• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇસુદાન ગઢવી : પેપર લીકનો મામલો ઈસુદાન ગઢવી દારૂ પીધો કે નહીં એ વિષયમાં કેમ ફેરવાઈ ગયો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતના ઊર્જાવિભાગમાં ભરતી અંગે આમ આદમી પાર્ટીની યુવા પાંખના ઉપાધ્યક્ષ યુવારજસિંહ જાડેજાએ મંગળવારે વધુ એક પત્રકારપરિષદ યોજીને તેનો ખુલાસો કર્યો હતો. રાજ્ય સરકારે આ મુદ્દે તપાસ કરવાની વાત કહી છે.

બીજી બાજુ, આ પહેલાં હેડક્લાર્ક ભરતીપરીક્ષાના પેપર લીકના મામલાએ શિયાળામાં પણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય 'શ્રીકમલમ્' ખાતે હોબાળો બોલાવ્યો હતો. ત્યાર બાદ આપ નેતાઓને જેલમાં પૂરાયા હતા અને ઇસુદાન ગઢવી પર દારૂ પીને પ્રદર્શનમાં સામેલ થવાનો મામલો નોંધાયો હતો.

તેમાન પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો અને ગુજરાત આપ નેતાના નેતા ગોપાલ ઇટાલિયા અને અનેક કાર્યકરો સહિત તેઓ પણ જેલમાં રહીને બહાર આવ્યા હતા.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભાજપ પર પેપર લીક કેસ પરથી ધ્યાન હઠાવવા માટે આ કેસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ત્યારે કેટલાક રાજકીય વિશ્લેષકો સમગ્ર ઘટનાક્રમને આપની 'અપરિપક્વ' નેતાગીરી ગણાવે છે, તો કેટલાક એને રાજકીય નેતાઓનું 'સાઇકૉલૉજિકલ એન્કાઉન્ટર' ગણાવી રહ્યા છે.


અધિકાર, એન્કાઉન્ટર અને અણસાર

https://www.youtube.com/watch?v=dl2Prowt5iE

ડિસેમ્બર મહિનાના ત્રીજાં અઠવાડિયામાં સરકારે હેડક્લાર્કની પરીક્ષા રદ કરી તે પછી ગુજરાત આપના નેતાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વડા અસિત વોરાને પદ પરથી હઠાવવાની માગ કરતું આવેદનપત્ર આપવા માટે ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રીકમલમ્' ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.

સમગ્ર ઘટનાક્રમ અંગે અભિપ્રાય આપતા રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "લોકશાહીમાં વિરોધ કરવો એ દરેક પક્ષનો અધિકાર છે. સરકારની નીતિ-રીતિ સામે આવેદનપત્ર આપવામાં આવે છે. દેખાવો અને ધરણા પણ કરે છે."

"ભૂતકાળમાં ભાજપ સત્તા પર ન હતું ત્યારે એમણે પણ દેખાવો અને ધરણા દરમિયાન તોડફોડ કર્યાના દાખલા છે."

"તો કૉંગ્રેસના દેખાવકારોએ પણ તોડફોડ કર્યાના દાખલા છે. પરંતુ ગુજરાતના ઇતિહાસમાં કદાચ આ પહેલો બનાવ છે કે ધરણા કરવા ગયેલા રાજકીય પક્ષના નેતા પર દારૂ પીવાનો અને મહિલાઓની છેડતી કરવાનો આરોપ લાગ્યો હોય."

યોગેશ ચુડગર માને છે કે છે કે, "આપના નેતા ઇસુદાન ગઢવી એટલા તો અપરિપક્વ તો નથી જ કે, દારૂ પીને દેખાવ કરવા જાય."

તેઓ કહે છે, "હું ફૉરેન્સિક લૅબોરેટરીના રિપોર્ટને ચેલેન્જ નથી કરતો પરંતુ એમના લોહીના નમૂનામાંથી જે માત્રામાં આલ્હોકોલ મળ્યો છે તે કફસિરપ પીવાના કારણે પણ આવી શકે છે. એ બધી કાનૂની આંટીઘૂંટીઓ છે. પરંતુ એક વાત નક્કી છે કે, આપ પાસે પરિપક્વ નેતાઓ નથી. એટલે જ કોઈના હાથમાં આ સમયે આવેદનપત્ર પણ ન હતું."

