વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણાના ડભોડા ખાતે 5,950 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લાના ડભોડા ખાતે 5,950 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા.
તેમણે જણાવ્યું કે, દુનિયાનો કોઈ દેશ નથી પહોંચ્યો એવી જગ્યાએ ચંદ્રની ધરતી પર પહોંચીને ભારતે પોતાની શક્તિનો પરિચય વિશ્વને આપ્યો છે. જી-20 નું યજમાનપદ સ્વીકાર્યા બાદ ભારતભરમાં એની ચર્ચા થઈ એટલું જ નહીં વૈશ્વિક પ્રતિનિધિઓએ ભારતના વૈભવ-વારસાનો તેમજ દેશની ક્ષમતા-સામર્થ્યનો પરિચય મેળવ્યો છે.

એક સે બઢકર એક આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી ભારત વિકાસ પથ પર વધુ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો છે. સરકાર જે સંકલ્પ લે છે તે અવશ્ય પૂર્ણ કરે છે તેમ સ્પષ્ટ જણાવતા પ્રધાનમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે જનજનની સુખાકારી માટે માળખાકીય સુવિધાના નિર્માણ માટે મોટું અભિયાન ઉપાડ્યું છે.
પીએમ મોદીએ ઉત્તર ગુજરાતની મુલાકાતને પરિવારજનોના દર્શનનો અને વતનની માટીનું ઋણ ચૂકવવાના અવસર રૂપ ગણાવી જણાવ્યું હતું કે આજે જે વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થઈ રહ્યા છે તે આ વિસ્તારના વિકાસને નવી ઊંચાઈ પ્રદાન કરશે.
તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતની કાયાકલ્પ માટે અનેકવિધ વિકાસ પ્રકલ્પોને સાકાર કર્યા છે. અગાઉ ઉદ્યોગ અને રોજગાર વિહોણા પ્રદેશની ઓળખ ધરાવતા ઉત્તર ગુજરાતનો પ્રદેશ આજે ઉદ્યોગ- રોજગારથી ધમધમતો બન્યો છે. અહીંના ડેરી ક્ષેત્રના વિકાસથી માતૃશક્તિના સહયોગ અને સહકારથી સમૃદ્ધિ દ્વારા દેશને પ્રેરણા આપી છે.
શ્રેષ્ઠ વિકાસના મૂળમાં સ્થિર સરકાર હોવાનું જણાવતા વડાપ્રધાને જણાવ્યુ કે, પૂર્ણ બહુમતી વાળી સ્થિર સરકારથી ગુજરાતે વિકાસના નવા આયામો હાંસલ કર્યા છે. હવે દેશમાં સ્થિર અને પૂર્ણ બહુમતી વાળી સરકારના કારણે આજે ભારતનો વૈશ્વિક વિકાસ થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ આઝાદીના જંગમાં આદિવાસી નેતૃત્વ પૂરું પાડનારા શ્રી ગોવિંદ ગુરુની પુણ્યતિથિ ના અવસરે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિના અવસરે તેમણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા આવનારી પેઢી ઊંચા મસ્તકે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના જીવન કવન પરથી રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણા મેળવશે.
પ્રધાનમંત્રીએ મા અંબાના ચરણોમાં આશીર્વાદ મેળવવાનો આનંદ વ્યક્ત કરી અંબાજી યાત્રાધામના વિકાસ અને રાજ્યભરમાં સ્વચ્છતાના અભિયાન દ્વારા પ્રેરક કાર્ય કરવા બદલ રાજ્ય સરકાર અને રાજ્યના નાગરિકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
ગુજરાતના શ્રેષ્ઠ અને ઝડપી વિકાસ પાછળ બે દાયકાનો પુરુષાર્થ છે તેમ જણાવતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આજના વિકાસ પ્રકલ્પો ઉત્તર ગુજરાતની જાહોજલાલીને નવા શિખર પર પહોંચાડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રદેશના જન-જનના વિકાસ માટે સંકલ્પ લીધો છે અને આ સંકલ્પની સિદ્ધિ માટે કનેક્ટિવિટીના નિર્માણ પર જોર આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરથી ગુજરાતના બંદરો સુધી રેલ્વે લાઈન પહોંચશે અને માલ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે.
પીવાના પાણી, સિંચાઈ, કૃષિ, ગ્રામ વિકાસ અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રો પર ભાર મૂકીને ઉત્તર ગુજરાતમાં ઘર આંગણે રોજગારનું સર્જન થાય તે માટે સરકારે આયોજન કર્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે. માં નર્મદાનું પાણી ઘર-ઘર અને ખેતરે-ખેતરે પહોંચવાથી કૃષિ વિકાસને નવું જોમ મળ્યું છે.
