કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે માવઠું
ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, જાન્યુઆરીના મધ્યમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું પડી શકે છે, જે વાતાવરણમાં અણધાર્યો પલટો લાવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 16 જાન્યુઆરીથી એક પશ્ચિમી વિક્ષેપ ગુજરાત પર અસર કરશે. આના પ્રભાવથી કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનમાં મુખ્ય પલટો આવશે. અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાઈ કમોસમી વરસાદ લાવી શકે છે.

નવી આગાહી મુજબ, 22 જાન્યુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં પરિવર્તન આવશે, જેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનની શક્યતા છે. આ ફેરફાર દક્ષિણ ગુજરાતને પણ પ્રભાવિત કરશે. વધુમાં, 29 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી પણ આવા જ હવામાન પલટા જોવા મળી શકે છે.
22 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટ્યા બાદ ગુજરાતમાં ફરી આકરી ઠંડીનો પ્રારંભ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. ફેબ્રુઆરીની 12 તારીખ આસપાસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે, જે ઠંડીની તીવ્રતા વધારશે.












Click it and Unblock the Notifications
