આજથી રાજ્યમાં PSI-LRD ભરતી શરૂ, 7 જગ્યાએ શારિરીક કસોટી મૌકુફ રખાઈ!
લાંબા સમયથી રાહ જોતા ગુજરાતના યુવાનો માટે પીએસઆઈ ને એલઆરડી કોન્સ્ટેબલની ભરતીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે શરૂ થયેલી ભરતીમાં મોટી સંખ્યામાં યુવાનો પોલીસમાં ભરતી થવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. લાંબા સમયથી વિવાદો વચ્ચે હવે આ ભરતી આખરે શારિરીક કસોટી સુધી પહોંચી છે.

રાજ્યમાં 8 જગ્યાઓએ ભરતી પ્રકિયા શરૂ કરાઈ
રાજ્યમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે એક સાથે 15 જગ્યાએએ શારિરીક કસોટીની આજથી શરૂઆત થઈ છે. જો કે આ 15 જગ્યાઓમાંથી 7 જગ્યાઓએ રાજ્યમાં વરસાદી માહોલને પગલી 3 અને 4 ડિસેમ્બરની ભરતી મૌકુફ રાખવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. શારિરીક કસોટી યોજાઈ રહી છે તે 15 જગ્યાઓમાંથી ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી, વાવ-સુરત, નડિયાદ અને ગોધરાને હાલ પુરતા બાકાત રાખવામાં આવ્યા છે. આ જગ્યાઓ પર નવી તારીખો જાહેર કરાશે.

સીસીટીવીથી નજર રાખવામાં આવશે
રાજ્યમાં ભરતી પ્રકિયામાં સતત વિવાદો થઈ રહ્યાં છે ત્યારે આ વખતે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આ વખતે તમામ જગ્યાઓએ શારિરીક કસોટી પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ વખતે ઉમેદવારોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ભરતીમાં 617 જેટલા ઉમેદવારોને પીએસઆઈ અને એલઆરડી બન્નેની શારિરીક પરિક્ષા એકસાથે આવતી હોવાથી તેમને તારીખ બદલી આપવામાં આવી છે.

25 મિનિટમાં 5000 મીટર દોડ પુરી કરવાની રહેશે
ભરતી પ્રકિયાની વાત કરવામાં આવે તો આજે સવારે 6 વાગ્યાથી ભરતી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોને કોલલેટરથી ગ્રાઉન્ડમાં પ્રવે અપાયો છે. આ ઉમેદવારોને 200 ની સંખ્યામાં રનિંગ કરાવવામાં આવશે. રજિસ્ટ્રેશન પૂરૂ કરી RFID ટેગ લગાડયા બાદ ઉમેદવારોને 4 લાઈનમાં 50 ઉમેદવાર એમ એકવારમાં કુલ 200 ઉમેદવારને દોડ માટે ઉતારવામાં આવશે. ગ્રાઉન્ડમાં રનિંગ ટ્રેકનું માપ 416.66 મીટર રહેશે અને પાસ થવા માટે ઉમેદવારે 25 મિનિટમાં 12 રાઉન્ડમાં 5,000 મીટર દોડ પૂરી કરવાની રહેશે.

દોડ પુરી થયા બાદ જ આગળ જવા દેવામાં આવશે
આ દોડ પુરી કરનારા તમામ ઉમેદવારોને આગળ શારીરિક માપ માટે મોકલવામાં આવશે. જે ઉમેદવારો દોડમાં નિયત સમય કરતાં વધુ સમય લેશે તે તમામ ઉમેદવારોને નાપાસ ગણાશે અને ભરતી પ્રકિયામાંથી બહાર કરાશે. જે ઉમેદવાર દોડમાં પાસ થયા છે તેમને આગળ શારીરિક માપ એટલે કે વજન, ઊંચાઈ અને છાતીની માપણી માટે મોકલાશે. અહાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરીને ઉમેદવારોની શારીરિક માપ કસોટી લેવાશે, જેની તમામ પ્રકિયાની વીડિયો-ફોટોગ્રાફી કરવામાં આવશે. જે ઉમેદવાર નિયત ક વજન, ઊંચાઈ અને છાતીના ફુલાવામાં પાસ થશે તેમની શારીરિક કસોટી પૂરી થયેલી ગણાશે અને તેમને ગ્રાઉન્ડની બહાર મોકલવામાં આવશે. જે ઉમેદવારને શારીરિક માપણી અંગે અસંતોષ હોય તેઓ ફરી માપવા માટે માટે અપીલ કરી શકે છે.