નવેમ્બર 3, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
રાજકોટઃ સરાજાહેર કાઠી યુવાન પર ગોળીબાર
રાજકોટના કાલાવાડ રોડ પર રવિવારે કાઠી યુવક પર તેના સગા માસીના દીકરાએ સરાજાહેર ગોળીબાર કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી. ગંભીર રીતે ઘાયલ શક્તિસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આરોપી યુવક અને માસીના દીકરા તેજસ ખાચરે પહેલા શક્તિસિંહ જયરાજસિંહ ખુમાણ સાથે મુલાકાત કરી હતી. બન્નેએ સાથે કોફી પીધી હતી, બાદમાં શક્તિસિંહ ફાકી બનાવી રહ્યાં હતા ત્યારે તેજસે તેમના પર દગો કરી ગોળીબાર કરી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી આરોપીને પકડવાની કવાયદ શરૂ કરી છે.
સાવરકુંડલાઃ જૂથ અથડામણમાં બેના મોત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં બેના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય બાબતને લઇને થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું અને બન્ને જૂથ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં બે લોકોને ઇજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હોવાના અહેવાલ છે.
અમદાવાદઃ પ્રેમનો ઇનકાર કરનાર યુવતી પર હુમલો
અમદાવાદના સોલા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે રહેલી પરિણીત યુવતી સમક્ષ સેટેલાઇટમાં રહેતા યુવકે પ્રેમ સંબંધની માંગણી કરી હતી, જોકે મહિલાએ સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી, જેના કારણે ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ગળાના ભાગે ચાકુનો ઘા માર્યો હતો. જે સમયે યુવતીએ પ્રતિકાર કરતા યુવકને પણ ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર અર્થે સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.