For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પોતાની આગવી બ્રાન્ડ બનાવી વિશ્વમાં ડંકો વગાડે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

modi-in-surat
સુરત, 4 જાન્યુઆરી : નરેન્દ્ર મોદીની સ્પીચ

ચૂંટણીના ભવ્ય વિજય પછી પ્રથમવાર સુરતની ધરતી પર આવ્યો છું. આ વિજયમાં સુરતનું અભૂતપૂર્વ યોગદાન છે. દક્ષિણ ગુજરાતનું સવિશેષ યોગદાન છે. આખા રાજ્યમાં વિકાસનો વાવટો ફરકતો રાખવાનું પ્રતિબિંબ અહીં દેખાય છે. સુરતવાસીઓનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. વિજય અપાવવામાં યોગદાન આપનારા સૌ અભિનંદનને પાત્ર છે. સામા પ્રવાહે આગળ વધવાનું હોય ત્યારે વિજય વધારે ઝળહળતો બને છે. આમાં જે નકારાત્મક પરિબળોનો આવરોધ રહ્યો છે તેમનો પણ આભાર માનું છું.

ગુજરાતે વ્યાપાર જગતમાં ખૂબ મોટી હરણફાળ ભરવાની મથામણ પાછલા દાયકામાં કરી છે. હવે તેના ફળ ચાખવાનો સમય આવ્યો છે. ગુજરાત સરકારની ટીકા કરનારા મિત્રો ચૂંટણી પછી પણ પોરો ખાવાને બદલે ચલાવે રાખે છે. જે સાંભળવા મળે છે ત્યારે આશ્ચર્ય થાય છે.

ભારત સરકારના પ્રતિનિધિ મિસ્ટર કુમારે હમણા જ જણાવ્યું કે સમગ્ર દેશનો લઘુ ઉદ્યોગની વૃદ્ધિ 19-20 ટકા હોય અને ગુજરાતમાં તે 85 ટકા હોય ત્યારે સમજાય કે આપણી એકધારી મહેનતનું તે પરિણામ છે. સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, સોશિયલ સિક્યુરિટી, ગુજરાત બ્રાન્ડ જેવા પરિબળો મળે ત્યારે આવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

ગુજરાત વિરોધીઓએ અફવા ફેલાવી હતી કે બે-પાંચ ઉદ્યોગોનું ભલું થઇ રહ્યું છે પણ ભારત સરકારના પ્રતિનિધિ જ કહે છે કે લઘુ ઉદ્યોગનું પણ ભલું થઇ રહ્યું છે. દુનિયા આખી મંદીના મોજામાં વીંટળાયેલી હતી, અહીં હીરા ઉદ્યોગની સ્થિતિ સૌ જાણે છે. એવા સમયે 2009નો વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા સૂચન કર્યું હતું. ત્યારે મેં મારા મિત્રોને કહ્યું હતું કે સાનુકૂળ પવનમાં તો બધા કરે. વિપરિત પવનમાં કરી બતાવ્યું ત્યારે વિશ્વએ ધ્યાન લીધું હતું. તેનું પરિણામ આપણને મળ્યું છે. જો એ વખતે એ ચાલવા દીધું હોત તો આપણે 25 વર્ષે ઉભા થઇ શક્યા ન હોત.

ચીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ફોકસ કર્યું ત્યારે તે વિકાસમાં આગળ વધ્યું. આપણે પણ તેમ જ કર્યું છે. આથી આપોઆપ તેમાં વેલ્યુ એડિશન થઇ છે. ગુજરાતમાં માત્ર જોબ વર્ક કરે પાલવશે નહીં, હું ડાયમંડ ક્ષેત્રના મિત્રોને અપીલ કરું છું કે નવી ટેકનોલોજીને અનુરૂપ આગળ વધે. સમગ્ર વિશ્વમાં જ્વેલરીનું સહજ આકર્ષણ છે. સદીઓથી પરંપરા છે. આટલા મોટા બજારનો લાભ લેવો હોય તો એગ્રેસિવ શા માટે ના થઇએ. ભારતનો 2700 કરોડ રૂપિયાનો જ્વેલરી ક્ષેત્રે વેપાર થયો છે. રૂપિયા 5500 કરોડના માર્કેટની સંભાવના છે. તો આપણે તેને બળ કેમ ના આપી શકીએ. થાઇલેન્ડ અને દુબઇ જ્વેલરી ક્ષેત્રે અગ્રણી છે. ત્યાં જઇને જુવો તો ગુજરાત, સૌરાષ્ટ્રના લોકો જ ત્યાં ધંધો ચલાવે છે. ભાવનગરના લોકો ખાસ આ બિઝનેસમાં છે. આનો અર્થ એ છે કે આપણી શક્તિઓ વેરણ છેરણ છે. તેને એક દિશામાં જોડીને આપણો પ્રભાવ ઉભો કરી શકીએ.

વિશ્વમાં મશીન અને હાથથી તૈયાર થયેલી જ્વેલરીના માર્કેટ અલગ છે. આપણી પાસે બંને સંભાવના છે. આપણે બંનેનો ઉપયોગ કરીને તેની સંભાવનાઓ ચકાસવી જોઇએ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં 125 દેશોના લોકોને ભેગા કરીએ છીએ. નાની વાત નથી. મારે સ્પાર્કલને પણ તે સ્તરે પહોંચાડવું છે. આજે જ નક્કી કરીએ કે નેક્સ્ટ સ્પાર્કલનું લેવલ કેટલું છે. મારા સ્વભાવમાં સારું થઇ ગયું એવું કંઇ છે જ નહીં. મને એમ થાય છે કે હજી વધારે કામ કરીએ. એ દિશામાં હું આગળ વધવા માંગુ છું.

