પોલીસ ગ્રેડ પે આંદોલન અપડેટ : IPS બ્રિજેશ ઝા ના અધ્યક્ષસ્થાને સમિતિની રચના કરાઇ
રાજ્યમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ચાલી રહેલાં ગ્રેડ પેના આંદોલનનું નિરાકરણ આવી ગયું છે. આ અંગે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જાહેરાત કરી હતી. આશિષ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમાં જાહેરાત કરી હતી કે, ગ્રેડ પેની માગ બાબતે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી સરકારને રિપોર્ટ સુપ્રત કરશે.
આ ઉપરાંત આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, હવે જો કોઇ ગેરશિસ્ત કરશે, તો પોલીસ કર્મચારીઓ સામે સખત પગલાં લેવા આવશે. આ સાથે જ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યા હોવાનું પણ DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું. ગ્રેડ પે આંદોલન મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને DGP આશિષ ભાટિયા વચ્ચેની ઉચ્ચકક્ષાની બેઠક યોજાઇ હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, પોલીસ ગ્રેડ પે મામલે સમિતિની રચના કરાઇ છે. એડમિનિસ્ટ્રેશનના IG બ્રિજેશ ઝાને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે સેક્રેટરી, GAD અને ગૃહ વિભાગના અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે.
આ કમિટી લાભો આપવાની કાર્યવાહી કરશે. જો હવે કોઈપણ પ્રાઈવેટ વ્યક્તિ અથવા કર્મચારી દ્વારા આ રીતે કાયદા વિરુદ્ધનું વર્તન કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ કમિટી દરેક પાસાની ચકાસણી કરશે અને તેનો રિપોર્ટ બનાવશે. અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં ઘણી ખોટી અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી છે. આ અંગે ચાર ગુનાઓ દાખલ કરાયા છે. આ સાથે રેલીનું આયોજન કરવા બાબત સહિતની પ્રવૃતિઓ કરવા મામલે ચાર FRI કરાઇ છે. અમુક પોલીસ કર્મીઓએ ગેરશિસ્ત કરી છે, તેમની સામે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.
હવે આ કાર્યવાહીને વધારે વેગ આપવામાં આવશે. આ સાથે હવે કોઇ પણ પ્રકારની ગેરશિસ્તભરી પ્રવૃતિ ન કરવાની અપીલઆશિષ ભાટિયાએ કરી છે. ઉલ્લેખનીય છે કે, સમિતિમાં કોઈપણ પોલીસ પરિવારને શામેલ કરાયા નથી. જો કે, સમિતિ દ્વારા તેમની માગ સાંભળવામાં આવશે. આ સાથે કમિટીના રિપોર્ટ સોંપવા અંગે પણ કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ગ્રેડ પેના મુદ્દા પર જાહેરમાં બોલવા સામે કડક નિયમો હોવા છતાં, ઘણા પોલીસોએ સોમવારના રોજ વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર તેમનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું. શનિવારના રોજ અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) નરસિમ્હા કોમરે એક પરિપત્ર જાહેર કરીને આ બાબતે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રતિકૂળ પોસ્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
તેમના વ્હોટ્સએપ સ્ટેટસ પર બ્લેક રિબન અને "પોલીસ મહા આંદોલન" નો ઉપયોગ કરીને, અમદાવાદ અને ગાંધીનગરના કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સ્તરના ઘણા પોલીસ અધિકારીઓએ હાલના રૂપિયા 1,800 થી ગ્રેડ પેમાં વધારો કરવાની માગ કરી હતી.
પોલીસ કોન્સ્ટેબલ માટે રૂપિયા 2,800, હેડ કોન્સ્ટેબલ માટે રૂપિયા 3,600 અને સહાયક સબ ઇન્સ્પેક્ટર માટે રૂપિયા 4,400 ગ્રેડ પેની માગ કરી રહી છે. કોપ્સ સાપ્તાહિક રજાઓ, સાતમા પગાર પંચ અનુસાર ચૂકવણીની રજાઓ, લગભગ આઠ કલાકનો નિયત સમય અને યુનિયન બનાવવાની પરવાનગીની પણ માગ કરી રહ્યા છે. હાલમાં, રાજ્યમાં આઈપીએસ અધિકારીઓનું યુનિયન છે, પરંતુ આસિસ્ટન્ટ કમિશનર સહિત અન્ય પોલીસનું નથી.
શનિવારના રોજ કોમરે તમામ એસપી કચેરીઓ અને કમિશનરેટ્સને વિરોધ દર્શાવવા માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ ઘણા પોલીસોએ પરિપત્રની અવગણના કરી અને ઇ વિરોધ ચાલુ રાખ્યો હતો. બાપુનગરનો એક કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા એક ડગલું આગળ ગયો અને તેણે ગાંધીનગરમાં સચિવાલયમાં વિરોધ પ્રદર્શન પર બેસવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
કાનભાના એક કોન્સ્ટેબલ જેમણે વિરોધ વિશે પોસ્ટ કર્યું હતું, તેમણે કહ્યું કે, પોલીસ પાસે ધરણા કરવા અને કામથી દૂર રહેવાની લક્ઝરી નથી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે અને હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેઓ સિટી સાયબર ક્રાઈમ પોલીસની વેબસાઈટના લોન્ચિંગ પ્રસંગે બોલી રહ્યા હતા.