બહેનોની સલામતી માટે બ્લેક કમાન્ડો બન્યા - શંકરસિંહ વાઘેલા

Subscribe to Oneindia News

વિધાનસભા ગૃહની આજની કાર્યવાહીમાંથી કોંગ્રેસ પક્ષના સભ્યોને બાકાત કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, "ર૦મી તારીખથી ગુજરાત સરકારનું બજેટ સત્ર મળવાનું હતું, તેમાં મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા થાય અને તેમાંય સવિશેષ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે તે કચ્છનો નલિયા દુષ્કર્મકાંડ, તેની ચર્ચા થાય એ અમારો મુદ્દો હતો. નલિયા દુષ્કર્મકાંડમાં યુવતીઓને ભાજપ નું આઈકાર્ડ આપી, ભાજપના આગેવાનો, પદાધિકારીઓએ બળાત્કાર, યૌન શોષણ કર્યું છે, તે બાબતને ધ્યાનમાં રાખી તેની યોગ્ય તપાસ થાય એવા હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું."

અહીં વાંચો - નલિયા દુષ્કર્મકાંડઃ કોંગ્રેસ રેલીમાં સંઘર્ષ, MLAs એક દિવસ માટે સસ્પેન્ડ

shankar sinh vaghela

રાજ્યપાલને આવેદન પત્ર આપી વિનંતી કરી હતી

"ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને મારા સહિત કોંગ્રેસપક્ષના ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓએ ગત તા. ૧૭ ફેબ્રુઆરી, ર૦૧૭ના રોજ મહામહીમ રાજ્યપાલને નલિયા દુષ્કર્મકાંડની હાઈકોર્ટના સીટીંગ જજના માધ્યમથી યોગ્ય તપાસ કરાવવા માટે વિનંતિ કરી હતી. આમ થાય તો જ ભવિષ્યમાં બહેન-દીકરીઓનું યૌન શોષણ ન થાય અને આ મામલે પીડિતાને ઝડપી તથા તટસ્થ ન્યાય મળે. આ માટે રાજ્યપાલને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવી હતી. રાજ્યપાલના પત્રથી અમોને ખબર પડી કે, આવેદનપત્ર તેઓએ સરકાર તથા ગૃહ વિભાગને યોગ્ય તપાસ કરવા સારૂ મોકલી આપેલ છે. હકીકતમાં, કચ્છ અને ગુજરાતની પ્રજાની વાતને વાચા આપવા માટે અમોએ હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરી હતી."

કચ્છ અસ્મિતા મંચના નામે અપરાધીઓને ટેકો

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, "કચ્છમાં બનેલ બનાવથી માત્ર કચ્છની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની દીકરીઓનું અપમાન થયું છે. કચ્છના નલિયાનો બનાવનો વિરોધ કોઈ રાજકીય લાભ માટે નહીં, પરંતુ નલિયાની નિર્દોષ પીડિતાઓને ન્યાય મળે અને અપરાધીઓને સખતમાં સખત સજા થાય તે માટે કરવામાં આવી રહ્યો છે. આ હેઠળ જ તા. ૧૮ ફેબ્રુઆરી, ર૦૧૭થી "બેટી બચાવો" યાત્રા યોજેલી. તેની સામે ભાજપના ઈશારાથી કચ્છ અસ્મિતા મંચના નામે અપરાધીઓ-બળાત્કારીઓના ટેકેદારો દ્વારા બળાત્કારીઓને પ્રોત્સાહન મળે તેવા આક્રમક અને વિરોધી દેખાવો કરી આ યાત્રા રોકવાના પ્રયત્નો કર્યા. જો કે અમે અમારી "બેટી બચાવ યાત્રા"ને પ્રજાના સહયોગથી સફળતાપૂર્વક આગળ વધારેલી."

અહીં વાંચો - નલિયાકાંડ: કોંગ્રેસે શરૂ કરી યાત્રા તો અસ્મિતા મંચે શરૂ કર્યો વિરોધ

congress protest

દુષ્કર્મની અનેક ફરિયાદો સામે આવી

"તા. ૧૮મીએ બપોરે ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય આદિવાસી મહિલાએ તેમના પતિ સાથે આવીને કબૂલ્યું હતું કે, ભાજપવાળાઓએ તેમના ઉપર બળાત્કાર કર્યો છે. સ્થાનિક પોલીસે પણ તેમની ફરિયાદ ન લેતાં તેમણે પોતાના પિયર જઈ ફરિયાદ કરવી પડેલી. આ જ રીતે વિરમગામની સભામાં પણ એક દલિત દિકરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની આપવીતી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, તેમના ઉપર પણ ભાજપના પ્રમુખે બળાત્કાર ગુજાર્યો છે. કલેકટર કે પોલીસ તંત્રએ "આ તમારો વ્યકિતગત મામલો છે" એમ કહી તેમને કાઢી મુક્યા અને ફરિયાદ ન લીધી. રાજુલામાં પણ એક કોળી કન્યાને નિર્વસ્ત્ર કરી કુવામાં નાંખી દેવાનો બનાવ ભાજપની સરકારમાં બનેલો."

સરકારને ભીંસમાં લીધી માટે વિધાનસભામાંથી બહાર કર્યા

"હમણાં જ મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીએ જાહેરમાં મહિલાની છેડતી કરી હતી. કચ્છમાં ડૉકટર દ્વારા એક મહિલા ઉપર બળાત્કાર થાયો, આથી વધારે શરમજનક અને દુઃખદ બીના ભાજપના રાજમાં જ બની શકે. આથી, અમો કોંગ્રેસપક્ષના સભ્યશ્રીઓએ "બેટી બચાવો" જેવા સૂત્રો સાથે વિધાનસભા ગૃહમાં સૂત્રોચ્ચાર કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતની પ્રજાની જેમ અમોને પણ ભાજપ સરકાર તથા સરકારી તંત્રમાં વિશ્વાસ નહીં હોવાથી અમે નલિયા દુષ્કર્મકાંડની તપાસ નામદાર ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા કરાવવાની માંગણી ઉગ્રતાપૂર્વક સભાગૃહમાં કરેલી, જેના કારણે ગૃહ બે વાર મુલતવી રાખવાની ફરજ પડી હતી. સરકારને ભીંસમાં આવતી જોઈ અમોને આજની સભાગૃહની કાર્યવાહીમાંથી બાકાત કરવાનો આદેશ કરવામાં આવ્યો."

બહેન-દિકરીઓની સલામતી માટે ધારણ કર્યા કાળા કપડા

શંકરસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના ગૃહમંત્રીશ્રીએ કાળા કપડાં અંગે કરેલ ટીકા બાબતમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "આજનો દિવસ ભાજપ માટે કાળો દિવસ છે,માટે વિરોધપક્ષે કાળા વસ્ત્રો ધારણ કર્યા છે. ભાજપના રાજમાં જાણે બળાત્કારનું લાયસન્સ મળી ગયું હોય તેમ યુવતીઓનું યૌન શૌષણ થાય, કચ્છમાં ડૉકટર દ્વારા બળાત્કાર થાય, રક્ષક જ ભક્ષક બને એમ પોલીસ દ્વારા જ મહિલાઓની મશ્કરી થાય, ત્યારે અમો ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સભ્યો ગુજરાતની બહેન-દિકરીઓની સલામતી માટે કાળા કપડાં પહેરી બ્લેક કમાન્ડો બની ગયા છીએ."

ઉલ્લેખનીય છે કે, સોમવારના બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ભાજપીયાઓથી બેટી બચાવો, બળાત્કારી જનતા પાર્ટી-બીજેપી, બીજેપી-ગુજરાતની અસ્મિતા ઉપર કાળું કલંક, નલિયા કાંડ-નલિયા કાંડ, તપાસ આપો, હાઈકોર્ટના જજની તપાસ આપો, સજા કરો, નલિયાના દુષ્કર્મીઓને સજા કરો'' જેવા સૂત્રો ઉચ્ચાર્યા હતા.

English summary
Shankarsinh Vaghela about the suspension of Congress MLAs from assembly.
Please Wait while comments are loading...