For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રીના હસ્તે કરાયું રામ વનનું લોકાર્પણ, રાજકોટમાં અનેક કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂપિયા 13.77 કરોડના ખર્ચે નવનિર્મિત રામ વન - ધ અર્બન ફોરેસ્ટ નું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 17 ઓગસ્ટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂપિયા 13.77 કરોડના ખર્ચે નવનિર્મિત રામ વન - ધ અર્બન ફોરેસ્ટ નું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન શ્રી રામની પ્રતિમાને વંદન કરીને રામ વન નું વિહંગાવલોકન કર્યું હતું. તેમજ 23 ઇલેક્ટ્રિક બસો અને તેના ચારજિંગ સ્ટેશનનું લોકાર્પણ કરીને બસોને લીલી ઝંડી આપી હતી.

Ram van

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ રામ વન નું નિર્માણ કરીને ગ્રીન રાજકોટ ક્લીન રાજકોટના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. જન્માષ્ટમીના પાવન અવસરે રામ વન ની ભેટ સાથે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં રાજકોટવાસીઓનો આનંદ બમણો થયો છે.

આ અવસરે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમારી ટીમ ગુજરાતે નવા નવા આયામો પર કામ કર્યું છે. પર્યાવરણ સાથે તાદાત્મ્ય રાખીને સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ સાધ્યો છે. સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને નવો ચીલો ચીતર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છોડમાં રણછોડ અને પુષ્પમાં પરમેશ્વર જોવાની આપણી સંસ્કૃતિ છે, ત્યારે પર્યાવરણનું જતન કરવાની આપણા સૌની નૈતિક જવાબદારી બને છે. રાજ્યમાં ઇલેક્ટ્રોનિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. જાહેર પરિહનમાં વધુને વધુ ઇલેક્ટ્રિક બસો દાખલ કરવાનો અભિગમ સરકારે અપનાવ્યો છે. રાજકોટમાં આજે 23 ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સ્ટેશનોની ભેટ મળી છે. ત્યારે આ વ્યવસ્થા રાજકોટને પ્રદુષણ મુક્ત અને સ્વચ્છ વાતાવરણ વાળું શહેર બનાવવામાં મદદ કરશે.

વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા પરથી દેશને અમૃતકાળમાં પાંચ સંકલ્પ લેવાનો કોલ આપ્યો છે. જેમાં પ્રથમ સંકલ્પ એટલે કે, વિકસિત ભારત. ત્યારે વિકસિત ભારત માટે વિકસીત ગુજરાત અનિવાર્ય છે. વડાપ્રધાનના બે દાયકાના નેતૃત્વમાં ગુજરાત દેશનું મોડલ સ્ટેટ અને ગ્રોથ એન્જિન બન્યું છે. પર્યાવરણ પ્રિય વિકાસ દ્વારા પ્રદુષણ મુક્ત અને આત્મનિર્ભર ગુજરાત બનાવીએ, તેમ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું.

જય શ્રી રામના નારા સાથે મેયર પ્રદિપ ડવે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રંગીલું રાજકોટ આજે રામ વન ના ઉદ્ઘાટનથી સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક નગરી બની છે. તમામ ક્ષેત્રે રાજકોટે હરણફાળ વિકાસ કર્યો છે. ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા માટે પણ બ્રીજોનું નિર્માણ કર્યું છે, જેનું આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામ વન ના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે તથા અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે, ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા, આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાન શ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, 150ની કેપેસિટીનું એમ્ફિથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત 80,000 જેટલી પ્રજાતિના 25 જેટલા બ્લોકમાં જે પૈકી 2 બ્લોકમાં મીયાવાકી થીમ આધારિત પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે ન્યુનતમ જગ્યાનો મહતમ ઉપયોગ કરી શુષ્ક અને પથરાળ જગ્યામાં "જન સહયોગ થકી" જાપાનીઝ ટેકનોલોજી મુજબથી "મિયાવાકી થીમ" આધારિત ફોરેસ્ટ ઉભું કરવા જુદી જુદી જાતના વૃક્ષ, શ્રબ ક્ષુપ, લતાઓ વગેરેની જાતના વૃક્ષોનું વાવેતર કરીને કાયમી રૂપમાં જતન કરવામાં આવશે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વર્ષાવનોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રામવનના સમગ્ર વિસ્તારના વૃક્ષોનું ડ્રિપ ઇરિગેશન પદ્ધતિથી પિયત આપવામાં આવશે. જેથી પાણીનો વપરાશ ન્યૂનતમ થાય અને વિકાસ પામનારા વૃક્ષો માટે સિપેજ રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવશે.

રામ વન માં રૂપિયા 1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી 22 પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણની સુરક્ષાના વિચારને કેન્દ્રમાં રાખી સમગ્ર દેશને વનથી ભરપૂર બનાવવાની ઝુંબેશ સાથે અનેકવિધ કાર્યો અને પ્રકલ્પો હાથ ધર્યા છે. ત્યારે રાજકોટમાં નિર્માણ પામેલાં "રામ વન અર્બન ફોરેસ્ટ" ભાવિ પેઢીને કુદરતી વાતાવરણ સાથે જોડી રાખવા ઉપરાંત પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણનું જતન કરવામાં ખૂબ મહત્વનું પુરવાર સાબિત થશે.

વધુમાં 80 ફુટ રોડ ખાતે રૂપિયા 11.63 કરોડના ખર્ચે 15200 ચોમીમાં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું HT વીજ કનેક્શન, 2500 વોટના 2 ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કાએ 50 ઇલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી હતી, જે પૈકી અગાઉ 23 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇલેક્ટ્રિક બસો BRTS રોડ પર તથા 1 ઇલેક્ટ્રિક બસ AIIMS ના રૂટ પર ચલાવવામાં આવે છે. આજરોજ 23 મિની ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 27 મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા રહેશે. ઇ-બસમાં ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વારા તથા ઇમરજન્સી દ્વારા, મુસાફરોની સલામતી માટે SOS - Emergency Alarm ની સુવિધા, કેમેરા, GPS ટ્રેકિંગ સિસ્ટમ, મનોરંજન માટે રેડીઓ સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓ છે.

રાજકોટ શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 46.20 કરોડના લોકાર્પણ તથા રૂપિયા 5.94 કરોડના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. જેમાં "અમૃત" યોજના હેઠળ વોર્ડ નંબર 12, 15, 17, 18 માં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને વોર્ડ નંબર 14 ગુરુકુળ પમ્પિંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલી ક્વોલીટી કંટ્રોલની લેબોરેટરીનું લોકાર્પણ અને વોર્ડ નંબર 3 અને 4 માં નવી વોર્ડ ઓફિસ અને વોર્ડ નંબર 2 માં બજરંગવાડી ખાતે આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હૂત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તારીખ 28 ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તમામ શહેરીજનોને રામ વનની મુલાકાત લેવા મહાનુભાવોએ જનતા જનાર્દનને અપીલ કરી હતી.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગ્ટય દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી અને રામ વન ની પ્રતિકૃતિ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રજૂ કરી હતી. આ સાથે મંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આભારવિધિ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કરી હતી.

આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદ પટેલ, લાખા સાગઠીયા, ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતા શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકાના નિયામક ધિમંત વ્યાસ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર નંદાણી, જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, તેમજ જુદી જુદી સમિતિના કોર્પોરેટરો, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Ram van was inaugurated by the Chief Minister in Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X