કોળી સમાજની રાષ્ટ્રીય કક્ષાની બેઠક,નેતાઓને અન્યાય થતો હોવાનો આરોપ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજમાં અસંતોષની લાગણી ફેલાઇ રહી હોય એમ લાગી રહ્યું છે. અમદાવાદમાં બુધવારે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળે એવા સમાચાર છે. આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ, બંને મુખ્ય પક્ષોમાં રાજકીય પ્રતિનિધિત્વ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમનો આરોપ છે કે, કોંગ્રેસે કુંવરજી બાવળિયા અને ભાજપે પરસોત્તમ સોલંકીને અન્યાય કર્યો છે. રાજકારણમાં માત્ર વોટ બેંક માટે કોળી સમાજનો ઉપયોગ થતો હોવાનો પણ આક્ષેપ છે. સરકાર તથા વિપક્ષમાં કોળી સમાજ અને તેના નેતાઓને યોગ્ય સ્થાન મળે એવી તેમની માંગણી છે. સર્કિટહાઉસમાં 15 રાજ્યોના આગેવાનોની રાષ્ટ્રીય કક્ષાની બેઠક કુંવરજી બાવળિયાની અધ્યક્ષતા હેઠળ મળે એવી શક્યતા છે.

gujarat

ખાતા ફાળવણી મામલે નારાજ પરસોત્તમ સોલંકી

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારમાં ખાતા ફાળવણી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બળવો પોકાર્યા બાદ પરસોત્તમ સોલંકીએ પણ પોતાને મળેલ ખાતાઓ સામે અસંતોષ વ્યક્ત કરતાં તેમને વધુ યોગ્ય ખાતાઓ મળે, એવી માંગણી વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોળી સમાજ પણ નારાજ છે, તેમની પણ કેટલીક અપેક્ષાઓ છે અને હું એમનું કલ્યાણ કરી શકું એવા ખાતા મને આપવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાટીદાર નેતાને જો પોતાનું ઇચ્છિત ખાતું મળી શકે તો અમને પણ મળી શકે.

વિપક્ષના નેતા મામલે નારાજ કુંવરજી બાવળિયા

એ જ રીતે ગુજરાત કોંગ્રેસમાં વિપક્ષના નેતા મામલે કોયડો ગુંચવાયેલો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયાની ચૂંટણીમાં હાર બાદ પરેશ ધાનાણીનું નામ વિપક્ષના નેતા તરીકે સૌથી આગળ હતું. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળિયાએ આ સામે વિરોધનો સુર છેડ્યો હતો, તેમનું કહેવું હતું કે સિનિયોરિટીને ધ્યાનમાં રાખતા તેમને વિપક્ષના નેતા તરીકેનું સ્થાન મળવું જોઇએ. વિપક્ષના નેતા અંગે આખરી નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હાથમાં હતો અને આખરે તેમણે પણ પરેશ ધાનાણી પર પસંદગી ઉતારી હતી. પાટીદાર વિસ્તારોમાં વર્ચસ્વ ધરાવતા પરેશ ધાનાણીને વિધાનસભાનો પણ અનુભવ હોવાથી તેમની પર પસંદગી ઉતારવામાં આવી હતી.

રાજકીય પક્ષો

આમ, રાજ્ય સરકાર અને વિપક્ષ, બંને સ્થાને પાટીદાર ચહેરાને મહત્વ મળતાં કોળી સમાજના નેતાઓએ આખરે ખુલીને નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015થી પાટીદાર અનામત આંદોલનના પરિણામે પાટીદાર સમાજ અને તેમને લગતી સમસ્યાઓ સતત ચર્ચામાં રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પાટીદાર સમાજને પોતાની તરફ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલાં પણ પાટીદાર અનામતનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે, જેને પરિણામે આ સમાજનું પ્રતિનિધિત્વ કરતાં નેતાઓનું કદ પણ બંને રાજકીય પક્ષોમાં વધ્યું છે.

English summary
Koli community to hold a national level meeting in Ahmedabd on Wednesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.