
રાજ્ય સરકારની કામગીરી ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનું કામ 'ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે' કર્યું ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 'ગુજરાત જ્ઞાન ગુરુ - G3Q મેગા ફિનાલે ક્વિઝ' પ્રસંગે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારની કામગીરી જેમ કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે, સરકાર ક્યાં કામ કરી રહી છે, કંઇ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તેની માહિતી ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે કર્યું છે. મુખ્યમંત્રી એ સમગ્ર ક્વિઝનું આયોજન કરવા બદલ શિક્ષણ વિભાગનો આભાર પણ વ્યકત કર્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ અવસરે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, આ ક્વિઝ શરૂ કરી ત્યારે કોઇને વિશ્વાસ નહોતો કે આ ક્વિઝને આટલી મોટી સફળતા મળશે. આ ક્વિઝને 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન'માં સ્થાન પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શન થકી આ ક્વિઝ વિશ્વની સૌથી મોટી ક્વિઝ બની છે. શિક્ષણ વિભાગ માટે આ ગૌરવની વાત છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં 27 લાખથી વધુએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 25 લાખથી વધુ લોકો આ ક્વિઝ રમ્યા છે. એટલું જ નહીં 1 લાખ 25 હજારથી વધુ લોકો આ ક્વિઝમાં વિજેતા પણ બન્યા છે. આ વિજેતાઓને રૂપિયા 25 કરોડથી વધુના ઇનામો પણ અપાયા હતા.આમ, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ થકી યુવાનોને પ્લેટફોર્મ આપવાનું કામ મુખ્યમંત્રી ના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કર્યું છે એમ શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, જ્ઞાન અને ટેક્નોલોજીનો અદભુત સમન્વય કેવી રીતે થઇ શકે તે આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં જોવા મળ્યું છે. તાલુકા વોર્ડમાંથી સૌથી વધુ લોકોએ આ ક્વિઝમાં ભાગ પણ લીધો હતો એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિજેતાઓની ઘોષણા, ઈનામી રકમના ચેક, પ્રમાણપત્ર અને ટ્રોફી વિતરણ તથા GSIRF2022ના Five Star પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી અને સંસ્થાઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા.