કંડલા પોર્ટ ખાતે ભારતનો પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા ૧ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કરાયો
દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) કંડલા ખાતે ભારતના પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા ૧ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ અનોખા પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું. આ સિદ્ધિ ભારતને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

કેન્દ્રીય મંત્રી સોનોવાલે આ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણની પ્રશંસા કરી. આ ૧૦ મેગાવોટના મોટા પ્રોજેક્ટના ભાગરૂપે માત્ર ચાર મહિનામાં પ્રથમ ૧ મેગાવોટ મોડ્યુલનું કાર્યરત થવું એ ભારતના ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં અમલીકરણ માટે એક નવો દાખલો છે.
આ પ્લાન્ટના કાર્યરત થવાથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી મેક-ઇન-ઇન્ડિયા મેગાવોટ-સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધાને કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે. આ પ્લાન્ટ વાર્ષિક આશરે ૧૪૦ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
આ સુવિધા દરિયાઈ ક્ષેત્રે ડીકાર્બોનાઇઝેશન અને બંદરના સંચાલનને ટકાઉ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગ્રીન હાઇડ્રોજન રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને ઉત્પન્ન થાય છે, તે પર્યાવરણને અનુકૂળ ઇંધણનો વિકલ્પ પૂરો પાડીને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે.
આ પ્રોજેક્ટ ભારતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને ઉપયોગમાં અગ્રણી દેશ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીડી સમાન છે. આનાથી સ્થાનિક સ્તરે સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન વધશે અને ભારતના ઊર્જા સુરક્ષા લક્ષ્યોને મજબૂતી મળશે.












Click it and Unblock the Notifications
