેવાનું સ્ટન્ટ?

ભાજપે સમગ્ર ઘટનાને ગણાવ્યો સમાચારોમાં જળવાઈ રહેવા માટેનો પ્રયત્ન

ગુજરાત ભાજપના સહ-પ્રવક્તા ઋત્વિજ પટેલે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પાછા ન ખેંચવામાં આવે તેવી સ્થિતિમાં ફરીથી આંદોલન ઊભું કરવાના પ્રયાસને રાજકીય ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "હાર્દિક પટેલ અને ગુજરાત કૉંગ્રેસ પોતાની રાજકીય ભૂમિ ગુમાવી ચૂક્યા છે, તેથી સમાચારોમાં ચમકવા માટે આ આંદોલનનું સ્ટન્ટ કરાઈ રહ્યું છે."

ઋત્વિજ પટેલે આગળ જણાવ્યું હતું કે, "પાટીદાર સમાજ હંમેશાંથી ભાજપ સાથે રહ્યો છે અને આગળ પણ રહેશે. કુલ કેસોમાંથી 80 ટકા કેસો પાછા ખેંચાઈ ચૂક્યા છે. અન્ય કેસો પણ પાછા ખેંચવા માટે ભાજપના નેતાઓએ મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે. અને કાયદાની મર્યાદામાં રહીને પાછા ખેંચાઈ શકતા હોય તેટલા કેસ ભવિષ્યમાં પણ પાછા ખેંચાશે."

નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવા ભાજપના પટેલ સાંસદોએ મોહન કુંડારિયાની આગેવાનીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમુક મહિના પહેલાં બેઠક કરી હતી.

બેઠક બાદ મોહન કુંડારિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે. જેમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચવા અંગે તેમણે હકારાત્મક વલણ દાખવ્યું છે."

"રાજદ્રોહ જેવા ગુનાઓની કાનૂની આંટીઘૂંટીને જોઈ નિર્ણય કરાશે. પરંતુ સામાન્ય ગુનાઓ અંગે કરાયેલ કેસ પરત લેવાશે."

બીજી તરફ સાંસદ રમેશ ધડૂકે જણાવ્યું હતું કે, "આ ચૂંટણીઓ નજીક આવે છે એટલે લેવાયેલો નિર્ણય નથી. ગંભીર ગુનાઓ સિવાય અન્ય ગુનાઓ અંગે થયેલી ફરિયાદો પરત લેવાની જૂની વાત હતી એ અંગે નિર્ણય લેવાયો છે."


કેમ થયું હતું પાટીદાર આંદોલન?

ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદારોના આંદોલનની ધુરા હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ સંભાળી હતી

ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદારોના આંદોલનની ધુરા હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ સંભાળી હતી.

ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા આ આંદોલનનાં મૂળિયાં ઉત્તર ગુજરાત સાથે જોડાયેલાં હોવાનું મનાય છે.

પાટીદારોના એક જૂથ સરદાર પટેલ ગ્રૂપના સભ્યોની 'સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવી લઈ અનામતનો લાભ આપવા'ની માગણી સાથે આ આંદોલન શરૂ થયું હતું. જે ધીરે-ધીરે સમગ્ર રાજ્યમાં પ્રસરવા લાગ્યું.

આંદોલન અંતર્ગત પાટીદાર સમાજના લગભગ 25 લાખ જેટલા લોકો સમગ્ર રાજ્યમાંથી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા. હાર્દિક પટેલની ધરપકડ બાદ પોલીસ અને પાટીદાર સમાજના લોકો વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા, જ્યારે પાટીદાર સમાજના અમુક લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં.

વિશ્લેષકો કહે છે કે આ આંદોલનના કારણે જ રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી એવાં આનંદીબહેન પટેલને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

આંદોલનમાં ભાગ લેનારા ઘણા લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેને હઠાવવાની માગ ઘણા સમયથી પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે.

આ આંદોલન થયું, એ પછી સાત વર્ષ વીતી ગયાં છે છતાં આ ઘટનાના પડઘા હજુ પડી રહ્યા છે.

હજુ પણ છાશવારે પાટીદાર સમાજની માગણીઓ પૂરી કરવાની માગ ઊઠતી રહે છે.