"પરિપક્વ રાજકીય પક્ષના કાર્યકરો આવેદનપત્ર આપવા માટે સત્તાધારી પક્ષના પ્રધાન અથવા જે તે વિભાગના સનદી અધિકારીને આવેદન આપવા જાય પણ કોઈ પક્ષના કાર્યાલય પર જઈને આવેદનપત્રના નામે ભાંગફોડ કરે તે યોગ્ય નથી."

"આ જ બતાવી આપે છે કે, આપ પાસે પરિપક્વ નેતા નથી. અને છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં આપ જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા વિધાનસભામાં પાંચ-સાત સીટ પણ લાવે તો એમના માટે તકલીફ થાય એટલે જ આ પ્રકારના કેસ થઈ રહ્યા છે."

https://www.youtube.com/watch?v=mCLmzm8DMdk

જો 14મી વિધાનસભા તેનો કાર્યકાળ પૂર્ણ કરે તો ડિસેમ્બર-2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે તથા આમ આદમી પાર્ટીના નેતાઓએ તમામ બેઠકો ઉપરથી ચૂંટણી લડવાની નેમ વ્યક્ત કરી છે.

રાજકીય વિશ્લેષક ગુણવંત ત્રિવેદીએ કહ્યું, "ગુજરાતમાં અનેક આંદોલનો થયાં છે, જેમાંથી કેટલાક લોહિયાળ પણ થયા છે, તો અમુક આંદોલનોમાં સરકારી સંપત્તિને પણ નુકસાન થયું છે."

"પછી એ રાજકીય પાર્ટી ભાજપ હોય કે કૉંગ્રેસ. બંનેએ આંદોલનો કર્યા છે. પણ ગુજરાતના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના છે કે, કોઈ આંદોલનકારી નેતા પર આ પ્રકારે કેસ થયો હોય."

"સમગ્ર ઘટનાક્રમને બીજી રીતે જોવા જઈએ તો ભાજપની સામે અવાજ કરનાર વિપક્ષના નેતાઓની સામે જો આ રીતે જાતીય સતામણી અને દારૂ પીવા જેવા ગંભીર ગુના નોંધાય, તો મારા મતે આને વિપક્ષનું 'સાઇકૉલૉજિકલ એન્કાઉન્ટર' જ કહેવાય."


શું કહે છે આપ?

આપનું માનવું છે કે ગુજરાતમાં તે રાજકીય વિકલ્પ તરીકે ઊભરી રહી છે એટલે તેને અટકાવવા તથા કચડી નાખવા માટે આ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આપના પ્રવક્તા અને પૂર્વ પોલીસ અધિકારી આર.સી. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "એ વાત સાચી છે કે, 400થી 500 લોકોનું ટોળું આવેદનપત્ર આપવા કમલમ્ પર ગયું હતું. આવેદનપત્ર આપતી વખતે ઘર્ષણ થાય તે સ્વભાવિક છે. આ ઘર્ષણ ટાળવું જોઈતું હતું. પરંતુ આપ જે તાકાતથી બહાર આવી રહ્યું છે તેને તોડી નાખવા માટે આ પ્રકારે કેસ ઊભા કરવામાં આવી રહ્યા છે."

"અમારા ભાઈ-બહેન કાર્યકર્તાઓને દેખાવો કરવાના કેસમાં દિવસો સુધી જેલમાં રાખ્યા તે યોગ્ય નથી. ભૂતકાળમાં ભાજપ સત્તા પર ન હતો, ત્યારે એમના કાર્યકરોએ પણ આંદોલનો કરીને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે."

"પણ આટલો લાંબો સમય જેલમાં રહ્યા નથી. તો બહેનોને પણ આટલા દિવસ જેલમાં રાખી કાર્યકર્તાઓનું મનોબળ ઓછું કરવાનો પ્રયાસ છે, કારણ કે આ પ્રકારે લાંબા સમય સુધી જેલમાં રહેવાનો વારો આવે તો બીજા આંદોલનોમાં મહિલા કાર્યકર્તાઓની સંખ્યા ઓછી થાય."

