
ગુજરાતની જનતા માટે ભાજપ કેમ હૉટ ફેવરિટ? જાણો મુખ્ય કારણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પહેલો તબક્કો સમાપ્ત થઈ ગયો છે અને બીજા તબક્કા માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને સત્તાથી દૂર કરવા તનતોડ મહેનત કરી રહ્યાં છે પરંતુ ભાજપની શાખ તેમના ઈરાદાને પરિપૂર્ણ નહીં થવા દે. કેમ કે છેલ્લા 27 વર્ષથી ભાજપે એકેય પક્ષને ગુજરાતની ગાદીએ બેસવા નથી દીધો. ગુજરાતીઓમાં ભાજપ હૉટ ફેવરિટ હોવાના મુખ્ય કારણો વિશે અહીં જાણો.
મોદી ફેસ
છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં ગુજરાત પર બીજો કોઈ પક્ષ જીતી શક્યો નથી તેનું મુખ્ય એક કારણ મોદીનો ચહેરો પણ છે. મોટાભાગના લોકોને નરેન્દ્ર મોદી પર ભરોસો છે અને તેઓ પાર્ટીના ઉમેદવારને નહીં પણ વડાપ્રદાન અને મુખ્યમંત્રીના પદને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે.
રાષ્ટ્રવાદી પાર્ટી
ભાજપ પાર્ટી હિન્દુવાદી પાર્ટી હોવાની છાપ ધરાવે છે, અને એક વર્ગ ભાજપને આ કારણસર જ મત પણ આપે છે. રામમંદિર બનાવવું, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી વગેરે જેવાં ભાજપ સરકારના કાર્યોથી લોકો ખુશ છે અને આ કારણે જ કટ્ટર હિન્દુઓમાં ભાજપ હૉટ ફેવરિટ છે અને કોઈપણ સમીકરણ કેમ ના બદલાય આવા લોકો માટે ભાજપ હંમેશા હૉટ ફેવરિટ જ રહેશે.
ખેડૂતો માટે કરેલાં કામ
ભાજપ સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી કાર્યો કર્યાં છે. જેમાંની એક કિસાન પરિવહન યોજના અંતર્ગત 1 હજારથી વધુ ખેડૂતોને 5 કરોડ રૂપિયાની મીડિયમ સાઈઝ ગુડ્ઝ કેરેજ વાહન સહાય કરવામાં આવી છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ ખેતરમાં 1 લાખથી વધુ નાના ગોડાઉન માટે રૂ. 30 હજારની સહાય કરવામાં આવી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે 1 લાખથી વધુ ખેડૂતોને 48 કરોડનો નિભાવ ખર્ચ સહાય કરવામાં આવી છે. સૂક્ષ્મ સિંચાઈ માટે 1000 ધનમીટરના ભૂગર્ભ ટાંકા માટે 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે.
ગામડાઓનો વિકાસ
ભાજપ સરકાર બન્યા બાદ ગામડાઓનો નોંધનીય વિકાસ થયો છે. ઘર-ઘર સુધી આજે નળથી પાણી પહોંચી રહ્યું છે જે એક સમયે ગૃહિણીઓ સેંકડો મીટર દૂર ચાલીને પાણી ભરવા મજબૂર થતી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ગામડાને પણ પાક્કા રસ્તાઓથી જોડવામાં આવ્યાં છે, અને આજે ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં 24 કલાક વીજળી મળી રહી છે.
રોજગારી વધારવા સરકારના પ્રયત્નો
ગુજરાતના યુવાનોમાં ભાજપ હૉટ ફેવરિટ હોવાનું મુખ્ય કારણ રાજ્ય સરકારે બેરોજગારી વધારવા માટે કરેલા પ્રયત્નો છે. આજે દરેક જિલ્લાઓમાં રોજગાર મેળાઓ ભરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં યુવાનોને રોજગારી મળી રહે છે આ કારણે જ રાજ્યનો એક વર્ગ ભાજપને મત આપે છે.
પાર્ટીના નેતાગણમાં શિષ્તતા
ભાજપ પાર્ટીના નેતાગણમાં શિષ્તતા જોવા મળે છે, હાઈકમાન્ડે સોંપેલા દરેક કાર્યોને પ્રશ્ન પૂછ્યા વિના કરી દેવામાં આવે છે. અન્ય પાર્ટીઓની જેમ ભાજપમાં પદ મેળવવા માટે આંતરિક ઝઘડા નથી થતા. આ પાસું ભાજપ માટે પોઝિટિવ ગણી શકાય.