ગુજરાતમાં દુધ ખરીદીમાં 14 ટકાનો વધારો નોધાયો
સતત કૃષિ પ્રવૃત્તિ અને ડેરી ખેડૂતો માટે દૂધના સ્થિર ભાવોને કારણે કોરોના મહામારી દરમિયાન દૂધની ખરીદીમાં 14 ટકા વધારો થયો હતો. ડેરી ક્ષેત્રના સ્રોતોના કામચલાઉ ડેટા દર્શાવે છે કે, અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં દૂધની ખરીદી 2019-20માં 215.65 લાખ કિલો પ્રતિ દિવસ (LkgPD)થી વધીને 2020-21માં 245.8 (LkgPD) થઈ છે. કૃષિ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે, ગુજરાતમાં ભારતના રાજ્યોમાં સૌથી વધુ દૂધની ખરીદી છે. એપ્રિલ 2021માં ગુજરાતમાં દૂધની ખરીદી 228.6 LkgPD હતી.
ગુજરાતના જિલ્લા દૂધ સંઘોની સર્વોચ્ચ સંસ્થા ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું, કોરોના મહામારી દરમિયાન જ્યારે ખાનગી ડેરીઓએ ખેડૂતો પાસેથી દૂધ લેવાનું બંધ કરી દીધું હતું, ત્યારે સહકારી દૂધ સંઘોએ ડેરી ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં ઘટાડો કર્યા વગર દૂધ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. GCMMFના અધિકારીઓના જણાવ્યા મુજબ ખેડૂતોને ડેરીઓ દ્વારા પ્રાપ્તિ કિંમત તરીકે 680થી 710 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવે છે.
GCMMFના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે પણ દૂધની ખરીદી ચાલુ રહી હતી. ખેડૂતોએ સહકારી ક્ષેત્રમાં વિશ્વાસ રાખ્યો છે, જેના કારણે દૂધની ખરીદી સતત વધી રહી છે. સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર કોરોના રોગચાળાના વર્ષમાં સમગ્ર દેશમાં સરેરાશ દૂધ પ્રાપ્તિનો ભાવ સ્થિર રહ્યો હતો.

કોરોના મહામારીમાં વર્ષ દરમિયાન ગુજરાતમાં દૂધની ખરીદી સતત વધતી રહી છે. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા અમુલે કોરોના મહામારીના સમયમાં દરરોજ 40 લાખ લિટર દૂધ (LLPD) વધારાનું સંચાલન કર્યું હતું. અમુલના મેનેજીંગ ડાયરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દૂધ સંઘો હાલમાં 193 LLPDની આસપાસ ખરીદી કરે છે. કારણ કે, જુલાઈ પરંપરાગત રીતે સૌથી ઓછા દૂધ પ્રાપ્તિનો મહિનો છે. દૂધ સંઘો દ્વારા પ્રાપ્તિ 280 LLPDનો લક્ષ્યાંક છે. અમે કોરોના સંક્રમણ પ્રેરિત લોકડાઉન દરમિયાન દેશમાં પ્રવાહી દૂધની અવિરત પુરવઠો સુનિશ્ચિત કર્યો હતો. વધારાનું દૂધ કોમોડિટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.