• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખેલ મહાકુંભ: રમશે ગુજરાત, જીતશે ગુજરાત!

|
khel-mahakumbh
આજથી એટલે કે 18 જાન્યુઆરીથી ગુજરાતની મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ ખેલ મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. જેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ તકે મુખ્યમંત્રી દ્વારા એક સંદેશાત્મક પત્ર લખવામાં આવ્યો છે, જે શબ્દશઃ અહીં રજૂ કરવામાં આવ્યો છે.

પ્રિય મિત્રો,

૨૦૧૨ ની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ બાદ અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૩ની વ્યાપક તૈયારીઓ વચ્ચે ગાંધીનગરમાં એક અત્યંત અગત્યનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મેં હાજરી આપી. આ અવસર હતો ખેલ મહાકુંભ ૨૦૧૨-૨૦૧૩ની ટોર્ચ રેલીનો પ્રારંભ કરાવવાનો. સામાન્ય રીતે આ વિરાટ વાર્ષિક ખેલમહોત્સવનું આયોજન આપણે નવેમ્બર મહિનામાં કરતાં હોઈએ છીએ, પણ આ વખતે આચારસંહિતાને લીધે ૨૦૧૨માં તેનું આયોજન શક્ય ન બન્યું. એટલે ખેલ મહાકુંભ હવે ૧૮ જાન્યુઆરીથી શરૂ થશે.

આ વખતનાં ખેલ મહાકુંભમાં તમામ વયજૂથનાં રમતવીરો વિક્રમી સંખ્યામાં ભાગ લે એવી આશા છે. અત્યાર સુધીમાં એક લાખ જેટલા વિકલાંગ રમતવીરો સહિત ૨૪ લાખ રમતવીરો વીસ જુદી-જુદી સ્પર્ધામાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. આ સંખ્યા ૨૦૧૧નાં ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ૧૮ લાખ રમતવીરો કરતા ઘણી વધુ છે. છેલ્લા ૧૮ દિવસથી ટોર્ચ રેલી રાજ્યભરમાં ઘૂમીને ખેલ મહાકુંભની લોકચાહનામાં વધારો કરી રહી છે. સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મજ્યંતિ નિમિત્તે ગુજરાત સરકારે ગત વર્ષે વિવેકાનંદ યુવા કેન્દ્રો શરૂ કર્યા છે, જે ખેલ મહાકુંભને પ્રબળ વેગ આપશે.

ખેલ મહાકુંભ કોઈ એવો મેળાવડો નથી કે ખેલાડીઓ આવ્યા, રમ્યા, ને' પછી ચાલ્યા ગયા; આ કોઈ સરકારી ચોપડે નોંધવાનાં ઉદ્દેશ્યથી એકાદવાર આયોજિત કરી દીધેલો કાર્યક્રમ નથી; આ તો ગુજરાતમાં રમત-ગમતની સંસ્કૃતિ ઉભી કરવા, લોકોમાં ખેલકુદ પ્રત્યે રસ-રુચિ વધારવા અને ખેલદિલીની ભાવના વિકસાવવા માટેનાં રાજ્ય સરકારે કરેલા નિર્ધારનું પરિણામ છે. મેં જોયું છે કે બાળકોમાં ભણતરનો, ચોપડીઓનો, ક્લાસીસ વગેરેનો ભાર એટલો છે કે સાંજનાં સમયે ખેલનાં મેદાનો ખાલી નજરે પડે છે. અમારા સમયમાં અમે શાળા-કોલેજમાં કોઈ રસપ્રદ લેક્ચરની જેટલી રાહ જોતા એટલી જ આતુરતા અમને સાંજ પડે રમવા જવાની રહેતી. તો, આ આપણા માટે ચિંતાનો વિષય છે. હવે લોકોને ઘરમાં જ વિડીયો ગેમ, કોમ્પ્યુટર ગેમ, ટીવી જેવા મનોરંજનનાં માધ્યમો મળી જાય છે, અને એટલે ખેલનાં મેદાન ખૂંદવા કરતાં ઘરે બેસીને આનંદ લેવાનું ચલણ વધ્યું છે. આવી જ એક પરિસ્થિતિ અંગે વાંચ્યું હતું એ મને યાદ આવે છે. ચીનમાં માલુમ પડ્યું કે બાળકો શાળાથી ઘરે આવીને રમવા જવાને બદલે કારટુન જોવા બેસી જાય છે. આથી ચીનનાં સત્તાધિકારીઓએ નિર્ણય કર્યો કે અમુક ચોક્કસ સમય દરમ્યાન કારટુન પ્રસારિત જ ન કરવા, કે જેથી બાળકો રમવા માટે બહાર નીકળે.

