વડનગરમાં PM: મેડિકલ કોલેજનું ઉદઘાટન, રસીકરણનો ઝૂંબેશનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.7 અને 8 ઓક્ટોબર ગુજરાતની મુલાકાતે છે. પોતાની મુલાકાતના બીજે દિવસે તેઓ વડનગર અને ભરૂચની મુલાકાત લેનાર છે. વડનગર નરેન્દ્ર મોદીનું વતન છે અને વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વાર વડનગરની મુલાકાત લઇ રહ્યાં હોવાથી આ મુલાકાત અત્યંત ખાસ બની જાય છે. પીએમના સ્વાગત માટે વડનગરમાં છેલ્લા બે દિવસથી તૈયારીઓ ચાલી રહી છે, વડનગરને સોળે શણગાર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના 2જા દિવસની તમામ માહિતી મેળવો અહીં...
12.25 - પીએમ મોદીએ લોકોને પૂછ્યું હતું કે, આ કોલેજ-પુલ બન્યા, બનવાના છે, એ તમને ગમ્યું? આને વિકાસ કહેવાય? તમને વિકાસ ગમે છે? તમને વિકાસ જોઇએ છે? આ સૌ સવાલોનો જવાબમાં લોકોએ હા કહી હતી.
12.24 - અમે સ્ટેન્યની કિંમતમાં ઘટાડો કર્યો. ગરીબો માટે આરોગ્ય ક્ષેત્રની સેવાઓ સસ્તી બને એ માટે સરકાર સતત કામ કરી રહી છે. તબીબો કે સારા ભોજન કરતા પણ વધારે સ્વચ્છતા આરોગ્યની ગેરન્ટિ આપે છે. અટલજીની સરકારમાં આરોગ્યની નીતિ બની હતી. એ પછી 10 વર્ષ એવી સરકાર આવી જેને વિકાસથી નફરત હતી. કોંગ્રેસના સમયમાં ખેડૂત અને આરોગ્ય ક્ષેત્રને લગતી નીતિઓ બંધ હતી.
12.12 - મને ખુશી છે કે, આજે મેં આરોગ્ય ક્ષેત્રને લગતા પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે. ખાસ કરીને ઇન્દ્રધનુષ રસીકરણ ઝુંબેશ. હું અહીં વડનગરથી લોકોને આ ઝુંબેશને અભિયાન બનાવવાનું આહવાહન કરું છું. બલ્ડ ડોનેશનની માફક જ રસીકરણ કરીને પણ તમે પુણ્ય અને સંતોષ મેળવી શકો છે.
12.07 - પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન: વડનગરવાસીઓના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. આજે હું અહીંથી નવી ઊર્જા લઇને પાછો જઇશ. હવે દેશ માટે પહેલાથી પણ વધુ મહેનતથી કાર્ય કરીશે, એ મારો તમને વાયદો છે. આજે હું જે કંઇ છું, આ માટીના સંસ્કારોને કારણે છું. 2500 વર્ષોથી જીવતું નગર છે, વડનગર. ક્યારેય મૃતઃપ્રાય નથી થયું વડનગર. ચીનના સ્કોલર યુ ઝાંગે પણ વડનગરની મુલાકાત લીધી હતી. આવનારા દિવસોમાં વડનગર આકર્ષણનું કેન્દ્ર બનશે.
11.45 - મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન: પીએમ મોદીએ પોતાની દોઢ દિવસની મુલાકાતમાં 12000 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો કર્યા. ગુજરાતનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી વિરોધીઓના મૂળિયા ઉખડી ગયાં છે.
11.35 - જે.પી.નડ્ડાનું સંબોધન: પાવન ધરતી પર આવીને ધન્યા અનુભવું છું. આ મેડિકલ કોલેજ જિલ્લા માટે અતિઉપયોગી સાબિત થશે. બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે. 2.5 કરોડ બાળકોનું રસીકરણ.
11.24 - સભાસ્થળે પહોંચ્યા પીએમ મોદી, થયું ભવ્ય સ્વાગત. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત. પીએમ મોદીનું સંબોધન સાંભળવા શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર.
10.55 - લોકાર્પણ બાદ મેડિકલ કોલેજમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.
10.54 - પીએમ મોદીના હસ્તે વડનગર ખાતે GMERS કોલેજનું લોકાર્પણ. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા હાજર. વડનગરથી જ હિંમતનગર ખાતે હોસ્પિટલનું લોકાર્પણ અને ઇન્દ્રધનુષ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ
10.25 - પોતાની શાળા બીએ. હાઇસ્કૂલની મુલાકાત લઇ હાટકેશ્વર મંદિર પહોંચ્યા પીએમ મોદી. તેમણે શાળા ખાતે પોતાની શિક્ષક સાથે પણ મુલાકાત કરી હતી. હાટકેશ્વર મંદિરમાં પીએમ એ પૂજા કરી, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત.
10.10 - 6 કિમી લાંબા રોડ શો બાદ વડનગર પહોંચ્યા પીએમ મોદી. વતન પહોંચતા જ પીએમ મોદીએ જમીન પર ઝૂકી માતૃભૂમિને વંદન કર્યા હતા અને માતૃભૂમિની ધૂળ માથે ચડાવી હતી.
9.30 - ગુંજા હેલિપેડથી જ પીએમ મોદીનો રોડ શો શરૂ. હેલિપેડ પર પણ મોટ સંખ્યામાં લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું.
9.20 - ગાંધીનગર રાજભવનથી હોલિકોપ્ટર દ્વારા વડનગર પહોંચ્યા પીએમ મોદી. પીએમ મોદીના સ્વાગત અર્થે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને લઇને વડનગરવાસીઓ અત્યંત ઉત્સાહિત છે. છેલ્લા 2 દિવસ પીએમના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત વડનગર શનિવારે સાંજે રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી નાના હતા ત્યારે અહીં જ પિતા સાથે ચાની દુકાન પર કામ કરતા હતા, આ દુકાનને પણ સજાવવામાં આવી છે. વડનગરના માર્ગ પર પીએમ મોદીના વિવિધ કટઆઉટ્સ પણ મુકવામાં આવ્યા છે. પીએમની નાનપણથી લઇને અત્યાર સુધીની સફર દર્શાવતા કટઆઉટ્સ પણ નજરે પડ્યા હતા.