For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રજાસત્તાક દિન : 'ગુજરાતના જલિયાવાલા બાગ' પાલ-દઢવાવ હત્યાકાંડ વિશે તમે જાણો છો?

પ્રજાસત્તાક દિન : 'ગુજરાતના જલિયાવાલા બાગ' પાલ-દઢવાવ હત્યાકાંડ વિશે તમે જાણો છો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

બુધવારે પ્રજાસત્તાક દિવસ નિમિતે નવી દિલ્હી ખાતે ગણતંત્રદિવસની પરેડમાં ગુજરાતનો ટૅબ્લો રજૂ થશે, ત્યારે દેશની આઝાદીના ઇતિહાસમાં ગુજરાતના આદિવાસી સમુદાયે આપેલા યોગદાનનું પૃષ્ઠ રાજ્ય સહિત દેશના નાગરિકોના માનસ ઉપર તાજું થશે.

ગુજરાત દ્વારા પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની કથા રજૂ થશે. આ ટૅબ્લોને 'ગુજરાતના આદિવાસી ક્રાંતીવીરો' એવું નામ આપવામાં આવ્યું છે.

મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એકઠા થયેલા ભીલ આદિવાસીઓ ઉપર તત્કાલીન ઇડર સ્ટેટની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે એ કાર્યવાહીમાં 1200થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઇતિહાસમાં ઓછી ચર્ચાયેલી આ ઘટના 7 માર્ચ, 1922ના દિવસે ઘટી હતી અને ચાલુ વર્ષે તેને 100 વર્ષ થઈ રહ્યાં છે. કેટલાક ઇતિહાસકારો દ્વારા તેને 'જલિયાંવાલા બાગ કરતાં પણ ભયાનક' હત્યાકાંડ તરીકે ઓળખાવવામાં આવે છે.


'ગુજરાતનો જલિયાંવાલા બાગ'

7 માર્ચ, 1922ના દિવસે ગુજરાતના સાબરકાંઠામાંથી (તત્કાલીન ઇડર સ્ટેટ) વહેતી હેર નદીની ત્રિભેટે પાલ, દઢવાવ અને ચિતરિયા ગામના ભીલ આદિવાસીઓ એકઠા થયા હતા.

આમલકી અગિયારસના એ દિવસે એકત્રિત આદિવાસીઓ જમીન મહેસૂલવ્યવસ્થા, આકરા કરવેરા અને વેઠપ્રથા ઉપરાંત જાગીરદારો તથા રજવાડાંના કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા.

તેમનું નેતૃત્વ મોતીલાલ તેજાવત કરી રહ્યા હતા, જેમનો જન્મ આદિવાસી બહુમતીવાળા ગામ કોલિયારીના વણિક પરિવારમાં થયો હતો. આદિવાસીઓના શોષણ તથા તેમના ઉપર થતા અત્યાચારને કારણે તેમના હૃદયમાં તેમના પ્રત્યે અનુકંપા હતી.

બીજી બાજુ, સત્ય અને સમર્પણને કારણે આદિવાસીઓ તેજાવત ઉપર વિશ્વાસ મૂકતા. મોતીલાલે આદિવાસીઓમાં એકતા વધે તથા સામાજિક દૂષણો દૂર થાય તે માટે પ્રયાસ પણ કર્યા હતા.

એ દિવસે જ્યારે ભીલ આદિવાસીઓ પોતાનો વિરોધ વ્યકત કરવા એકઠા થયા હતા ત્યારે પાસેની જરામરાની ટેકરીઓમાં તહેનાત અંગ્રેજોના અર્ધલશ્કરી દળ 'મેવાડ ભીલ કૉર્પ્સ'ના (એમ.બીસી.) સૈનિકો ગોઠવાઈ ગયા અને અંગ્રેજ અધિકારી મેજર એચ.જી. સટર્ને એકઠા થયેલા આદિવાસીઓ ઉપર ગોળીબારનો આદેશ આપ્યો.