આપણે બધાએ બે બાબતોમાં સાથે કામ કરવાની જરૂર છે. એક મેન્યુફેક્ચરિંગમાં ઝીરો ડિફેક્ટને મંત્ર બનાવવાની જરૂર છે. આપણે ત્યાં ઉત્પાદિત થતી કોઇ પણ ચીજને રિજેક્ટ થવાનો ચાન્સ ના મળે. વિશ્વમાં આબરૂ બનાવવા માટે ઉત્પાદિત થયેલી ચીજોના બજાર માટે આ પહેલી શરત છે. તેમાં આગ્રણી બનીએ. બીજી બાબત છે પેકેજિંગ. પેકેજિંગને ઓછું આંકવાની જરાય જરૂર નથી. તમારા ઉત્પાદનને પધ્ધતિસર રજૂ કરો તો જ તમારી આબરૂ વધે. આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા લોકોએ વર્ષમાં બે-ત્રણ વાર પેકેજિંગ અંગે સેમિનાર કરી દુનિયાભરના ટ્રેન્ડને જાણીને અનુસરવું જોઇએ.

નહેરૂના સમયમાં આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે હાથી કમિશનના રિપોર્ટમાં પહેલા પાનામાં જ લખ્યું છે કે આયુર્વેદને પડીકી ફાકીમાંથી બહાર કાઠીને સારું પેકેજિંગ કરી રજૂ કરવું પડશે. રેડિમેડ અર્ક મળે એ જરૂરી છે. ચીને તેનો ઉપયોગ કર્યો. ચીને આપણા કરતા ઘણા વહેલા જાગીને નેચરલ મેડિસીનને સારી રીતે પેકેજ કરીને વિશ્વનું મોટું માર્કેટ કબજે કર્યું છે. હવે ઘણું આપણે ત્યાં પણ શરૂ થયું છે.

ત્રીજી વસ્તુ છે બ્રાન્ડ. જ્યાં સુધી બ્રાન્ડ ના હોય ત્યાં સુધી ભરોસો ઉભો કરી શકાતો નથી. તે વગર દુનિયા અને વેપારનો કબજો કરી શકાતો નથી. તમે જોયું હશે કે કાયમ મેડ ઇન જાપાન, મેડ ઇન સ્વીસ જોઇને ખરીદી થતી હોય છે. કંપનીનું નામ જોવાતું નથી. જ્વેલરીના ક્ષેત્રમાં મેડ ઇન ગુજરાત કે મેડ ઇન ઇન્ડિયા ઉભું કરવાની જરૂર છે. આ પ્રકારના પ્રદર્શનો બ્રાન્ડ ઉભી કરવા માટે આવશ્યક હોય છે. ખેતરમાંથી આવેલો કપાસ કોઇ બ્રાન્ડ સાથે નથી લાવતો. ચીનમાં એ કપાસ જાય અને ગુજરાત કપાસ કહો એટલે ચપોચપ વેચાઇ જાય છે.

મારે કહેવું છે કે મારે સુરત પુરતું મર્યાદિત નથી રહેવું. મારે વિશ્વ સુધી પહોંચવું છે. આ માટે ઝીરો ડિફેક્ટ, પેકેજિંગ અને બ્રાન્ડ જરૂરી છે. આપણે આ પધ્ધતિથી ડંકો વગાડ્યો છે. આને આપણે હજી વધારે આગળ લઇ જવું છે. એવા પ્રયત્નો કરીએ. આપે મારું વિશેષ સ્વાગત-સન્માન કર્યું તે માત્ર મોદીનું ના હોઇ શકે તે આખેઆખા ગુજરાત અને છ કરોડ નાગરિકોનું છે. જય જય ગરવી ગુજરાત.

અપડેટ : 12.07 PM

ગુજરાત સરકારે થાઇલેન્ડની એક શૈક્ષણિક સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યા છે. જેથી અહીંના યુવાનો હીરા અંગે ત્યાં પ્રશિક્ષણ મેળવી શકશે. ત્યાંથી નિષ્ણાતો ગુજરાત આવીને જ્ઞાન આપશે. ગુજરાત સરકાર ઇન્કયુબેશન સેન્ટર શરૂ કરશે. આ માટે પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે આગળ આવવા માટે પણ ગુજરાત સરકારે સૌને આગળ આવવા માટે આહવાન કર્યું છે.

અપડેટ : 11.50 AM

LIVE : મોદીએ 'સ્પાર્કલ ઇન્ટરનેશનલ 2013'નું ઉદધાટન કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવાર 4 જાન્યુઆરી, 2012ના રોજ સુરત ખાતે 'સ્પાર્કલ ઇન્ટરનેશનલ 2013'નું ઉદધાટન કર્યું હતું. વાઇબ્ર્ન્ટ ગુજરાત સમિટ 2013ના ભાગરૂપે સુરતમાં 'સ્પાર્કલ ઇન્ટરનેશનલ 2013'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થાઇલેન્ડના રાજદૂત ટોમ વિટ જાર્કન પણ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત નવા વરાયેલા રાજ્યમંત્રી વાનુભાઇ વાનાણી, નવસારીના સાંસદ સી આર પાટિલ, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, ગુજરાત સરકારના અધિકારીઓ, સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને અન્ય બિઝનેસ પર્સને મોટી સંખ્યમાં હાજરી આપી છે.

સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોવા અહીં ક્લિક કરો.

English summary
Narendra Modi inaugurated 'Sparkle International 2013′ in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X