"જે પ્રકારે છેડતી અને દારૂના કેસો કરવામાં આવ્યા છે તેનાથી પાર્ટીના નેતાઓની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

https://www.youtube.com/watch?v=rTbnlG5EH8o

આર.સી. પટેલ કહે છે કે, "દારૂ પીને ધરણાપ્રદર્શન કરવા કોઈ મૂર્ખ માણસ જાય. અમારી પાસે વીડિયો છે જેમાં ભાજપના જે બહેને આક્ષેપ લગાવ્યો છે તે બહેન ઇસુદાન ગઢવીથી એટલાં દૂર છે કે, તેઓ એમની છેડતી તો કરી જ ના શકે. તો પછી એમનું મોઢું સૂંઘીને દારૂ પીધો છે એવું કેવી રીતે નક્કી કરી શકે?"

આપે દાવો કર્યો છે કે ભાજપ આવા કેસ કરીને તેને આડકતરી રીતે વધુ મજબૂત બનાવે છે. એટલું જ નહીં ભાજપે આ રીતે કેસ કર્યા એટલે તેમને વધુ લોકસમર્થન મળી રહ્યું છે.

આ મુદ્દે આપને અનપેક્ષિત વર્ગનું પણ સમર્થન મળ્યું છે. સાથી વિપક્ષ કૉંગ્રેસે આપ ઉપરના આરોપને મનોવૈજ્ઞાનિક યુદ્ધ સાથે સરખાવ્યા છે.


કૉંગ્રેસનો આપ તથા ભાજપ પર આક્ષેપ

https://www.youtube.com/watch?v=ZgPq4UgxPpw

તો કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે કહ્યું, "આ રીતે આંદોલનકારીઓની સામે દારૂ પીવાના કેસ કરવા એ ગળે ઉતરે એવી વાત નથી. આ સાઇકૉલૉજિકલ વૉર લડી રહ્યા છે. જેથી બીજા નેતા અને પક્ષો ભાજપ સામે અવાજ ન ઉઠાવી શકે."

હિમાંશુ પટેલનો આરોપ છે કે આપ એ ભાજપની 'બી ટીમ' છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કૉંગ્રેસની લોકપ્રિયતા વધી રહી છે, ત્યારે આપના નેતાઓ પર આ પ્રકારના કેસ કરીને આડકતરી રીતે કૉંગ્રેસને ઇશારો આપવામાં આવી રહ્યો છે કે, જો તેઓ ભવિષ્યમાં આવા જનઆંદોલનો કરશે, તો એમને પણ આ રીતે ફસાવી દેવામાં આવશે.

પટેલના મતે, "ભાજપ પણ જાણે છે કે આપ ગુજરાતમાં વધારે સીટ લઈ જવાની નથી, પણ આવા કેસ કરી એમની લોકપ્રિયતા વધારી ભાજપથી નારાજ જેટલા મતદારો છે, તેને આપમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેનાથી આગામી ચૂંટણીમાં ફાયદો થાય."

"તમે જોયું જ હશે કે, ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જે રીતે વોટ તોડી ગઈ તેના કારણે કૉંગ્રેસના હાથમાંથી સત્તા ગઈ અને ભાજપ સત્તા પર આવ્યો. જો કૉંગ્રેસ અને આપના વોટનો સરવાળો કરવામાં આવે તો ભાજપના મત ઓછા છે."

"આ જ બતાવી આપે છે કે ભાજપ આવનારા દિવસોમાં પોતાની રણનીતિમાં સફળ થવા માટે આવી રીતે વિપક્ષનાં દળોનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરશે."

https://www.youtube.com/watch?v=L2eML22D98I

કૉંગ્રેસ માને છે કે બેપક્ષીય ચૂંટણીમાં ત્રીજા પક્ષને ઊભો રાખીને ભાજપ દ્વારા કૉંગ્રેસના મત કાપવા માટે પ્રયાસ કરવામાં આવે છે.