કહેવાય છે કે એ હત્યાકાંડમાં 1200 જેટલા આદિવાસીઓ મૃત્યુ પામ્યાં, જ્યારે મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી. સાથીઓ તેમને ઊંટ ઉપર બેસાડીને ઘટનાસ્થળેથી લઈ ગયા હતા.

પ્રો. કે. એસ. સકસેના પોતાના પુસ્તક 'ધ પોલિટિકલ મૂવમૅન્ટ્સ ઍન્ડ અવેકનિંગ ઇન રાજસ્થાન'માં લખે છે કે (પૃષ્ઠ ક્રમાંક 182), " 4 જૂન 1929ના દિવસે તેજાવત ખેડબ્રહ્મા ખાતે પહોંચ્યા હતા ત્યારે ઇડર સ્ટેટના હવલદારે નાટ્યાત્મક ઢબે તેમની ધરપકડ કરી હતી. તેઓ એક મંદિર ખાતે આયોજિત આદિવાસીઓના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા."

"ત્યાંથી તેમને તત્કાલીન મેવાડ સ્ટેટને સોંપી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમને મધ્યસ્થ જેલ ખાતે સાત વર્ષ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા અને તેમની પર કોઈ આરોપ પણ દાખલ કરવામાં આવ્યો ન હતો."

અંતે 23 એપ્રિલ, 1936ના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેજાવત 1963 સુધી જીવિત રહ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક પ્રો. અરૂણ વાઘેલાના કહેવા પ્રમાણે :

"પાલ-દઢવાવની એ ઘટના ગણતંત્રદિવસ પરેડના માધ્યમથી ચર્ચામાં છે એટલે સ્વાભાવિક રીતે જ માત્ર ગુજરાત જ નહીં, દેશભરના લોકોનું ધ્યાન ઇતિહાસના એ પ્રકરણ તરફ ખેંચાશે."

"વર્ષ 2010 સુધી ત્યાંના કૂવાને રિચાર્જ કરવામાં આવતા તો તેમાંથી હાડકાં નીકળતાં. પાસે જ આમ્રવૃક્ષોની હરોળ હતી. દાયકા પછી જ્યારે તેને કાપવા માટે કરવત ચલાવવામાં આવી, ત્યારે તે પણ તૂટી ગઈ હતી, કારણ કે તેમાં કારતૂસો ખૂપેલી હતી."

સ્થાનિકોના કહેવા પ્રમાણે, પાસે જ 'ઢેખડિયા કુવા' તથા 'દૂધિયા કુવા' આવેલા છે, જે મૃતદેહોથી છલકાઈ ગયા હતા. ગુજરાતના ટૅબ્લોમાં તેને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ભીલ આદિવાસીઓ તથા સ્થાનિકો દ્વારા મોતીલાલ તેજાવતને 'કોલિયારીના ગાંધી' કે 'મોતીબાબા' તરીકે ઓળખવામાં આવતા.

જોકે, બંનેના વિચારોમાં મતભેદ હતા અને ગાંધીજીએ તેજાવતની ઉગ્ર કાર્યપદ્ધતિ તથા વિચારસરણીને વખોડતો લેખ પણ 'યંગ ઇંડિયા'માં લખ્યો હતો.

1942માં ગાંધીજીએ 'હિંદ છોડો' આંદોલનની શરૂઆત કરી ત્યારે પણ મેવાડમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ દોઢ વર્ષ સુધી તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા.

https://www.youtube.com/watch?v=RbX3LiXteZM&t=1s

અંગ્રેજ સરકારની ડિસઑર્ડર્સ કમિટી 1919-1920ના રિપોર્ટ (પૃષ્ઠ ક્રમાંક 45) પ્રમાણે, જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં 379નાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી 87 આસપાસના વિસ્તારોમાંથી વૈશાખી નિમિતે અમૃતસર આવ્યા હતા.

જ્યારે ઇજાગ્રસ્તોની સંખ્યા 'ત્રણ ગણી' હોવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. જ્યારે પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, જનરલ ડાયરની એ કાર્યવાહીમાં એક હજાર કરતાં વધુ ભારતીયો મૃત્યુને ભેંટ્યા હતા.


આદિવાસીઓના ઇતિહાસની અવગણના?

