નવેમ્બર 5, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
અમદાવાદઃ રીક્ષામાં લૂંટ કરતી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ
અમદાવાદમાં રીક્ષામાં મુસાફર બનીને ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોની શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગની મુખ્ય સૂત્રધાર એક મહિલા છે. ગેંગે 25 જેટલા ગુના કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યં છે. પોલીસ દ્વારા હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ગેંગ અંગેના અન્ય અનેક ગુનાઓનો પણ ભેદ ઉકેલાશે તેવી પોલીસને આશંકા છે.
સોનગઢઃ 20 રૂપિયા માટે માતાની હત્યા કરતો પુત્ર
તાપી જિલ્લાના સોનગઢના ધાજાંબા ગામે માત્ર 20 રૂપિયાના કારણે એક પુત્રે પોતાની માતાની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. માહિતી અનુસાર ધાજાંબા ગામે રહેતા દિલીપ ગામિતે પોતાના માતા-પિતા પાસે 20 રૂપિયાની માગણી કરી હતી, પરંતુ માતાએ રકમ આપવાની ના પાડી દેતા દિલીપ ગુસ્સે ભરાયો હતો અને તેણે માતા પર લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં માતાનું મોત નીપજ્યું હતું.
રાજકોટઃ ફાયરિંગમાં ઘાયલ યુવકનું મોત, પરિવાર શોકગ્રસ્ત, આરોપીને પકડવા દરોડા
રાજકોટમાં રવિવારે થયેલા ફાયરિંગ કેસમાં ઘાયલ શક્તિરાજસિંહ ખુમાણનું મંગળવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ શક્તિસિંહ પર ગોળીબાર કરનાર તેમના જ માસીના દિકરા તેજસને પકડવા માટે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છેકે, તેજસ અને શક્તિસિંહ રવિવારે કાલાવાડ રોડ પર શ્રીજી હોટલ પાસે મળ્યા હતા, જે દરમિયાન તેજસે શક્તિસિંહ પર ગોળીબાર કર્યો હતો.
સુરતઃ પોલીસ ફરી વિવાદમાં એક યુવકની કરી જાહેરમાં ધોલાઇ
સુરત સ્થિત ઉમરા પોલીસ સ્ટેશન ફરી વિવાદોમાં આવ્યું છે. પોલીસે રાહદારી યુવકને ઢોર માર્યો હોવાનું તથા તેના પર 279 કલમ લગાવવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બાદમાં પોલીસે યુવકને જામીન પર છોડી મુક્યો હતો, પોલીસના મારથી યુવકને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પીડિતના પરિજનોએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો છે અને પોલીસે કોઇપણ ગુના વગર યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
સોમનાથ દરિયામાં અમદાવાદના બે મિત્રો ડૂબ્યા, એકનું મોત
સોમનાથના દરિયામાં ન્હાવા પડેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા બે મિત્રો ડૂબી ગયા હતા, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક લાપતા થતા તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી છે. અમદાવાદના નરોડામાં રહેતા છ મિત્રો લીલી પરિક્રમા કરવા માટે ગિરનાર આવ્યા હતા, પરિક્રમા પૂર્ણ કર્યા બાદ તમામ મિત્રો સોમનાથ દર્શનાર્થે ગયા હતા. જેમાં ચીનુ પરમાર અને રાજેશ સોલંકી નામના યુવકો ન્હાવા માટે દરિયામાં ગયા હતા, જે દરમિયાન બન્ને યુવક ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.