કૉંગ્રેસના નેતા હેમાંગ રાવલ કહે છે, "2017ની ચૂંટણીમાં ભાજપથી નારાજ સંખ્યાબંધ લોકોએ NOTAને (નન ઑફ ધ અબવ - ઉપરમાંથી કોઈ નહીં) વૉટ આપ્યા હતા. તે સમયે બી ટીમ તરીકે જન વિકલ્પ પાર્ટી (શંકરસિંહ વાઘેલાની પાર્ટી) હતી."

"2012ની ચૂંટણીમાં ભાજપની 'બી ટીમ' જીપીપી (કેશુભાઈ પટેલનો પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી) હતી."

"એ લોકોએ તોડેલા વોટના કારણે ભાજપ સત્તા પર આવી હતી. આપ કાંઈ ખાસ કાઠું કાઢી શકે એવી સ્થિતિમાં નથી, ત્યારે હવે એમનો ચહેરો ઉઘાડો પડી ગયો છે."

"'બી ટીમ' તરીકે આપને મજબૂત કરવા માટે આવા કેસ કરીને વિપક્ષનું મનોબળ તોડવાને પ્રયાસ તો કરી જ રહ્યા છે. જેથી કૉંગ્રેસના વોટ પોતાના તરફ વાળીને મતોનું વિભાજન કરીને 2022માં એમના હાથમાંથી સરકતી જઈ રહેલી સત્તાને ટકાવી રાખવા માટે ભરસક પ્રયાસ કરી રહ્યા છે."


આપ, એફએસએલ અને આરોપ

https://www.youtube.com/watch?v=ykuk8fzRUZY

વિપક્ષના 'સાઇકૉલૉજિકલ ઍન્કાઉન્ટર' સહિતના તમામ આરોપોને નકારી કાઢતા ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ભાજપ સામેના તમામ આરોપો પાયાવિહોણા છે. ભાજપ સતત સત્તા પર ચૂંટાતો આવ્યો છે. ભાજપ લોકોના દિલમાં વસેલો છે."

"આપ જેવી પાર્ટીએ સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આવેદનપત્ર આપવાના બહાને ભાજપના પ્રદેશ કાર્યાલય પર તોડફોડ કરી છે અને અરાજકતાનું વાતાવરણ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે."

દવે કહે છે, "ભાજપના આટલા લાંબા કાર્યકાળ દરમિયાન કોઈપણ આંદોલનમાં કિન્નાખોરી રાખીને વિપક્ષ સામે કોઈ કાર્યવાહી થઈ નથી."

"આ સંજોગોમાં આમ આદમી પાર્ટી આવી હરકતો કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કરે એ ગુજરાતની શાલીનતા માટે પણ લાંછનરૂપ છે."

યજ્ઞેશ દવે કહે છે, "દારૂ પીવાનો જે પ્રાથમિક ટેસ્ટ હોય તે બ્રૅથ ઍનલાઇઝરથી થતો હોય છે પણ એનો સાચો રિપોર્ટ એફએસએલ (ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી) પર આધાર રાખે છે."

પોતાની દલીલના સમર્થનમાં દવે નિઠારીકાંડ, આરુષિકાંડ તથા મહારાષ્ટ્રના બૉમ્બ બ્લાસ્ટ કેસની ગુજરાત એફએસએલ દ્વારા તપાસના ઉદાહરણ ટાંકે છે તથા તેની ઉપર શંકાને 'ગુજરાતનું અપમાન' ગણાવે છે.

દવે કહે છે, "કૉંગ્રેસ અને આપ બંને પક્ષો ભાજપની લોકપ્રિયતાથી એટલી હદે ડરી ગયાં છે કે એ લોકો આવા આક્ષેપ કરી લોકોની સહાનુભૂતિ મેળવવા માગે છે."

"ભાજપ કોઈપણ રાજકીય પક્ષોનું મનોબળ તોડવા માગતો નથી. એ એની સંગઠન શક્તિથી જ જીતવા માગે છે."

તેઓ ઉમેરે છે કે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

https://www.youtube.com/watch?v=if9xsnWZtPk

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Isudan Gadhvi: Why did the issue of paper leak turn into a matter of whether Isudan Gadhvi drank alcohol or not?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X