For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો 66મો નિર્વાણદિન

|
Google Oneindia Gujarati News

zaverchand meghani
અમદાવાદ, 9 માર્ચ : ગુજરાત અને દેશને લોકસાહિત્યના સંકલનની ભેટ આપનારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો આજે 66મો નિર્વાણદિન છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને તેમનું અવસાન જે મકાનમાં થયું હતું એ મકાન વર્ષો પછી આજે પહેલી વખત ખુલશે. આ મકાનમાં છેલ્લા ચારેક દાયકાથી કોઈ રહેતુ નથી. આ મકાન હવે મેઘાણી પરિવારના કબજામાં નથી, પણ મેઘાણીની પુણ્યતિથી નિમિત્તે એ જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે.

ખાનગી માલિકીના મકાનમાં હાલના તબક્કે તો સ્મારક બની શકે એમ નથી, પણ સરકારનો એવો પ્રયાસ છે કે દર વર્ષે 9મી માર્ચના દિવસે આ મકાન ખોલવામાં આવે. વર્ષ 1933માં બોટાદમાં સ્થાયી થયેલા ઝવેરચંદ મેઘાણીએ પાંચ હજાર રૂપિયામાં એ મકાન બનાવડાવ્યું હતું. વચ્ચે થોડો સમય મુંબઈ રહ્યા બાદ મેઘાણી 1936થી લઈને અંતિમ શ્વાસ સુધી એટલે કે 1947ની 9મી માર્ચ સુધી આ મકાનમાં જ રહ્યા હતાં.

મેઘાણીના અવસાન પછી સંતાનો ભાવનગર પ્રયાણ કરી ગયા એટલે આ મકાન વેચાઈ ગયુ હતું. હાલ એ અન્યની માલિકીનું છે. આખુ મકાન જોકે 3 ભાગમાં વહેંચાઈ ગયું છે. આગળનો ભાગ પહેલા જેવો જ છે, કેમ કે એ છેલ્લા ચારેક દાયકાથી બંધ છે. બીજા અને ત્રીજા ભાગમાં અન્ય પરિવારો રહે છે. પહેલા ભાગને બાદ કરતાં બધુ નવુ બાંધકામ છે. સાળંગપુર રોડ પર આવેલુ આ મકાન મેઘાણીના ડેલા તરીકે ઓળખાય છે.
મકાન પોતે જ મજબૂત બાંધણીનું છે એટલે ટકી રહ્યું છે, બાકી તેની જાળવણી માટે ખાસ પ્રયાસો થયા નથી. મેઘાણી જેની છાયાંમા બેસતા એ લીમડાનું વૃક્ષ, તેઓ વપરાશમાં લેતા એ ઓરડાઓ, કેટલીક ઘરવખરી વગેરે અહીં એમ જ પડયું છે. મેઘાણીના જીવનની અનેક મહત્વની ઘટનાઓ અને સ્મૃતિઓની આ દીવાલો સાક્ષી છે. મેઘાણી અહીંથી રોજ સવારે કર્મભૂમિ રાણપુરમાં જવા ટ્રેન પકડતાં હતાં. સવારે ઉઠીને ચા પીને મેઘાણી ઘરની બહાર નીકળતા ત્યારે તેઓ છેલ્લું કામ માથે ફેંટો બાંધવાનું કરતાં. ક્યારેક મોડું થાય તો ચાલતાં ચાલતાં જ ફેંટો બાંધવાનું કામ પુરું કરતાં હતાં.

અહીં તેમના પડોશમાં હાથીભાઈ ખાચર રહેતાં. મેઘાણીના પિતા કાળીદાસ ફોજદાર તરીકે હાથમા દંડો રાખતા. કાળીદાસના અવસાન પછી એ દંડો મેઘાણીએ હાથીભાઈને સોંપી દીધો હતો. એ દંડો પણ હજુય સચવાયેલો છે. અહીં તેમનું અવસાન થયું તેની આગલી સાંજે મેઘાણીએ શિક્ષકોના એક સંમેલનને સંબોધ્યુ હતું. 9મી માર્ચે સવારે પહેલાં તેમને છાતીમાં દુખાવો ઉપડયો હતો અને બાદમાં એ દુખાવો હૃદયરોગના હુમલામાં ફેરવાતા 1896માં જન્મેલા મેઘાણીનું બાવન વર્ષની વયે અવસાન થયુ હતું.

સરકાર પુરતા પ્રયાસ કરે અને જેમની માલિકીનું મકાન છે એ પરિવાર સહકાર આપે તો અહીં નમૂનેદાર સ્મૃતિસ્થળ બની શકે એમ છે. મેઘાણીની 66મી પુણ્યતિથિ નિમિત્તે અહીં દિવસે પુષ્પાંજલિ અને રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

English summary
Today Zaverchand Meghani 66 Death Anniversary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X