ભારતીયો પર અંગ્રેજોના અત્યાચારની વાત અને ચર્ચા કરવામાં આવે છે ત્યારે જલિયાંવાલા બાગની ચર્ચા થાય છે, પરંતુ માનગઢ કે પાલ-દઢવાવમાં અંગ્રેજોના દમન વિશે વાત નથી થતી.

આ અંગે પ્રો. વાઘેલાનું કહેવું છે :

"આદિવાસી ઇતિહાસ તથા સ્વતંત્રતાચળવળમાં તેમના પ્રદાન વિશે બહુ થોડું રિસર્ચ થયું છે. તેમની સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને પોતાના વિસ્તારોથી વિમુખ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે તેઓ લાંબા સમય સુધી ખૌફ હેઠળ જીવ્યા અને આઝાદી પછી ધીમે-ધીમે આદિવાસી સમાજ સાક્ષર થયો અને તેનામાં પોતાના ઇતિહાસ અંગે જાગૃતિ અને ચેતના આવી. જેના કારણે માનગઢ તથા પાલ-દઢવાવ જેવા દમનચક્રો પર ચર્ચા થઈ રહી છે."

પ્રોફેસર વાઘેલા માને છે કે પાલ-દઢવાવનો હત્યાકાંડ જલિયાંવાલા બાગ કરતાં પણ ભયાનક હતો.

પ્રોફેસર વાઘેલાએ સ્વાતંત્ર્યચળવળમાં આદિવાસી સમાજના પ્રદાન પર 'આઝાદીના જંગનો આદિવાસી રંગ' તથા 'ગુજરાતની આદિવાસી ચળવળો' જેવાં પુસ્તક પણ લખ્યાં છે.


ટૅબ્લોની માહિતી

ગુજરાતના ટૅબ્લોની અમુક ખાસ વાતો આ પ્રમાણે છે:

  • સાબરકાંઠા જિલ્લાના પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની કથા
  • ટૅબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટૅચ્યૂ, પાંચ મ્યુરલ તથ બે પોશીના ઘોડાનો સમાવેશ
  • પોશીનાના કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં નૃત્ય તથા લોકબોલી અને ગાયનનું જીવંત પર્ફૉર્મન્સ
  • આદિવાસીઓમાં પ્રચલિત લગ્નગીત 'કોલિયારીનો વાણિયો ગાંધી....' ગીત લોકબોલીમાં
  • હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી મેજર એચ.જી. સટર્નને ઘોડા ઉપર સ્થાન
  • ગુજરાતનો ટૅબ્લો 45 ફૂટ લાંબો, 14 ફૂટ પહોળો અને 16 ફૂટ ઊંચો છે.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ તથા ગુજરાત સરકારના માહિતી ખાતામાં અધિકારી પંકજ મોદીની ટૅબ્લો રજૂઆતમાં ભૂમિકા રહેલી છે.

પોલીસમાં સમાવેશ

https://www.youtube.com/watch?v=K0H00mmHonI

1837 આસપાસ 'મેવાડ ભીલ કૉર'ની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ મેવાડ, ડુંગરપુર, બાંસવાડા તથા પ્રતાપગઢના ટેકરીવાળા વિસ્તારોમાં ભીલોની કથિત ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવાનો હતો.

મહીકાંઠાના અંગ્રેજ પૉલિટિકલ એજન્ટ જેમ્સ ઑટરમે તેનો પ્રસ્તાવ મૂક્યો હતો.

તેમાં સ્થાનિકોની જ ભરતી કરવામાં આવતી હતી. શરૂઆતમાં ચારેય રજવાડાંએ તેનો ખર્ચ ભોગવ્યો હતો, બાદમાં તેને બ્રિટિશ ભારતીય સેનાને હવાલે કરી દેવામાં આવી હતી.

સ્વતંત્રતા પછી આ સેનાને રાજસ્થાન પોલીસમમાં ભેળવી દેવામાં આવી હતી.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=p2cOYG3NQvk&t=5s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Republic Day: 'Jaliyawala Bagh in Gujarat' Do you know about the Pal-Dadhav massacre?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X