For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના ૬૭મા બોડકદેવ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા છેલ્લા ૧૦૦ દિવસમાં અસરકારક કામગીરી, ૭૫૦થી વધુ કેસ કરીને ૫૦૦ જેટલા ગુનેગારોની ધરપકડ - હર્ષ સંઘવી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ શહેર પોલીસના નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ આપણા દેશને સ્વરાજ અપાવ્યું, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની જોડીએ સુરાજ્ય આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકાર હરહંમેશ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટેકનોલોજી અને આધુનિક સાધનોના ઉપયોગથી સુશાસનનો અમારો લક્ષ્યાંક છે. પોલીસ વિભાગની કામગીરી અને વ્યવસ્થા સુચારુ હોય તો પરિણામ સારા મળે છે. ત્યારે ગુજરાત સરકાર પણ ગૃહ વિભાગને આધુનિક ટેક્નોજી અને સાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.

Bhupendra patel

અમદાવાદ શહેરના ઝોન ૭માં સમાવિષ્ટ નવનિર્મિત બોડકદેવ પોલીસ મથક સમગ્ર અમદાવાદ શહેરનું ૬૭મુ પોલીસ મથક છે. આવનારા સમયમાં નવી બિલ્ડીંગનું નિર્માણ કરીને ૬૦,૦૦૦ સ્કવેર ફૂટમાં આ પોલીસ મથકનો વિસ્તાર કરાશે. નવનિર્મિત પોલીસ સ્ટેશનમાં ડ્રોન કેમેરા યુનિટ, સાયબર ઈન્ટેલીજન્સ તેમજ નાર્કોટિકસ ટાસ્ક ફોર્સની સુવિધાઓ નિર્માણ પામી છે.

મુખ્યમંત્રી અને વિસ્તારના ધારાસભ્ય તરીકે ભૂપેન્દ્ર પટેલે પોલીસ મથક બન્યાનો આનંદ વ્યક્ત કરતા અહીંના રહીશોને અભિનંદન પાઠવ્યા હતાં. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પોલીસની જવાબદારી 'તીર પણ ચલાવવાનું અને પક્ષી પણ બચાવવું' એ પ્રકારની છે. વ્યાજખોરી અને ડ્રગ્સ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવાની સાથે કોઈ નિર્દોષને દંડ ન થાય તે રીતે પોલીસ કામગીરી કરી રહી છે. જેના માટે સમગ્ર ગૃહ વિભાગ અભિનંદનને પાત્ર છે. પોલીસ પ્રજાની સાથે છે તે રીતે પ્રજા પણ પોલીસને સહયોગ આપે તે જરૂરી છે. સરકાર પ્રજાની સેવા માટે આધુનિક ઢબે કચેરીઓ, આવાસ સહિતના નિર્માણકાર્યો કરી રહી છે. ત્યારે સલામત સમાજના નિર્માણમાં સમાજનો સહકાર મળે તે અપેક્ષિત છે. એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોઈને પોલીસ મથક સુધી આવવું જ ન પડે તેવું વાતાવરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બને તેવો ગૃહ વિભાગનો લક્ષ્યાંક છે. આ વિસ્તારની શાંતિ અને સલામતી માટે અહીં નૂતન પોલીસ મથકનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીનો વિચાર હતો. જે ગૃહ વિભાગ અને દાતાઓના સહયોગથી સાકાર થયો છે. તેમણે કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે જવાબદારી સાંભળ્યા બાદ સૌપ્રથમ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા માટે સૂચનાઓ આપી હતી. જેનો અમલ કરતા છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે ૯,૦૦૬ કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. સાથોસાથ ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા ૪૬ જેટલા પાકિસ્તાનીને જેલમાં બંધ કરાયા છે.

વ્યાજખોરી વિરુદ્ધ રાજ્યવ્યાપી ઝુંબેશનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યભરમાં લોક દરબારો યોજીને અત્યારસુધીમાં ૭૫૦થી વધુ કેસ કરીને ૫૦૦ જેટલા વ્યાજખોરોને જેલમાં ધકેલાયા છે. તેમણે કહ્યું કે, પોલીસ માત્ર વ્યાજખોરોને પકડવાનું કામ નથી કરતી પરંતુ કોઈ ખોટી રીતે ફરિયાદ કરીને ઇરાદાપૂર્વક પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરી રહી છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવાની અને નવા કોઈ ન ફસાય તે માટે અસરકારક કામગીરી છેલ્લા ૧૦૦ દિવસમાં કરવામાં આવી છે. નાના વેપારીઓની વ્યાજબી નાણાકીય જરૂરિયાત પુરી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવામાં પણ પોલીસ મદદરૂપ બની રહી છે. આમ, પ્રજાજનોની સુખાકારી માટે કાર્યરત સમગ્ર સરકારને માર્ગદર્શન આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તેમણે આભાર માન્યો હતો.

બોડકદેવ પોલીસ મથકના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય વાસ્તવે જણાવ્યું કે, સમગ્ર શહેર અનેક વિભાગોમાં વહેચાયેલું છે અને દરેક વિભાગમાં કાર્યરત પોલીસ સ્ટેશનો પ્રજાની શાંતિ, સુરક્ષા અને સેવામાં કાર્યરત છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડીયા, સોલા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ મહત્તમ વિસ્તારને પગલે એક નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાત હતી. આ વિસ્તારોમાંથી થોડાક વિસ્તારોને લઈને બોડકદેવ પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે, તેને લોકાર્પિત કરતા અનહદ આનંદની લાગણી અનુભવું છું. એમ તેમણે જણાવ્યું હતું.

સમગ્ર શહેરના લોકો શાંતિ, સલામતીની પ્રતીતિ કરી શકે એ પોલીસનો સેવાધ્યેય છે.પશ્ચિમ વિસ્તારમાં વસતા સમાજના લોકોને પણ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવી શકાય તેને પગલે અહીંના વિકસિત કોમર્શિયલ વિસ્તારને વેગવંતો બનાવવા તથા સિંધુ ભવન રોડ પર વધતી જતી સુવિધાઓને ધ્યાને રાખીને અત્યંત આધુનિક ડિજિટલ સુવિધાઓથી યુક્ત આ પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં સહાયરૂપ બનશે. તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે અહીં નિર્માણ પામેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેશનડાયરીમાં પ્રથમ નોંધ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ સાથોસાથ મુલાકાતીઓની યાદીમાં પ્રથમ નામ પણ મુખ્યમંત્રીનું લખવામાં આવ્યું, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના પીએસઓ સહિતના કર્મચારીઓએ ચાર્જ સાંભળ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કેટલાક સહયોગીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

English summary
Inauguration of police station in Ahmedabad Bodakdev by Chief Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X