For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લઘુ ઉદ્યોગો પણ રિસર્ચ-ડેવલપમેન્ટને મહત્વ આપે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narendra-modi-at-sme-convention
ગાંધીનગર, 12 જાન્યુઆરી : ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ભાગરૂપે શનિવારે સવારે એસએમઇ કન્વેન્શનનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વિવિધ રિપોર્ટ્સનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી અને ઇન્ડસ્ટ્રી કમિશનરના હસ્તે બેસ્ટ એમએસએમઇ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ એમઓયુ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હિન્દીમાં કરેલા પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નાના અને મધ્યમ ઉદ્યોગજગતના સાહસિક ભાઇઓ અને બહેનો તમારું સ્વાગત છે. જેમણે ગઇકાલનો સમારોહ જોયો હશે અને આજનો સમારોહ જોશે તો અનુમાન લગાવી શકશે કે ગુજરાત કઇ રેન્જમાં કામ કરી રહ્યું છે. મોટા ઉદ્યોગોનું જેટલું મહત્વ છે તેનાથી પણ વધારે નાના ઉદ્યોગોનું મહત્વ છે. આજે આખો દિવસ આ સમિટમાં નાના ઉદ્યોગોના વિકાસ માટે આપણે બધા સાથે મળીને શું કરી શકીએ એમ છીએ. નાના ઉદ્યોગોને માર્કેટ કેવી રીતે મળી શકે, વિશ્વ વેપારમાં તેઓ પોતાની જગ્યા કેવી રીતે નિશ્ચિત કરે, તેમની આગવી બ્રાન્ડ કેવી રીતે બનાવી શકાય આ તમામ વિષયો પર વિચાર કરીને પગલાં લેવામાં આવશે તો નક્કર પરિણામો લાવી શકાશે.

બદલાતી ટેકનોલોજી સાથે ઉદ્યોગ સાથે સંકળાયેલા મિત્રોને જોડીએ તો બધાને ખ્યાલ આવશે. સૌમાંથી કેટલાક આગળ આવશે, નવી ટેકનોલોજી અપનાવશે. તેમનું જોઇને અન્યો જોડાશે. અમે આ પ્રકારના સંમેલનો યોજી ગુજરાતના ગામડાંના ઉદ્યોગપતિઓને આગળ લાવવા માટેનો માર્ગ બતાવીએ છીએ. તેમની પાસે ઘણીવાર માહિતી હોય છે પણ માર્ગ જાણતા નહીં હોવાથી નવી ટેકનોલોજી અપનાવી શકતા નથી. ક્યારેક નવી પેઢી નવું કરવા ઇચ્છે તો માતા-પિતા જોખમ લેતા રોકે છે. પણ આવા સમારંભથી અમે નવી પેઢીની સમજ અને વિચારસરણીને બદલીને વધારે સારી દિશામાં વાળવા ઇચ્છીએ છીએ.

અહીં બેઠેલા અનેક લોકોને આવો અનુભવ થયો હતો. આથી જ બંને પેઢી આ પ્રકારના કાર્યક્રમોમાં આવે છે ત્યારે તેમને વિશ્વાસ આવે છે. આપણે આપણા લઘુ ઉદ્યોગ ક્ષેત્રને ટેકનોલોજીની દ્રષ્ટિએ અપગ્રેડ કરવાનો છે. આ માટે ગવર્નમેન્ટ કેવી રીતે સપોર્ટ કરી શકે? તેનો ખ્યાલ પણ આવે છે. આવા પ્રયાસોથી અમે સમાજ ઉપયોગી પ્રોડક્ટ્સને માર્કેટમાં લાવવા માંગીએ છીએ. તેમને પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. આજે જેમને એવોર્ડ આપ્યા તેમણે નાની નાની બાબતોમાં સુધારા લાવ્યા છે.

મહત્તમ રોજગાર આપવાની ક્ષમતા લઘુ ઉદ્યોગોમાં છો. અમે મહત્તમ લોકોને લાભ પહોંચાડવા ઇચ્છીએ છીએ. અમે માસ પ્રોડક્શન કરવા ઇચ્છીએ છીએ, પણ તેની સાથે પ્રોડક્શન બાય માસીસ ઇચ્છીએ છીએ. કારણ કે લાખો હાથ કામ કરે છે ત્યારે લાખો લોકોનું પેટ પણ ભરાય છે. કેટલીક વાર નાના ઉદ્યોગોમાં એક્સપાન્શન થાય અને નવા માણસો રાખીએ ત્યારે ઉદ્યોગકારોને ટેન્શન થાય કે નવા માણસને છ મહિના શીખવાડ્યા છતાં તેમની પ્રોડક્ટ્સ કેવી રહેશે. માર્કેટમાં તે વેચાશે કે નહીં. તેના માટે અમે સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે.

