
ઉત્તર ગુજરાતના મહેસાણા વિધાનસભા બેઠકના રાજકીય સમિકરણ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે, ઉત્તર ગુજરાતના ધબકતાં શહેર મહેસાણાની મહેસાણા બેઠક રાજકીય રીતે ઘણી મહત્વની બેઠક માનવામાં આવે છે. પાટીદાર સમાજના મતદારોના વર્ચસ્વની આ બેઠકનું રાજકીય ગણીત ઘણું અલગ જોવા મળે છે.
મહેસાણા જિલ્લામાં કૂલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં મહેસાણા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપના કદ્દાવર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી ચૂંટાયા છે. મહેસાણા વિધાનસભા બેઠકમાં કૂલ 2.80 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં, 1.45 લાખ પુરૂષ મતદારો આવેલા છે. જ્યારે, 1.35 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. મહેસાણા બેઠકમાં કૂલ 275 મતદાન કેન્દ્રો આવેલા છે.
મહેસાણા જિલ્લાની આ મહત્વપુર્ણ બેઠક પર ભાજપ 1985થી સતત જીતતું આવ્યુ છે. આ બેઠકના જાતિગત રાજકારણની વાત કરવામાં આવે તો, પાટીદાર મતદારો મોટી સંખ્યામાં છે. પાટીદાર મતદારો કૂલ મતદારોના 25 ટકાથી વધુ સંખ્યામાં છે. આ ઉપરાંત ઠાકોર મતદારો પણ નિર્ણાયક છે. 15 જેટલા ઠાકોર મતદારો મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત અન્ય મતદારોમાં ચૌધરી, ક્ષત્રિય, દલિત અને મુસ્લિમ મતદારોનો સમાવેશ થાય છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી નીતિન પટેલની બાદબાકી કરીને તેમના સ્થાને મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે, કોંગ્રેસમાંથી પી.કે.પટેલને ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ ભગત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે, 2022ની વિધાનસભાના જંગમાં કોણ બાહુબલી બને છે જોવું રહેશે.