આપણે ખેલકુદને જીવનનો એક અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. ખેલ વિના ખેલદિલીની ભાવના પણ કેળવાઈ ન શકે એ એક હકીકત છે. સાચુ જ કહેવાય છે, "જો ખેલે, વો ખીલે". આપણે મોટા ખેલાડી બની જઈએ એ જરૂરી નથી, પણ એકાદ રમતનો શોખ કેળવીએ તો તેનાથી આપણા વ્યક્તિગત વિકાસમાં પણ અદભુત ફાયદો થશે.

ખેલકુદ સાથે સંકળાયેલ તમામ પાસાઓને પ્રોત્સાહન આપવા કોઈ કસર બાકી ન રાખવાનો અમારો નિર્ધાર છે. અમારો પ્રયાસ માત્ર પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કરવા પૂરતો મર્યાદિત નથી. ખેલની સાથે-સાથે બીજી પણ ઘણી બાબતો જોડાયેલી હોય છે, જેમાં પ્રતિભાની જરૂર રહે છે. જેમકે, એમ્પાયરિંગનું કૌશલ્ય, રેફરીઈંગનું કૌશલ્ય... ખેલનાં મેદાનની બહાર રહીને પણ મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે શું આપણે યુવાનોને તૈયાર ન કરી શકીએ? સ્પોર્ટ્સ મેડિસિન, સ્પોર્ટ્સ જર્નાલિઝમ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ વિકાસની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે.

આપણી ખેલ નીતિમાં આ તમામ પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આપણે સ્પોર્ટ્સ એકેડેમી ઉપરાંત દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કુલનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધર્યું છે. ગુજરાતે હવે રમતગમત ક્ષેત્રે નવી ઉંચાઈએ પહોંચવાનું છે, ખેલકુદમાં ઝળહળતી ખ્યાતિ મેળવવાની છે, રમતનાં મેદાનો પર આપણા યુવાનોને ઝળકી ઉઠે એવી તકોનું નિર્માણ કરવાનું છે. ખેલ મહાકુંભ ઉપરાંત, હું આપને ૨૫ જાન્યુઆરી ૨૦૧૩ નાં રોજ યોજનારી ‘કચ્છ ડિઝર્ટ કાર રેલી ૨૦૧૩' માં ભાગ લેવાનું પણ આમંત્રણ આપુ છું. ‘ડિઝર્ટ કાર રેલી' એ કચ્છમાં એડ્વેંચર સ્પોર્ટ્સને અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો અનોખો પ્રયાસ છે. અને, ખરેખર, આ ડિઝર્ટ કાર રેલી હવે ઘણી લોકપ્રિય બની રહી છે. વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૩ માં ગુજરાતે હજી હમણાં જ વિકાસનો મહાકુંભ જોયો.

હાલમાં પ્રયાગ ખાતે પણ આધ્યાત્મિક કુંભમેળાનું આયોજન થયેલું છે. અને આજે હું આપ સૌને ખેલ અને ખેલદિલીનાં આ મહાકુંભમાં ભાગ લેવા આમંત્રણ આપુ છું. જે લોકોએ રમતમાં ભાગ લીધો ન હોય તેમણે સ્થળો પર પહોંચીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ અને તેમના જુસ્સામાં સહભાગી બનવું જોઈએ. રમતમાં એકમાત્ર હાર-જીતનું જ મહત્વ છે એવું નથી, ખેલદિલીનું તંદુરસ્ત વાતાવરણ ઉભુ થાય એ વધુ અગત્યનું છે. ખેલ મહાકુંભમાં ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત' નાં મંત્ર થકી આપણે ગુજરાતમાં આવું જ વાતાવરણ ઉભું કરવા માંગીએ છીએ. તો, આવો અને ખેલકુદનાં આ મહાકુંભમાં જોડાવો!

જય જય ગરવી ગુજરાત, આપનો,

નરેન્દ્ર મોદી

English summary
The occasion was the flagging off of the Torch Rally for Khel Mahakumbh 2012-2013.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more