ગુજરાતે જરૂર મુજબની સ્કીલ ધરાવતા મેનપાવર તૈયાર કરવાની દિશામાં કામ કર્યું છે. ગુજરાતમાં આ અંગે જુઠ્ઠાણું ફેલાવનારા લોકોને જનતાએ ઠીકઠાક પણ કર્યાં છે. અમે સ્મોલ ઇન્ડસ્ટ્રીને ક્લસ્ટર બનાવવા ઇચ્છીએ છીએ. અમે સાણંદ સુધીની પટ્ટામાં ઓટોમોબાઇલ પાર્ટ્સનું ઉત્પાદન કરતા કારખાના તૈયાર થયા છે. તેમને એક કરવાની જરૂર છે. તેમની સાથે નેટવર્કિંગ કરવાની જરૂર છે. જેમ કે ઓટો કમ્પોનન્ટ બનાવવાના વિસ્તાર છે ત્યાં ઓટોમોબાઇલને લગતા આઇટીઆઇ કોર્સ પણ ચાલતા હશે.

ધારો કે વાપીમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે. પાલનપુરમાં ટેક્સટાઇલનો કોર્સ ચાલે છે. તો કોણ ત્યાં જોબ કરવા અને ભણવા જશે? જો આપણે એક જ સ્થળે બંને સુવિધાઓ આપીએ તો સ્થળાંતર અટકશે. વધારે સારું પરિણામ આવશે. કેટલીકવાર કંપનીઓ માણસો ચાલ્યા જવાની બીકે મોટા ઓર્ડર લેતા નથી. પણ આવા ક્લસ્ટરને કારણે મેનપાવરની કમી નહીં પડે, અને મેનપાવરનું શોષણ નહીં થાય. ગુજરાતમાં પીસ ફૂલ લેબરનું કારણ પરિવારભાવ છે. તેના કારણે માલિક-નોકરનો ભાવ નથી બનતો. આ કારણે સારો ઔદ્યોગિક વિકાસ થયો છે. ભારતના ઘણા ઉદ્યોગકારોને ગુજરાતની આ ખાસિયતનો ખ્યાલ નથી. આથી અહીં લેબર રાત્રે પણ કામ કરીને પ્રોડક્ટ તૈયાર કરે છે. અમે હાથોની ઇજ્જત વધારી છે.

આપણે જેટલી સંભાળ નાના ઉદ્યોગોની કરવાની છે એટલી જ સંભાળ કારીગરો, કામદારોની લેવાની છે. સરકાર આવીને ઓછામાં ઓછી તકલીફ આપે તે માટે તમારે કેવી જરૂર છે તેના સૂચન સરકારોને મોકલો. અમારી સરકારનું કામ છે કે આપ પ્રગતિ કરો. અમારું કામ છે કે તમારી તકલીફો દૂર થાય.

ગુજરાતમાં બેરોજગારોનો દર સૌથી ઓછો છે. હું પોલિટિકલી બેરોજગારોની વાત નથી કરતો. તેઓ તો 15 વર્ષથી બેકાર છે. આખા દેશમાં છેલ્લા 5 વર્ષમાં 72 ટકા રોજગાર એકલા ગુજરાતે આપ્યો છે. અહીં એસએમઇનો વૃદ્ધિદર 85 ટકા રહ્યો છે. આ સાબિત કરે છે કે ગુજરાતમાં રોજગારી આપવાનું પ્રમાણ સારું છે.

હું જ્યારે સંગઠનમાં હતો ત્યાપે આગ્રા-કાનપુરમાં 15 વર્ષ પહેલા કેટલાક લોકોને મળ્યો હતો. તેઓ કહેતા કે ચીનથી જૂતાં આવે છે અને અમારો કારોબાર પડી ભાંગ્યો છે. મેં તેમને કહ્યું હતું કે આનો એક જ ઉપાય છે. આપણે ચીન કરતા ટકાઉ અને સસ્તા જૂતાં આપીએ. હિન્દુસ્તાની ગ્રાહકો ટકાઉ વસ્તુઓ પસંદ કરે છે. પછી દુનિયાનો કોઇ પણ પોતાનો માલ વેચી શકશે. નહીં. આજે પણ આ વાત એટલી જ પ્રસતુત છે. ગ્લોબલ માર્કેટમાં ટકવા ટકાઉ વસ્તુઓ પર ભાર મૂકવાની સાથે તે સસ્તી હોય તેના ઉપર પણ ભાર આપવો પડશે.

