For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાપીમાં અમીત શાહે સંબોધી જનસભા, કોંગ્રેસ પર કર્યો હુમલો, બીજેપીના કામ ગણાવ્યા

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે તાપી જિલ્લાના નિઝર ખાતે ભાજપના ઉમેદવાર ડૉ.જયરામ ગામીતના સમર્થનમાં આયોજિત જાહેરસભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે તાપી જિલ્લાના નિઝર ખાતે ભાજપના ઉમેદવાર ડૉ.જયરામ ગામીતના સમર્થનમાં આયોજિત જાહેરસભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. અમિત શાહે દેવલી માતા, કંસારી માતા અને રોકડીયા હનુમાનદાદાને પ્રણામ કરીને સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, આજની સભાનું સ્વરૂપ બતાવે છે કે, આ વખતે નિઝરમાં કમળ ખીલવાનું છે, ડૉ. જયરામ ગામીતની જીત નિશ્ચિત છે. જ્યારથી ગુજરાતમાં ભાજપાની સરકાર બની છે ત્યારથી ભાજપે દરેક ક્ષેત્રનો વિકાસ કરવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શહેર હોય કે ગામ, વનક્ષેત્ર હોય કે રણ વિસ્તાર, પહાડી વિસ્તાર હોય કે સાગરકીનારો ગુજરાતના પ્રત્યેક ખૂણે વિકાસની યાત્રા આગળ વધી છે. વિશેષ કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી ક્ષેત્રના ભાઈઓ બહેનોના વિકાસ પર વિશેષ ભાર મુક્યો છે.

Amit Shah

અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ૧૯૯૦થી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી અને કોંગ્રેસીઓ બોર્ડ લગાવે છે કે કોંગ્રેસનું કામ બોલે છે. જે પાર્ટી ગુજરાતમાં ૩૨ વર્ષથી સત્તામાં ન હોય અને ગુજરાતના વિકાસના જશની પાઘડી પોતાના માથે પહેરતી હોય, તેવી કોંગ્રેસ જેવી જુઠ્ઠી પાર્ટી જોઈ નથી, કોંગ્રેસને શરમ આવવી જોઈએ. અગાઉ કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત અને દેશમાં રાજ કર્યા પછી પણ આદિવાસી વિસ્તારમાં વીજળી નહોતી મળતી, ચાર કલાકમાં અંધારું થઈ જતું. નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના દરેક ગામમાં ૨૪ કલાક વીજળી પહોંચાડી વિકાસને ગામેગામ પહોંચતો કર્યો. આજે ગુજરાતીઓ માટે મોસાળે માં પીરસનારી છે, નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં પ્રધાનમંત્રી છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતીઓને વિકાસ અને મોટું બજેટ પહોંચાડ્યું છે.

