આજથી ગાંધીનગર અમદાવાદ વચ્ચે પ્રવાસ સાથે મનોરંજન બસ સેવાનો પ્રારંભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત 23મી એપ્રિલ, 2013ને મંગળવારના રોજ એસ.ટી. બસ સ્ટેશન, ગાંધીનગર ખાતે સવારે 9.30 કલાકે નાણાં, આરોગ્ય અને વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે મહિલા કંડકટરોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે રાજ્ય પરિવહન નિગમની બસોમાં પ્રવાસ કરનારી જનતા માટે ગાંધીનગર અમદાવાદ બસ સેવામાં ‘‘પ્રવાસ સાથે મનોરંજન'' યોજનાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ, રાજ્ય આરોગ્ય મંત્રી પરબતભાઇ પટેલ, રાજ્ય શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ માટે એસ.ટી. નિગમના અધ્યક્ષ બાબુભાઇ ઘોડાસરા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.ટી. નિગમ દ્વારા 8000 બસો દ્વારા દૈનિક 28 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 40,000 ટ્રીપો દ્વારા 24 લાખથી વધુ મુસાફરોને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત ગ્રામીણ કન્યાઓને અભ્યાસ માટે આવવા જવાની વિનામૂલ્યે સેવા, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 82.5 ટકા કન્સેશન બસ પ્રવાસની યોજના આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત રોજીંદા મુસાફરો માટે કન્સેશન પાસની યોજના, 4 કે તેથી વધુ મુસાફરોને એક સાથે બુકીંગમાં પાંચ ટકા કન્સેશન, રીટર્ન ટ્રાવેલીંગ બુકીંગ કરાવનાર મુસાફરોને 10 ટકા કન્સેશનની યોજના, ‘‘મન ફાવે ત્યાં ફરો''ની 7 અને 4 દિવસની પ્રવાસ યોજનાઓ, પાંચ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવાસની સવલત, 25 કિ.ગ્રા. સુધીનું લગેજ વિનામૂલ્યે લઇ જવાની સવલત સહિતની અનેકવિધ સવલતો મુસાફરોને પૂરી પાડવામાં આવી રહી છે.