માર્કેટમાં એક નવો બદલાવ પણ આવ્યો છે. આજની પેઢીને નવી ડિઝાઇન, નવા રંગ જોઇએ છે. આ કારણે નાના ઉદ્યોગો રિરસ્ચ ચાલુ રાખે તે પણ એટલું જ જરૂરી છે. ડિઝાઇન, ક્વૉલિટી રિસર્ચ, કોમ્પોનન્ટ રિસર્ચ જરૂરી છે. હોળીમાં જે લોકો પિચકારી વેચતા હતા. હવે ચીનની પિચકારીઓ તેનો ધંધો ભાંગી પાડે છે. આપણે ડિફેન્સિવ રહેવાનું નથી. હું માનું છું કે આપણને માનસિક પરિવર્તનની જરૂર છે. આપણા ઉદ્યોગના મિત્રોએ એવી માનસિકતા લાવવાની જરૂર છે કે હું એવી પ્રોડક્ત તૈયાર કરું જે વિશ્વના માર્કેટમાં વેચાય. આપણે વિશ્નની શ્રેષ્ઠ ટેકનોલોજી લાવવા તૈયાર છીએ એ સાથે આપણી પ્રોડક્ટ માટે નવા માર્કેટ શોધવા પણ તૈયાર રહેવું જોઇએ. ગુજરાતના લોકો સાહસિક છે આથી તેઓ કરી શકે એમ છે. ગુજરાતના વેપારીએ ટકલા માણસને કાંસકો વેચી આવી શકે છે.

બદલાતા યુગમાં આપણી નાની ઇન્ડસ્ટ્રીઝે પોતાને ત્યાં આઇટીવાળો એક માણસ તો રાખવો જ જોઇએ. ભલે બે કલાક માટે ટેમ્પરરી હાયર કરો. તમે આ રીતે વિચારશો તો નવા માર્કેટ શોધવામાં વાર નહીં લાગે અને પ્રોડક્ટ સારી હશે તો આપોઆપ બિઝનેસ વધશે. આ ઉપરાંત પેટન્ટ, ટ્રેડમાર્ક વગેરેમાં પણ સરકાર આપની મદદ કરશે. જેથી આપના નોલેજને મદદ મળે.

આપણે છૂટક વસ્તુઓ લઇને દુનિયામાં નોંધપાત્ર સ્થાન બનાવી શકીશું નહીં. પેન જેવી નાની વસ્તુ પર મેડ ઇન જાપાન લખ્યું હોય તો તરત ખરીદી લેતા હતા. આનો અર્થ એમ થયું કે જાપાને પોતાની એક બ્રાન્ડ બનાવી છે. આપણે દરેક કંપનીની બ્રાન્ડ બનાવીશું તો આપણી તાકાત નહીં હોય. પણ જો આપણે મેડ ઇન ગુજરાત, ઇન્ડિયા લખીશું તો ચોક્કસ ફાયદો થશે. આ અંગે સાથે બેસીને ચર્ચા કરવી પડશે. આ ઉપરાંત પ્રોડક્ટની ક્વૉલિટી અને ઝીરો ડિફેક્ટ, કોસ્ટ ઇફેક્ટિવનેસ પર ભાર મૂકવો પડશે. તો જ આપણે દુનિયામાં ઉભા રહી શકીશું.

એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ટેકનોલોજીનું લેબલ પણ મહત્વનું છે. આ પ્રકારની પ્રોડક્ટ વાપરનારો એક મોટો વર્ગ છે. આપણે ખરા અર્થમાં એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ટેકનોલોજી અપનાવીને પ્રોડક્શન કરવાની દિશામાં વેળાસર કામ કરવું પડશે. મારું સપનું છે કે મારા ગુજરાતનો વેપારી ધોળકા કે ધંધુકામાં માલ વેચવાની સાથે વિશ્વના દેશોમાં માલ વેચે. આ માટે જ હું આટલી બધી મહેનત કરું છું. નવી ટેકનોલોજી, નવા ઇનોવેશન અને અગ્રેસિવ તથા પ્રોએક્ટિવ બનીને કામ કરીએ એવી ઇચ્છા છે.

આ પ્રંસંગે વિવિધ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, એસએમઇના સાહસિકો ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીઓ સૌરભ પટેલ, પરબત પટેલ, મુખ્ય સચિવ એ કે જોતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

English summary
SME convention inaugurated by Narendra Modi at Mahatma Mandir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X