PM Modi Gujarat Visit: સુદર્શન સેતુ વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણની આગવી ઓળખ
PM Modi Gujarat Visit: ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂપિયા 978.93 કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તક્તી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મુક્યો હતો.
ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું થ્રી ડી મોડલ નિહાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી.

સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે, તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે.
બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સી. આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવ અનુરાગ જૈન, નેશનલ હાઇવેના સ્પેશિયલ સેક્રેટરી પી. આર. પાટેલિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુદર્શન સેતુની વિશેષતાઓ
- બ્રિજની લંબાઇ 2320 મીટર, જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.
- બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20 x 12 મીટરના 4 - મોરપંખ આકારવામાં આવ્યા છે.
- ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર છે.
- બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
- આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ છે.
- ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે.
- ફૂટપાથ ઉપર લગાવેલા સોલાર પેનલ થી 1 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગમાં થશે.
- બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાયટિંગની વ્યવસ્થા કરાઇ છે.
- પાર્કિંગની સુવિધા.












Click it and Unblock the Notifications
