નવનીત બાલાધિયા કેસનો રેલો આખરે જયરાજ આહિર સુધી પહોંચ્યો, તપાસ માટે બોલાવાયો
બગદાણાના સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો વધુ ગંભીર બન્યો છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા હવે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ટીમ દ્વારા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે તપાસનો વ્યાપ વિસ્તરી રહ્યો છે.

એસઆઈટી દ્વારા જયરાજ આહીરને આજે, ૨૧મી જાન્યુઆરીના રોજ સાંજે ૫ વાગ્યે રેન્જ ઓફિસ ખાતે હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હુમલાનો ભોગ બનેલા નવનીત બાલધિયાએ સીધો જયરાજ આહીર પર આ હુમલા પાછળ તેમનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ આરોપોને કારણે આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે.
એસઆઈટી આ કેસના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. જયરાજ આહીરને સમન્સ પાઠવતા પહેલા, ટીમે સંખ્યાબંધ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. સોમવારે, ફરિયાદી નવનીત બાલધિયાને પોતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
વધુમાં આ કેસની શરૂઆતની તપાસમાં સંકળાયેલા બે પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ને પણ એસઆઈટી દ્વારા બોલાવીને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
સમગ્ર વિવાદની શરૂઆત એક નિવેદનથી થઈ હતી, જે પાછળથી હિંસક હુમલામાં પરિણમ્યું. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે યોગેશભાઈ સાગરને બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઓળખાવ્યા હતા.
આ અંગે બગદાણાના સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈનો સંપર્ક કરીને સાચી હકીકત જણાવી હતી. આ ઘટના બાદ માયાભાઈએ સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી પણ માંગી હતી.
આ ઘટનાના થોડા જ સમય પછી, સાતથી આઠ અજાણ્યા શખ્સોએ કારમાં આવીને નવનીત બાલધિયાને રસ્તામાં રોકીને ગંભીર માર માર્યો હતો. આ હુમલાનો વિડિયો ઝડપથી વાયરલ થયો હતો. હોસ્પિટલના બિછાનેથી આપેલા નિવેદનમાં નવનીત બાલધિયાએ સ્પષ્ટપણે આરોપ મૂક્યો હતો કે આ હુમલો જયરાજ આહીરના ઈશારે જ કરાયો હતો.












Click it and Unblock the Notifications