પાટીદાર આંદોલન વખતે થયેલા પાટીદારોના દમન અંગે આજે પણ સમાજના લોકોનાં મનમાં સરકાર સામે આક્રોશ જોવા મળે છે.


'પાટીદાર ક્રાંતિ દિવસ'

નોંધનીય છે કે આંદોલન વખતે GMDC ગ્રાઉન્ડ પર સભા મળવાની હતી, એ દિવસને સમાજના અમુક આગેવાનોએ પાટીદાર ક્રાંતિ દિવસ ગણાવ્યો હતો

નોંધનીય છે કે આંદોલન વખતે GMDC ગ્રાઉન્ડ પર સભા મળવાની હતી, એ દિવસને સમાજના અમુક આગેવાનોએ 'પાટીદાર ક્રાંતિ દિવસ' ગણાવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા એ સમયે કરાયેલી કાર્યવાહીને વખોડતાં પાટીદાર આગેવાન ગીતાબહેન પટેલે જણાવ્યું હતું કે,"પાટીદાર સમાજને અનામત જોઈતી હતી અને જો સરકાર થોડા જ સમયમાં આર્થિક આધાર પર અનામત આપવાની હતી, તો યુવાનો પર ગોળીઓ ચલાવવાની અને કેસ કરવાની ક્યાં જરૂર હતી?"

"પાટીદાર સમાજની માગણીઓ અનુસાર આર્થિક આધાર પર અનામત આપી શકાતી હતી, તો સમાજને રોડ પર આવવું પડ્યું, એવી પરિસ્થિતિ શું કામ સર્જવામાં આવી?"

ભાજપના ઉદયમાં પાટીદાર સમાજના ફાળા વિશે વાત કરતાં તેઓ કહે છે, "અમારા સમાજે તન, મન અને ધનથી મદદ કરીને ભાજપને બેઠો કર્યો છે, પક્ષને ઊભો કરવામાં પાટીદાર સમાજનો સિંહફાળો છે, જે ભુલાવી શકાય નહીં."

"આવા મદદગાર સમાજે, જ્યારે પોતાના હકની વાત કરી, ત્યારે આ જ સમાજના યુવાનોને ગોળીએ દેવાની શી જરૂર હતી?"

નોંધનીય છે કે આ આંદોલન દરમિયાન પાટીદાર સમાજના 14 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.


મૃતકોના પરિવારજનોની આર્થિક ભીંસ

પાટીદાર આંદોલન સાથે જોડાયેલા 14 લોકોનાં પોલીસ અને સુરક્ષાદળો સાથેના ઘર્ષણમાં મૃત્યુ થયાં હતાં અને હજારો યુવકો પર કેસ દાખલ કરાયા હતા

પાટીદાર આંદોલન સાથે જોડાયેલા 14 લોકોનાં પોલીસ અને સુરક્ષાદળો સાથેના ઘર્ષણમાં મૃત્યુ થયાં હતાં અને હજારો યુવકો પર કેસ દાખલ કરાયા હતા.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આ આંદોલન સમયે જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારજનો હવે ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું પાટીદારોના આગેવાન સુરેશ પટેલ જણાવે છે અને સરકારને તેમની મદદ કરવા માટે આગ્રહ કરે છે.

તેઓ કહે છે કે, "અમારા વસ્ત્રાલ પાટીદાર સમાજ અને સરદાર પટેલ સેવાદળ જૂથ દ્વારા પણ તેમની કેટલીક વખત મદદ કરાઈ છે, પરંતુ તે પૂરતી નથી હોતી."

"હું તમારા માધ્યમથી સરકારને રજૂઆત કરું છું કે તેમને યોગ્ય આર્થિક મદદ કરવામાં આવે, જેથી કુટુંબની નાણાકીય મુશ્કેલી દૂર થઈ શકે."

સુરેશ પટેલ સરકારે આપેલાં વચનો યાદ કરાવતાં કહે છે, "આંદોલન સમયે અમારા પાટીદાર સમાજના આગેવાનોને આપેલાં તમામ વચનો સરકાર પાળે અને તે મુજબ કાર્યવાહી કરે તેવી અમારી રજૂઆત છે."

ફૂટર


https://www.youtube.com/watch?v=W3ZUdCweD9Y

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Has the promise to withdraw cases from the Patidar reservation movement become a political weapon for the government?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X