પોરબંદરમાં જાંબાઝ તરવૈયાઓ ફરકાવે છે દરિયાની વચ્ચે રાષ્ટ્રધ્વજ
દેશના ગૌરવનું પ્રત્તિક રાષ્ટ્રધ્વજને આજે ઠેર ઠેર સલામી આપવામાં આવી હતી. ભારતભરમાં આજે અલગ અલગ રીતે 69મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો. દિલ્હી અને મહેસાણામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ સંવિધાનના ઉત્સવને માનભેર ઉજવ્યો હતો. જો કે આ તમામની વચ્ચે પોરબંદરમાં અનોખી રીતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને 69માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા. કંઇ નવું કરવાના વિચાર સાથે પોરબંદરમાં રાષ્ટ્રધ્વજને દરિયાની વચ્ચે ફરકાવીને સલામી આપવામાં આવી હતી. જેને જોઇને હાજર સૌ કોઇને આનંદ અને સન્માનની લાગણી અનુભવાઇ હતી.
પોરબંદરમાં જાંબાઝ તરવૈયાઓની ટીમે દરિયાના પાણી વચ્ચે જઇને તિરંગો લહેરાવ્યો હતો અને એકબીજાની માનવ સાંકળ બનાવીન ધ્વજને સલામી આપી હતી તેમજ રાષ્ટ્રગાનનું ગાન પણ કર્યું હતું. તો કાંઠે ઉભેલા લોકોએ કાંઠા પર ઉભા રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પોરબંદરની રામ સી સ્વિમિંગ ક્લબ સંસ્થા દ્વારા આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાવમાં આવ્યું હતું. આ સંસ્થા દર વર્ષે આ રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરે છે. અને રાષ્ટ્રધ્વજનુ પૂર્ણ સન્માન જળવાયે તે રીતે દરિયામા ધ્વજવંદન કરે છે. આમ આ વર્ષે પણ અનોખી રીતે રાષ્ટ્રધ્વજ મધ દરિયે ફરકાવીને તેમણે આ પરંપરા નિભાવી હતી.