ગુજરાત હોય કે દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા આદિવાસીઓનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે. દેશની આઝાદીને ૭૫ વર્ષ થયા ત્યાં સુધી કોંગ્રેસીઓએ એક પણ આદિવાસી દીકરા કે દીકરીને દેશના રાષ્ટ્રપતિ નહોતા બનાવ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દ્રૌપદી મુર્મુજીના સ્વરૂપે દેશમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવી સમગ્ર દેશના આદિવાસીઓનું સન્માન કર્યું છે, ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને ૧૫ નવેમ્બર ૨૦૨૧થી જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. દેશને આઝાદ કરવા અનેકાનેક સ્વતંત્રતા સેનાનીઓ ભગવાન બિરસા મુંડા, શંકર શાહ, રઘુનાથ શાહ, તાત્યા મામા સહિત અનેક વીરોએ અંગ્રેજો અને મુઘલો સામે લડવા માટે જાનની બાજી લગાડી દીધી પરંતુ અનેક વર્ષોના શાસનમાં નહેરુ-ગાંધી પરિવારની સ્મૃતિઓ બનાવવામાં લીન કોંગ્રેસે આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની સ્મૃતિમાં કઈ ન બનાવ્યું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓની સ્મૃતિમાં ૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે દેશમાં ૧૦ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય કર્યો જેમાંથી ૧ ગુજરાતના ફાળે આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી વિકાસને આગળ વધારવાનું કાર્ય કર્યું છે. નર્મદામાં ભગવાન બિરસા મુંડા આદિવાસી વિશ્વવિદ્યાલય ગોધરામાં શ્રી ગોવિંદગુરુ વિશ્વવિદ્યાલય, મેડિકલ કોલેજો, નવ આઈટીઆઈ, વ્યારામાં ખેલ પરિસર, તાપીમાં હોમિયોપેથીક અને નર્સિંગ કોલેજ, નિઝરમાં ૩૦૦ બેડની હોસ્પિટલ, વાલોદમાં સાયન્સ અને આર્ટ્સ કોલેજ, સોનગઢમાં સાયન્સ કોલેજ, તાપીમાં મોડેલ સ્કૂલ, ગુજરાતમાં એકલવ્ય સ્કૂલોને અઢીગણી કરવાનું કામ ભાજપે કર્યું છે. નિઝરમાં ૯૫૦ કરોડથી વધુના ખર્ચે લિફ્ટ ઇરીગેશન પ્રોજેકટ થકી સિંચાઈ વધારવાનું કાર્ય ભાજપે કર્યું છે. આપણા બંધારણમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરે જોગવાઈ મુકી હતી કે પ્રદેશમાં આદિવાસીઓની જેટલી વસ્તી હોય બજેટનો તેટલો હિસ્સો આદિવાસી ભાઈઓ, બહેનો અને યુવાનો માટે આપવો જે વાતનો અમલ કોંગ્રેસની સરકારોએ દેશમાં વર્ષે સુધી નહોતો કર્યો પરંતુ વર્ષ ૨૦૦૪માં આદિવાસીની વસ્તી જેટલો ખર્ચ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિકાસ માટે કરવાની શરૂઆત કરી. કોંગ્રેસ આજે વિકાસની પોકળ વાતો કરે છે પણ તેમના સમયમાં આદિવાસી ક્ષેત્રનું બજેટ ૧ હજાર કરોડ રૂપિયા હતું જે આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ૧ લાખ કરોડ રૂપિયા છે.

કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓએ ૭૦ વર્ષથી કાશ્મીરમાં કલમ ૩૭૦ને પોતાના ખોળામાં પંપાળીને રાખી જેનાથી આતંકવાદનો ફેલાવો વધ્યો, દેશની જનતાએ નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા અને ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ને ઉખેડીને ફેંકી દેવામાં આવી. કલમ ૩૭૦ અંગે કોંગ્રેસે હાય તૌબા કર્યા કે કલમ 370 ના હટવાથી દેશમાં લોહીની નદીઓ વહેશે પણ કોઈએ કાંકરીચાળો કરવાની હિંમત પણ ન કરી. સોનિયા ગાંધી અને મૌનીબાબાની સરકારમાં ૧૦ વર્ષ સુધી આલિયા, માલિયા, જમાલિયા દેશના જવાનોના માથા કાપી અપમાનિત કરતા હતાઝ સરકારમાં કોઈની હિંમત ન હતી કે પાકિસ્તાન સામે આંખ ઊંચી કરીને અવાજ કરે. જનતાના આશીર્વાદથી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ પાકિસ્તાને ઉરી અને પુલવામામાં હુમલો કરવાનું દુ:સાહસ કર્યું પણ પાકિસ્તાન ભૂલી ગયુ હતું કે હવે દેશના પ્રધાનમંત્રી મૌની બાબા નહીં પણ નરેન્દ્ર મોદી છે. સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકના હુકમો આપી દેશની સેનાને ખુલો દોર આપ્યો અને ભારતની સેનાએ ઘરમાં ઘૂસીને આતંકીઓને ઠાર કરી બદલો લીધો અને સુરક્ષિત પરત કર્યા.

સમગ્ર દેશને સુરક્ષિત કરવાનું, દેશનો આર્થિક વિકાસ વધારવાનું, સમગ્ર વિશ્વના ઉદ્યોગોને ગુજરાતમાં અને ભારતમાં લાવવાનું, વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધારવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. ભારતનું માન સન્માન અને ગૌરવ વિશ્વભરમાં વધ્યું છે તે બાબત તાજેતરમાં જ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સમયે જે પ્રમાણે બંને દેશોએ હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં સહયોગ આપ્યો તે પરથી સિદ્ધ થાય છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને વિનામૂલ્યે ૨૨૫ કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપીને સુરક્ષિત કર્યા છે, દેશના ૮૦ કરોડ નાગરિકોને સવા બે વર્ષથી વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ વિના મૂલ્ય આપવાનું કામ કરી કોરોના મહામારી પછીની પરિસ્થિતિમાં મદદ કરી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન અને પાંચ લાખ સુધીની વિનામૂલ્ય સારવાર આપી છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડી છે. કોંગ્રેસીઓએ તેમના ૬૦ વર્ષના શાસનમાં ગરીબી હટાવો ની જગ્યાએ ગરીબોને હટાવવાનું કામ કર્યું, સત્તાનો ઉપભોગ કરવાનું કામ કર્યું, જ્યારે આઠ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભાજપ સરકારે દેશના ગરીબ ભાઈઓ બહેનોના જીવનમાં અજવાળું પુરવાનું કાર્ય કર્યું, ધુમાડો કાઢવાનું કામ કર્યું, તેમને સ્વસ્થ અને સલામત બનાવવાનું કામ કર્યું.

આદિવાસી ભાઈઓ, બહેનોના વિકાસ માટે નરેન્દ્રભાઈ મોદી વનબંધુ કલ્યાણ યોજના લાવ્યા જેણે આદિવાસી ક્ષેત્રનો નકશો બદલી નાખ્યો. જેના ફળસ્વરૂપ આજે ૭ લાખ આદિવાસી પરિવારોની આવક બમણી થઈ છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી કાર્યક્રમ થકી આદિવાસી વિસ્તારમાં સાક્ષરતાનો દર વધ્યો છે. ૩૩ લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જીનીયરીંગ અને એમફીલ ક્ષેત્રે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ છે. ૬૬kv લાઇન પર ૧૪ સબસ્ટેશન બનાવી આદિવાસીના દરેક ઘરે વીજળી પહોંચાડાઈ છે. પાંચ વર્ષમાં વન અધિકાર અધિનિયમ હેઠળ ગુજરાતમાં આદિવાસીઓને ૧૩ લાખ એકર જમીનના માલિક બનાવવાનું કાર્ય ભાજપની સરકારે કર્યું છે. વિકાસની બાબતમાં કોંગ્રેસ પાસે હિસાબમાં કઈ નથી માટે રાહુલ બાબા સભા માટે હજી સુધી આવ્યા નથી.

તાપી જિલ્લામાં ૧,૪૩,૦૦૦ ખેડુતોને દર વર્ષે સન્માન નિધિ સ્વરૂપે રૂપિયા ૬,૦૦૦ મળી રહ્યા છે ૯૩ હજારથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે તેમજ ૬૯,૩૮૧ ગેસ સિલિન્ડર મળ્યા છે. ઉકાઈ ડેમના વિસ્થાપિતોની નવી શરત - જુની શરતની લાંબા સમયથી ચાલતી સમસ્યાનું ભાજપની સરકારે નિરાકરણ લાવી દીધું છે. વ્યારા સુગર ફેકટરી માટે ૩૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું કજે જે ટૂંક સમયમાં શરૂ થશે. આજે ગુજરાતે પ્રત્યેક ઘરમાં નલ સે જલનો લક્ષ્યાંક તો પૂર્ણ કર્યો જ છે છે સાથે સાથે કોંગ્રેસના સમયમાં ફક્ત ૧.૫% ઘરમાં નળથી પીવાનું પાણી મળતું જે આજે ૫૬% થયું છે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ પહેલા સો ટકા ઘરમાં પીવાનું શુદ્ધ પાણી નળથી પહોંચાડાય તે પ્રકારે કાર્ય કરવામાં આવશે.

શાહે ૧ ડિસેમ્બરે કમળના નિશાન પર બટન દબાવી ફરીવાર ગુજરાતમાં વિકાસની સરકાર લાવવા અને નિઝર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડૉ.જયરામ ગામીતને ભવ્ય વિજય અપાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથ મજબૂત કરી કમળ ખીલવવા માટે સૌ નાગરિકોને આહવાન કર્યું હતું. આ જાહેરસભામાં ભાજપા નો ઉમેદવાર ડૉ.જયરામ ગામીત, સાંસદ પ્રભુભાઈ વસાવા, તાપી જિલ્લા પ્રભારી અશોક ધોરાજી, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, સંગઠનના કાર્યકારી પ્રમુખ વિક્રમ, સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ ગામીત, સંગઠનના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, સહકારી આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
In Tapi, Amit Shah addressed the public meeting, attacked the Congress, called the work of the BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X