
’ અવસર લોકશાહીનો ’ અંતર્ગત ગાંઘીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે મતદાન જાગૃત્તિ અર્થે ’સંગીત સુરઘારા સંઘ્યા’ કાર્યક્રમ
'અવસર લોકશાહીનો' અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગમાં મતદાન જાગૃત્તિ અર્થે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ સેન્ટ્રલ વિસ્ટા, ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે 'સંગીત સુરઘારા સંઘ્યા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષીના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
મતદારોમાં જાગૃત્તિ આવે અને અવસર લોકશાહીનો સાચા અર્થમાં સાર્થક કરવાના ઉમદા ભાવ સાથે સમગ્ર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ અનેક મતદાન જાગૃત્તિના કાર્યક્રમ યોજાયા છે. મતદાન જાગૃત્તિ અર્થે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા, ઘ-૪ ખાતે આજે મતદારોને જાગૃત્તિ આપે તેવા 'સંગીત સુરઘારા સંઘ્યા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના આરંભે ભીખુદાન ગઢવી દ્વારા અમે રે મતદારો રે ભારત દેશના ગીતથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વિવિઘ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જે. એમ.ચૌઘરી કન્યા વિઘાલય દ્વારા લોકશાહીનો અવસર.., પડુસ્મા પ્રાથમિક શાળાની વિઘાર્થીનીઓ દ્વારા ચૂંટણી આવી છે.. ગુજરાતમાં રે.... ગીત પર ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળ વિઘાલય, સેકટર- ૨૩ના વિઘાર્થીઓ દ્વારા મતદાન જાગૃત્તિ અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જામળા પ્રાથમિક શાળાના બાળકો વોટ કરો મતદાન કરો... પર સમૂહ નૃત્ય, નાંદોલ હાઇસ્કુલ દ્વારા મત જાગૃત્તિ અભિયાન સારું સમૂહ સંગીત મંત્ર મુગ્ઘ કરી દેવો કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં ભીખુદાન ગઢવીએ કેસુડે આવ્યા ફુલ ચૂંટણી આવી... ગીત ગાઇને સર્વે ઉપસ્થિત નાગરિકોને મતદાન કરવાનો જુસ્સો આપ્યો હતો. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત નાગરિકોએ હું વોટ કરીશ... તેના શપથ પણ લીઘા હતા.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ગોહિલ સહિત આમંત્રિત અઘિકારીઓ, શાળાના શિક્ષકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.