ઉત્તર ગુજરાતમાં ફરી વખત માવઠું, અંબાજી પંથકમાં ફરી કમોસમી વરસાદ
ઉત્તર ગુજરાતમાં અચાનક થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વરસાદને પરિણામે ભીલોડા, લીલછા, અને જુમસર જેવા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ કમોસમી વરસાદે ખેડૂતોને રવિ પાકની શરૂઆતમાં જ મુશ્કેલીમાં દીધા છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ સવારે દાંતા, અંબાજી અને ધાનેરા પંથકમાં વરસાદ નોંધાયો હતો. દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં તો પવન સાથે વરસાદ પડ્યો હતો. યાત્રાધામ અંબાજી અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે.

ધાનેરા અને આસપાસના ગામોમાં કમોસમી વરસાદથી બાજરી, જુવાર, અને મગફળી જેવા પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં પણ સવારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. મગ, બાજરી, જુવાર, કપાસ અને કઠોળ પકવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જો કે, અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ નબળી પડતાં વરસાદનું જોર ઘટશે. તેમ છતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર કે તાપમાનમાં કોઈ બદલાવ નહીં આવે. જો કે, રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા માવઠાને કારણે ગુજરાતમાં લગભગ 10 લાખ હેક્ટર ખેતીની જમીનને અસર થઈ છે.
ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પાક નુકસાનના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને અહેવાલ સુપરત કર્યો છે. રાજ્ય સરકારે હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાન નોંધાયું હોવાના આંકડા પ્રાપ્ત થયા છે અને આ સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.












Click it and Unblock the Notifications
