Salangpur Controversy : સાળંગપુર વિવાદનો અંત, હટાવાયા ભીંતચિત્રો, સનાતની સંતો લડી લેવાના મુડમાં
Salangpur Controversy: બોટાદમાં આવેલા સાળંગપુરમાં હનુમાનજીના વિવાદાસ્પદ ભીંતચિત્રો મંગળવારના રોજ હટાવવામાં આવ્યા હતા. આ હટાવવા અંગેની જાહેરાત સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, સનાતની સંતો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે, અને મંગળવારના રોજ લીંબડીમાં સંમેલન યોજાવાનું છે.

નૌતમ સ્વામીને વિદેશ મોકલવાની ચર્ચા - સનાતની સંતોના બહિષ્કારના એલાન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માથું નમાવતા જોવા મળે છે. ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ નૌતમ સ્વામીને વિદેશ મોકલવાની ચર્ચા છે. હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંતોએ અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીને મળ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો - અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યા હતા. સોમવારની સાંજે સ્વામિનારાયણ વડતાલના સંત પરમાનંદ સ્વામી અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ચૈતન્ય શંભુ મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે, મંગળવારના રોજ સૂર્યોદય પહેલા સલંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવશે.
સ્વામિનારાયણ સંતોને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ કોઈપણ ઉશ્કેરણીજનક અને સનાતન ધર્મ વિરોધી નિવેદનો ન કરે. પરમાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો એક ભાગ છે. તેઓ કોઈ પણ રીતે લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા માંગતા નથી.
VHPના નેતાઓ અને સંતોની સમિતિ બનાવાશે - અન્ય મતભેદોને સમાપ્ત કરવા માટે, શંકરાચાર્ય, VHP નેતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ટ્રસ્ટોના સંતોની બનેલી સમિતિની રચના કરવામાં આવશે, જે સનાતની સંતોના વાંધાઓ પર વિચાર કરશે. આ અગાઉ સ્વામિનારાયણ સંત દર્શન વલ્લભસ્વામીએ વડોદરાની સભામાં વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને રહેશે. અમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનું બંધ કરો.
સનાતનથી મોટો કોઈ સંપ્રદાય ન હોઈ શકે - શંકરાચાર્ય શારદા દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું છે કે, વિવાદના કારણોનો અંત આવ્યો નથી. જો કોઈ સંપ્રદાય પૈસાથી બળવાન બને છે, તો તે સનાતન ધર્મથી મોટો નથી થતો. સચ્ચિદાનંદ સ્વામી, ઋષિ ભારતી બાપુ, સંત જ્યોતિનાથે પણ ભીંતચિત્રને હટાવવાના વિવાદનો અંત આવવાનો ઇન્કાર કર્યો હતો.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું છે કે, સ્વામિનારાયણ સાહિત્યમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય પણ અનેક વિવાદો છે, આ અંગે સ્વામિનારાયણ સંતોએ લેખિતમાં ખાતરી આપવી પડશે.












Click it and Unblock the Notifications