ઉત્તર ગુજરાતમાં 20 --22 વર્ષથી સિંચાઈનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે, એવું કહી તેમણે ઉમેર્યું હતું કે, મનેએ વાતનો આનંદ છે કે, આપણે ટપક સિંચાઈ, સૂક્ષ્મ સિંચાઈ અને નવી ટેકનીકથી ગુજરાતના ખેડૂતો ખેતી કરી રહયા છે. અને ગુજરાતનો એક એક જિલ્લો ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈને વરી ગયો છે. આજે બનાસકાંઠા જિલ્લો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો એક ઉમદા દ્રષ્ટાંત બની ગયો છે. ઉત્તર ગુજરાતનો કિસાન મુશ્કેલીમાં જીવતો હતો અને મુશ્કેલીમાં પોતાના પાકની લરણી કરતો હતો. તે કિસાન આજે તે પરિસ્થિતિમાંથી બહાર આવીને રોકડિયા પાકની ખેતી કરવા લાગ્યો છે.
વરિયાળી,જીરૂ અને ઇસબગુલ એ વિશ્વભરમાં ગુજરાતની ઓળખ કરાવે છે. દુનિયામાં કોરોના બાદ આપણી હળદર અને ઇસબગુલની ચર્ચા થઈ હતી. દેશનું ૯૦ ટકા ઇસબગુલનું પ્રોસેસિંગ ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે ઉત્તર ગુજરાતમાં શાકભાજી, બટાકા, કેરી, આમળા, લીંબુ જેવા અનેક પાકોનું વાવેતર થઈ રહ્યું છે.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, નોર્થ ગુજરાતના બટાકા આજે દુનિયામાં મસહૂર થઈ ગયા છે અને એક્સપોર્ટ ક્વોલિટીના બટાકા ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યા છે. ડીસાના બટાટા અને ઓર્ગેનિક બટાકાની વિશ્વ કક્ષાએ માગ બની રહી છે. બટાટાને પ્રોસેસિંગ કરવાના પ્લાન્ટો પણ આજે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બની રહ્યા છે, જેનો લાભ આજે બટાકા પકાવતા ખેડૂતોને થઈ રહ્યો છે. મહેસાણામાં એગ્રો ફૂડ પ્લાન્ટ બનાવ્યા બાદ બનાસકાંઠામાં પણ મેગા ફૂડ પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ઉત્તર ગુજરાતમાં આજથી થોડાક વર્ષો પહેલા બહેનો અને માતાઓ લાંબુ અંતર કાપ્યા બાદ પાણી મેળવી રહી હતી. જ્યારે આજે નલ સે જલ યોજના થકી ઘરે ઘરે નળમાં પાણી આવી રહ્યું છે. જેના થકી મને અનેક માતાઓ બહેનોના આશીર્વાદ મળ્યા છે અને જેમના આશીર્વાદ થકી જ હું આગળ વધી રહ્યો છું પાણી જેવી પાયાની જરૂરિયાત માટે જળક્રાંતિ અભિયાન આપણે આગળ વધારી છે બહેનોના નેતૃત્વમાં આ સુવિધા વિકસાવી છે. જેમ ગુજરાતના ઘરોમાં પાણી પહોંચાડ્યા છે તેમ હિન્દુસ્તાના ઘરોમાં પણ પાણી પહોંચાડવાનું છે.
ડેરી સેક્ટરોમાં બહેનોની ખૂબ મોટી ભાગીદારી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, જેમના પરિશ્રમ થકી આજે ઘરની આવક તો વધી છે, પણ ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. આ પશુપાલન ઉદ્યોગને આગળ વધારવા માટે અનેક પશુઓ દવાખાના બનાવવામાં આવ્યા છે. જેના પાછળનો મુખ્ય આશય પશુઓનું તબિયત સારી રહે અને પશુપાલન ઉદ્યોગની વિકાસ કરવાનો છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં 800 થી વધારે નવી ગ્રામ ડેરીઓની સહકારી ક્ષેત્રે શરૂ કરવામાં આવી છે. આજે બનાસ ડેરી, દૂધસાગર ડેરી અને સાબર ડેરીને વિદેશમાંથી લોકો જોવા આવી રહ્યા છે.
ખેડૂતો માટે પશુ ખૂબ મોટું ધન છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, કોવિડમાં જેમ લોકોના આરોગ્ય માટે વિનામૂલ્ય રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમ પશુઓના આરોગ્ય માટે મફત વેકસીન આપવાનો આરંભ દેશમાં કરવામાં આવ્યો છે. તેમણે દરેક પશુપાલકને પોતાના પશુઓને વેક્સિન અપાવી દેવા માટે પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અને 15,000 કરોડ રૂપિયાના ખર્ચે આ પશુ રસીકરણનું કામ ચાલી રહ્યું છે.
દૂધની સાથે સાથે ખેડૂતોની બીજી ઉપજ મળે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ગોબરધનનું મોટું કામ આજે સરકાર ચલાયું રહી છે બનાસ ડેરી જેવી સંસ્થાઓ દ્વારા સીએનજી, બાયો સીએનજી અને બાયો ફ્યુલ જેવા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ખેતરોનું વેસ્ટેડ અને પશુઓનું વેસ્ટેડનો ઉપયોગ કરી ગોબર માંથી વીજળી બનાવવાની દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ.
આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, થોડાક વર્ષો પહેલા ઉત્તર ગુજરાતમાં કોઈ ઉદ્યોગ આવી જ ના શકે તેવી માન્યતા હતી. પરંતુ આજે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં કેવો ઔદ્યોગિક વિકાસ થયો છે તેની વાત કરી હતી. આજે ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને એક દાયકાના ટૂંકા સમયમાં ઉત્તર ગુજરાત એન્જિનિયરિંગ દવા જેવા ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં સિરામિક ઉદ્યોગનો પણ વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થયો છે.
આવનારા સમયમાં ગ્રીન હાઈડ્રોજનના રૂપમાં સમગ્ર દેશમાં વિકાસ આગળ વધવાનો છે, તેવું કહી તેમણે ઉમેર્યુ હતું કે જેમાં પણ ઉત્તર ગુજરાતની ભૂમિકા ખૂબ મોટી રહેવાની છે આજે ઉત્તર ગુજરાતની ઓળખ સોલાર એનર્જીમાં પણ વિશ્વ કક્ષાએ બની છે. મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ સોલર ઉર્જા ના વિલેજ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. આજે ઉત્તર ગુજરાતના ગામડાના લોકો પોતાના ઘરની વીજળી મફત મેળવી વધારાની વીજળી સરકારમાં વહેંચી આવક મેળવી રહ્યા છે.
આજે ગુજરાતમાં રેલવે જોડાણના ઘણા મોટા કામો થયા છે તેવું કહી વડાપ્રધાને કહ્યું હતું કે, પાંચ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોનો લાભ ગુજરાતને મળ્યો છે. આજે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનાં કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે ખૂબ જ ક્રાંતિકારી કામ છે, જેના થકી આજે ઉત્તર ગુજરાત પીપાવા, જામનગર અને પોરબંદર સુધી સીધી કનેક્ટિવિટીમાં આવ્યો છે. જેનો લાભ આગામી સમયમાં ઉદ્યોગ, ખેડૂતો અને પશુપાલકોનો થશે. ઉત્તર ગુજરાત લોજિસ્ટિક અને સ્ટોરેજ હબ બનાવવા ની દિશામાં પણ ખૂબ મોટું કામ કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, પૂર્વ- પશ્ચિમના 2500 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે જેના કારણે આજે ઔદ્યોગિક માલ વાહન કરતા વાહનો ખૂબ જ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી રહ્યા છે. તેમજ ઉત્તર ગુજરાતનું દૂધ પણ આ કોરિડોર થકી ખૂબ જ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જતા તેનો બગાડ અટકી ગયો છે અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે.
ગુજરાતમાં ટુરીઝમ માટેની પૂરી સંભાવનાઓ છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે જેટલું મહત્વ કાશીનું છે તેટલું જ મહત્વ ગુજરાતના વડનગરનું છે કાશી પછી બીજું વડનગર છે કે જેનો ક્યારેય વિનાશ થયો નથી. તારંગા આબુરોડની રેલ લાઈનએ ઉત્તર ગુજરાતમાંથી પસાર થવાની છે જેના થકી તારંગા, અંબાજી અને ધરોઈ જેવા ટુરીઝમ ક્ષેત્રનો વિકાસ થશે અને પર્યટક ક્ષેત્ર સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ થશે અને દિલ્હી મુંબઈ જેવા વિસ્તારમાંથી લોકોને જગતજનની માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવવા માટેનું સરળ બની જશે. એક સમય હતો કે કચ્છનું કોઈ નામ દેતું ન હતું. પરંતુ આજે કચ્છનો રણઉત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત બની ગયો છે અને ઘોરડો રણ જોવા માટે લોકો વિદેશથી આવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત અને દેશના ઉજવળ ભવિષ્ય માટે તથા ગુજરાતના કલ્યાણ માટે જ્યારે આપણે કામ કરી રહ્યા છે, ત્યારે હું ગુજરાતની માટીને નમન કરી નવી શક્તિ મેળવી રહ્યો છું અને પહેલા જે વિકાસના કામો થતા હતા તેની ગતિ તેજ બનાવવામાં આવશે. ગુજરાત અને દેશનું જે સપનું છે કે 2047 માં આઝાદીને 100 વર્ષ થાય ત્યારે દુનિયાના વિકસિત દેશોની હરોળમાં ભારતની ગણતરી થાય તેવી મારી અને તમારા સૌની ઈચ્છા છે, તેને પરિપૂર્ણ કરીશું. તેમણે જણાવ્યુ હતુ કે જનતા જનાર્દનના આશીર્વાદ જ મારી ઊર્જા છે.












Click it and Unblock the Notifications
