નરેન્દ્ર મોદીએ પૂર્વમંત્રીને અર્પી શ્રદ્ધાંજલિ
ગાંધીનગર, 23 જાન્યુઆરી: મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી અને વિધાનસભાના પૂર્વ સભ્ય દલસુખભાઇ ગોધાણીના અવસાન અંગે ઊંડા દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ શોકસંદેશમાં સ્વ. દલસુખભાઇને શ્રધ્ધાંજલી આપતાં જણાવ્યું હતું કે ગ્રામવિકાસ, શિક્ષણ, પંચાયત, કૃષિ અને સહકારી પ્રવૃતિઓમાં સ્વ. દલસુખભાઇ ગોધાણીનું યોગદાન મહત્વનું રહ્યું હતું.
જાહેરજીવનમાં તેમણે લોકસેવાઓ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃતિમાં રસ દાખવ્યો હતો. તેમના અવસાનથી એક નિષ્ઠાવાન લોકસેવકની ખોટ પડી છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત મોદીએ દેશને આઝાદી સમયે "તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા"નું સૂત્ર આપી યુવાનોમાં એક નવી શક્તિનો સંચાર કરનારા દેશના મહત્વના રાષ્ટ્રવાદી નેતા સુભાષચંદ્ર બોઝની આજે 116મી જન્મજયંતિ નિમિત્તે તેમને યાદ કર્યા હતા. 23 જાન્યુઆરી, 1897ના રોજ બંગાળના બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ મતભેદોને કારણે 1939માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી અલગ પડ્યા હતા. બ્રિટિશ સરકારે તેમને ઘરમાં નજરકેદ કર્યા હતા.
જો કે વર્ષ 1941માં તેઓ તેમાંથી નાસીછૂટ્યા હતા. તેમણે આઝાદીની લડત માટે યુવાનોની ફોજ તૈયાર કરી હતી. તેમની જન્મ જયંતિ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વિચારોના મહત્વની વાત કરી તેમને સ્મરણાંજલિ આપી હતી.













Click it and Unblock the Notifications
