ગુજરાત ચૂંટણી 2017: આ દિગ્ગજો આગળ વધારી શકશે BJPનો વિજયરથ?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો હવે પોતાનું પૂરેપૂરું જોર લગાવી રહ્યાં છે. રાજ્યમાં ભાજપની સ્થિતિ પહેલા કરતાં નબળી છે. હાલની પરિસ્થિતિમાં ભાજપમાં એવા કયા દિગ્ગજ નેતાઓ છે જે રાજ્યમાં પક્ષની કમાન સંભાળી શકે છે અને તેમની શું ભૂમિકા છે, એ જાણો અહીં...

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

એક જમાનો હતો, જ્યારે ભાજપ પક્ષના સૌથી મજબૂત સ્તંભ તરીકે પહેલું નામ આવતું કેશુભાઇ પટેલનું. હવે ભાજપમાં એ જ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરાજ્યા છે. 2002ના રમખાણો બાદ રાજ્યમાં એક સમયે નરેન્દ્ર મોદીની સ્થિતિ થોડી નબળી ચોક્કસ પડી હતી, પરંતુ એ પછી તેમણે જે રીતે સરકારની કમાન સંભાળી, સંગઠનને મજબૂત કર્યું એ વખાણવા યોગ્ય છે. આજે નરેન્દ્ર મોદી ભલે પીએમ પદ પર બિરાજમાન હોય, પરંતુ રાજ્યમાં તેમની ગેરહાજરી વર્તાય છે. ગુજરાતના રાજકારણની જે ઊંડી સમજ મોદી પાસે છે, એને તોટો જડવો મુશ્કેલ છે. વિધાનસભા ચૂંટણીના પ્રચાર કાર્યક્રમોથી માંડીને દરેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં નરેન્દ્ર મોદીની સલાહ આજે પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેઓ ભલે પ્રત્યક્ષ રીતે હાજર ના હોય, પરંતુ ભાજપના દરેક નિર્ણયમાં તેમની પરોક્ષ હાજરી હોય જ છે.

અમિત શાહ

અમિત શાહ

ભાજપના કર્તા-ધર્તામાં નરેન્દ્ર મોદી બાદ નામ આવે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી માંડીને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી સુધી તેમણે જે રીતે રાજકીય સૂઝબૂઝ વાપરી ભાજપનો ફેલાવો કર્યો છે, એ વખાણવા યોગ્ય છે. પક્ષના લોકો ઉપરાંત બહારના લોકો પણ હવે તો આ વાત માનતા અને સ્વીકારતા થયા છે. તેઓ ભાજપના ચાણક્ય કહેવાય છે, તેમણે પોતાના કડક અને સાહસિક નિર્ણયોથી ઘણીવાર સૌને ચોંકાવ્યા છે. અન્ય રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવી ચૂકેલા અમિત શાહ માટે ગુજરાતની ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન છે.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

મુખ્યમંત્રી તરીકે આનંદીબહેનના રાજીનામા બાદ આ પદ સંભાળનારા વિજય રૂપાણી પણ ભાજપનો મોટો ચહેરો કહેવાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની રણનીતિનો ગુજરાતમાં અમલ કરવામાં તેમનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. સરકાર વિરુદ્ધની ચળવળો સામે પણ તેમણે સારી ઝીંક ઝીલી છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ રાજકીય ક્ષેત્રે તેમણે ઉન્નતિ કરી છે અને નામના પણ મેળવી છે. કેન્દ્રનો પેટ્રોલ-ડિઝલમાં ઘટાડાના નિર્ણયના અમલની વાત હોય કે, લાલ બત્તી કાઢવાના નિર્ણયની વાત, તેઓ તુરંત અને ઠોસ પગલા લે છે. બનાસકાંઠામાં પૂર સમયે તેમણે જે રીતે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો કરી હતી અને ત્વરિત સહાયતાની તૈયારી દર્શાવી હતી, એને કારણે લોકોના મનમાં પણ તેમણે આગવું સ્થાન મેળવ્યું હોવાનું કહેવાય છે.

આનંદીબહેન પટેલ

આનંદીબહેન પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલ આનંદીબહેન પટેલે ભલે રાજ્યમાં ચાલતી પાટીદારોની ચળવળ સામે ઢીલા પડ્યા હોય, પરંતુ તેઓ આજે પણ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ છે અને પક્ષના મહત્વપૂર્ણ નેતા છે. મહિલા વોટ બેંકને ભાજપ સાથે જોડવામાં આનંદીબહેન પટેલનો ફાળો અગત્યનો છે. રાજપૂતો અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચેના સમાધાનમાં પણ આનંદીબહેને મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. અમિત શાહના ઘરે રાજપૂત સરપંચ અને જીતુ વાઘાણી વચ્ચે સમાધાન થયું એ પહેલાં આનંદીબહેને રાજપૂતો સાથે લગભગ 3 કલાક મંત્રણા કરી હતી અને તેમને સમજાવટથી અમિત શાહના નિવાસસ્થાને લઇ ગયા હતા.

નીતિન પટેલ

નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણાં મંત્રી તરીકે ફરજ બજાવતા નીતિન પટેલના રૂપમાં ભાજપ પાસે પાટીદાર સમાજને પોતાની તરફ વાળનારો એક ચહેરો છે. તેઓ વરિષ્ઠ નેતા છે અને ઉદ્યોગપતિવર્ગમાંથી આવે છે. પાટીદાર આંદોલનને પરિણામે નીતિન પટેલ આ વખતે ખાસ ચર્ચાના કેન્દ્રમાં રહ્યાં છે. પાટીદાર સમાજની નારાજગી દૂર કરવા માટે તેમણે જ સરકાર તરફથી હાર્દિક પટેલ અને સમાજના અન્ય મોભીઓ સાતે ચર્ચા કરી હતી. બીજી તરફ જીએસટીના મામલે પણ કેટલાક વેપારીઓ સરકારથી નારાજ છે. આ બંને પડકારો સામે ઝીંક ઝીલવાની જવાબદારી આ વખતે નીતિન પટેલના શિરે છે.

આ નેતાઓ પણ પ્રમુખ ભૂમિકામાં

આ નેતાઓ પણ પ્રમુખ ભૂમિકામાં

આ પાંચ નેતાઓ સિવાય અન્ય જેમને મુખ્ય જવાબદારીઓ સોંપાવમાં આવી છે, તેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ચૂંટણી પ્રભારી અરુણ જેટલી, પાર્ટીના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રાષ્ટ્રીય મહાસચિવ અનિલ જૈન અને સંયુક્ત સંગઠન મંત્રી વી.સતીશ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે દિવસ-રાત એક કરી રહ્યાં છે. મધ્ય પ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રા સૌરાષ્ટ્રમાં પક્ષને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે, તો નરેન્દ્ર સિંહ તોમરના માથે મધ્ય ગુજરાતની જવાબદારી છે. આ એ નેતાઓ છે, જે સંપૂર્ણ રીતે ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં જોડાયેલા છે. આ સિવાય ભાજપ લગભગ 50 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે, જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રિય મંત્રી, પાર્ટીના પ્રમુખ પદાધિકારીઓ અને અન્ય રાજ્યોના પ્રમુખ ચહેરાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમ ક્ષેત્રમાં આ નેતાઓનું કેટલું મહત્વ છે એને આધારે યોજના ઘડાશે, આ માટે પક્ષ અલગ સ્તરે જ મંત્રણા કરી રહ્યો છે.

English summary
These are the BJPs star campaigner in Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.