
ગુજરાતના તમામ આદિજાતિ તાલુકાઓમાં પોષણ સુધા યોજના પણ લોન્ચ કરવામાં આવશે
આગામી તા. ૧૮ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતના વડોદરામાં 'ગુજરાત ગૌરવ અભિયાન' કાર્યક્રમ આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાનના હસ્તે રૂ.૨૧,૦૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિભાગોના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યભરમાં 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' (MMY)નો શુભારંભ કરાવશે. મહિલાઓની સગર્ભાવસ્થાથી માંડીને ૧,૦૦૦ દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' જાહેર કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં 'પોષણ સુધા યોજના'નું પણ લોન્ચિંગ કરવામાં આવશે જે યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવામાં આવશે.
આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનીટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. ચાલુ વર્ષમાં આ યોજના માટે રૂ.૧૧૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ દર મહિને અંદાજિત ૧.૩૬ લાખ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.
રાજ્યની માતાઓ અને બાળકોના પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માટે અને એક સુદૃઢ અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે.